________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૭૫
અને ચોથો પાયો તે આ ગામનો રાજા કે જેણે યુવાન, વૃદ્ધ અને બાળક તમામને સરખે ભાગે દિવાલ વહેંચી આપી.”
રાજા ચિત્રકારની પુત્રીની બુદ્ધિથી ખુશ થયો અને તેની સાથે તેણે લગ્ન કર્યા.
એક દિવસ રાજા રાણીના વાસગૃહમાં સૂતો હતો. રાજાની આજ્ઞાથી દાસીએ રાણીને કોઈ વાર્તા કહેવાનું કહ્યું. રાજા કંઈક નિદ્રિત થયા એટલે રાણીએ વાર્તા માંડી.
એક ગૃહસ્થને એક જ પુત્રી હતી તેના માટે તેની માતાએ, પિતાએ અને ભાઈએ યોગ્ય વર પસંદ કર્યો. આ ત્રણેય વ૨ એક જ દિવસે એ પુત્રી સાથે લગ્ન કરવા આવી પહોંચ્યાં. દુર્ભાગ્યે તે જ રાતે તે પુત્રીનું સર્પદંશથી મૃત્યુ થયું.
પોતાની માનેલી પત્નીના અણધાર્યા અવસાનથી એક જણ તો તેની સાથે જ ચિતામાં બળી મર્યો. બીજો તેની સાથે સ્મશાનમાં જઈ ત્યાં જ ઉપવાસ કરીને રહેવા લાગ્યો. જ્યારે ત્રીજાએ સંજીવની સાધના કરી અને એ વિદ્યાના બળથી પુત્રીને જીવતી કરી.
“હવે તું કહે, આ ત્રણમાંથી કોની સાથે એ પુત્રીને પરણાવવી જોઈએ ?” રાણીએ વાર્તાના અંતે પ્રશ્ન કર્યો.
-
દાસીએ કહ્યું – “તમે જ તેનો જવાબ આપો.” રાણીએ કહ્યું – “આજે મને ઊંઘ આવે છે કાલે તેનો જવાબ આપીશ.”
રાજા ત્યારે ઊંઘમાં પણ તેની વાર્તા સાંભળતો હતો. તેનો જવાબ સાંભળવા તે પણ તલપાપડ થઈ ગયો. આથી બીજા દિવસે પણ તેને જ વાત કહેવા માટે કહ્યું. આ સમયે દાસીએ પેલા પ્રશ્નનો જવાબ પૂછ્યો એટલે રાણીએ કહ્યું.
“જે સાથે બળી મર્યો ને સાથે જીવતો થયો આથી તે તો તેનો ભાઈ થયો. જેણે તેને નવું જીવન આપ્યું તેથી તે તેનો પિતા થાય. આથી ઉપવાસ કરીને જે સ્મશાનમાં રહ્યો હતો તેને જ એ પુત્રી આપવી યોગ્ય ગણાય.”
એ રાતે પણ રાણીએ બીજી વાર્તા કહી. રાણીએ આમ વાર્તાઓ કહી રાજાને પોતાનામાં ખૂબ જ આસક્ત કર્યો. છ માસ સુધી રાજા તેના વાસગૃહે રહ્યો. આથી બીજી પત્નીઓ તેની ઈર્ષ્યા કરવા લાગી.
રાણી આથી સભાન હતી. આથી તે રોજ સાંજના એકાંતમાં બેસીને પિતા તરફથી મળેલ કપડાં અને આભૂષણો બહાર કાઢતી. પોતાના આત્માને ઉદ્દેશીને કહેતી - “હે જીવ ! આ તારી મૂળ સંપત્તિ છે. તું એક કલાકારની પુત્રી છે. રાજાએ તને માનીતી બનાવી તેથી તું અભિમાન ન કરીશ.”
આમાં પણ બીજી રાણીઓએ કંઈક કામણ જોયું. આથી રાજાએ જાતે તેને જોઈ અને સાંભળી. એથી તો તેના પ્રત્યે તેનો ઘણો પ્રેમ વધી ગયો અને તેને પોતાની પટ્ટરાણી બનાવી.