________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૬૫
સુનંદનો આ નિયમ જાણી રાજાને તેના પ્રત્યે માન થયું. ત્યાં તેની ખૂબ જ પ્રશંસા કરી અને પોતાના મહેલમાં પાછો ફર્યો.
સમય જતાં સુનંદે પોતાનો કારભાર પોતાના પુત્રને સોંપી દીધો અને પોતે દીક્ષા લઈ લીધી. કાળક્રમે તેને કેવળજ્ઞાન થયું. એક દિવસ વિહાર કરતાં તે વિશાળપુરી નગરીમાં પધાર્યા. પેલો મયૂરનો જીવ સેવક તેમને જોઈ કષ્ટ ધ્યાન ધરવા લાગ્યો. આ જોઈ કેવળીએ તેને ઉદેશીને કહ્યું -
તું પૂર્વભવે મયૂર હતો અને મારા છોડેલા બાણથી તું મૃત્યુ પામ્યો હતો. હવે તું મનુષ્યભવ પામ્યો છે, તો સંસારમાં રઝળાવતી દુષ્ટતાનો તું ત્યાગ કર.”
આ સાંભળી સેવકને જાતિસ્મરણજ્ઞાન થયું અને નિખાલસપણે તેણે રત્નાહારની ચોરીની વાત બધાને જણાવી અને ખમાવીને પોતે દીક્ષા લીધી. વિશાળપુરીના રાજાએ પણ ધર્મ અંગીકાર કર્યો અને પર્વતિથિએ પૌષધ કરવા લાગ્યો. આમ જે ભવ્ય જીવો આનંદથી પૌષધવ્રતથી પર્વની આરાધના કરે છે અને અંતરમાંથી ધર્મપર્વોને ત્યજતા નથી તેથી સર્વ સંપત્તિ પામે છે..
O
૧૫૨
પર્વોની આરાધના પર્વની આરાધના વિષે થોડુંક વિશેષ કહેવામાં આવે છે -
सर्वारंभपरित्यागात्याक्षिकादिषु पर्वसु ।
विधेयः पौषधोऽजस्त्रमिव सूर्ययशा नृपः ॥ ચતુર્દશી પર્વ વગેરેમાં સર્વ પ્રકારના આરંભ-સમારંભનો ત્યાગ કરી સૂર્યયશા રાજાની જેમ પૌષધવ્રતનું પાલન કરવું.”
સૂર્યયશા રાજાની કથા સૂર્યયશા પ્રથમ ભરત ચક્રવર્તીનો જયેષ્ઠ પુત્ર હતો. દશ હજાર મુગટધારી રાજાઓનો તે અધિપતિ હતો. વિનીતા નગરીના નગરજનોનું તે નીતિથી પાલન કરતો હતો. શક્રાવતાર નામના શ્રી ઋષભદેવ પ્રભુના ભવ્ય જિનાલયમાં રોજ સવારે સેના સહિત જવાનો તેનો નિયમ હતો. સવારમાં દેરાસરે જઈ ભાવથી તે પ્રભુની સ્તુતિ કરતો, આ ઉપરાંત પાક્ષિકના દિવસે દશ હજાર રાજાઓ અને બીજા અનેક પરિજનો સહિત પૌષધ કરવાનો તેનો નિયમ હતો. આ પાક્ષિકના દિવસે તે પોતે તો કોઈ આરંભ કરતો નહિ પરંતુ બીજાની પાસે પણ કરાવતો નહિ.