________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩
આમ વિચારી એ વિદ્યાર્થી ગુરુપત્નીની ચર્યા પર છાની નજર રાખવા લાગ્યો. રાતે પણ તેણે જાસુસી કરી. રાત પડતાં ઉપાધ્યાયની પત્ની નર્મદાના સામા કાંઠે જવા નીકળી. વિદ્યાર્થી પણ છૂપાતો તેની પાછળ ગયો.
એક કિનારા ઉપર એક મગરે ચોર લોકોને પકડ્યાં. આ જોઈ પેલી સ્ત્રીએ કહ્યું - “અરે ! મૂર્ખાઓ ! તમે આ નઠારે આરે શા માટે ઉતર્યા? હવે તમે મગરની આંખ ઢાંકી દો એ તમને છોડી દેશે.”
વિદ્યાર્થી તો ઉપાધ્યાય પત્નીની હિંમત અને બુદ્ધિ જોઈ ખુશ થઈ ગયો પણ તેણે આ બધું કોઈને કહ્યું નહિ. મનની વાત મનમાં જ રાખી. બીજે દિવસે ગુરુપત્નીને કાગડાના કા કા શબ્દથી ભય પામતી જણાઈ એટલે પેલા વિદ્યાર્થીએ કહ્યું –
“દિવસે કાગડાથી ડરે છે અને રાતે નર્મદા તરે છે. સારા અને નઠારા આરાને જાણે છે અને જળજંતુની આંખો મીંચાવવાનો ઉપાય જાણે છે.”
આ સાંભળી ગુરુપત્ની બોલી – “શું કરું? તારા જેવા યુવાનને મારી કંઈ પડી નથી. આથી મારે ત્યાં જવું પડે છે.” - વિદ્યાર્થી – “મને તમારી ઈચ્છા તો ઘણી થાય છે પણ તમારા પતિનો મને ડર લાગે છે.”
એ પછી યુવાન સ્ત્રીએ પોતાના વૃદ્ધ પતિની હત્યા કરી. તેની લાશને પેટીમાં મૂકી એ પેટીને ઉપાડી તેને મૂકવા જંગલમાં ગઈ.
ત્યાં કોઈ વ્યંતરી દેવીએ એ પેટીને સ્ત્રીના માથા સાથે ખંભિત કરી દીધી. આમ પેટી લઈ તે જંગલમાં ભમવા લાગી. થોડા સમયમાં તો પેટીનું વજન વધવા લાગ્યું અને તેમાંથી માંસ ગળવા લાગ્યું.
માથા પર ભારે બોજ, માંસની દુર્ગધ, ફરી ફરીને થાકી ગયેલા પગ અને સૂકાતો કંઠ. યુવાન સ્ત્રીની વેદનાનો કોઈ પાર ન હતો. હવે તે પેટી લઈને ઘરે ઘર ફરવા લાગી અને દરેકને કહેવા લાગી - “પતિની હત્યા કરનાર આ નીચ સ્ત્રીને કંઈક ખાવાનું આપો.”
આમ ઘણો સમય તેણે ભિક્ષા માંગી. એક દિવસ રસ્તામાં તેણે કોઈ એક સાધ્વીજીને જોયાં. તેમને વંદન કરવા માથું નમાવ્યું કે તુરત જ પેલી પેટી નીચે પડી ગઈ. આથી તેણે એ સાધ્વીજી પાસે દીક્ષા લીધી.
આ દષ્ટાંત કથામાંથી ભવ્ય જીવોએ પોતાના પાપની નિંદા કરવાની પ્રેરણા લેવી જોઈએ. જાણતાં કે અજાણતાં પોતાનાથી જે પાપ થઈ ગયું હોય તેની દેવ-ગુરુ સમક્ષ કે આત્મા સન્મુખ કડક નિંદા કરવી જોઈએ. તેમ કરવાથી પાપનો બોજ હળવો બને છે અને આત્મા વિશુદ્ધ બને છે.