________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૧૫૦
પ્રતિક્રમણના પચચો (ચાલુ) પ્રતિક્રમણમાં આઠમો-છેલ્લો પર્યાય શુદ્ધિ છે. શુદ્ધિ એટલે નિર્મળ કરવું. શુદ્ધિના પણ બે ભેદ છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત. જ્ઞાનાદિકની શુદ્ધિ તે પ્રશસ્ત શુદ્ધિ અને ક્રોધાદિકની સ્પષ્ટતા તે અપ્રશસ્ત શુદ્ધિ. તેમાં પણ ક્રોધાદિ રૂપ મળને દૂર કરી આત્માને નિર્મળ કરવો તે પ્રશસ્ત શુદ્ધિ છે. આ પર્યાય અંગે વસ્ત્ર અને વૈદ્યનું એમ બે દષ્ટાંત છે.
શ્રેણિક રાજાએ એક ધોબીને બે વસ્ત્ર ધોવા માટે આપ્યાં. તે સમય દરમિયાન કૌમુદી મહોત્સવ આવ્યો. આ મહોત્સવમાં મ્હાલવા માટે ધોબીએ શ્રેણિકના બે વસ્ત્ર પોતાની પત્નીને પહેરાવ્યાં.
મહોત્સવમાં ફરતાં ફરતાં શ્રેણિકે ધોબણે પહેરેલા પોતાના બે વસ્ત્ર જોયાં. આથી તેની નિશાની રાખવા તેણે અજાણતાંનો ડોળ કરી એ વસ્ત્ર પર પાનની પિચકારી મારી. સફેદ વસ્ત્રો તેથી ડાઘવાળા થઈ ગયાં.
ધોબીએ બીજે દિવસે એ વસ્ત્રોને બરાબર ધોઈને શ્રેણિકને પાછા આપી દીધાં. શ્રેણિકે જોયું તો વસ્ત્ર પર સહેજ પણ ડાઘ ન હતો. તેણે ધોબીને પૂછતાં ધોબીએ સાચી હકીકત જણાવી દીધી. આથી શ્રેણિકે તેના પર ખુશ થઈ તેને ભેટ આપી.
આ પ્રમાણે સાધુ અને શ્રાવકે પોતાના આત્મા પર જે કંદોષ કે અતિચાર લાગ્યા હોય તેની શુદ્ધિ તુરત જ કરી લેવી જોઈએ. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં સુરદેવ અને ચુલ્લશતક શ્રાવકની કથા આ માટે પ્રેરક છે.
સુરદેવ શ્રાવક વારાણસીમાં રહેતો હતો. એક વખત પૌષધ લઈ તે પૌષધશાળામાં શુભ ધ્યાન ધરવા લાગ્યો. ત્યાં કોઈ દેવતાએ તેને કહ્યું – સુરદેવ! તું જૈનધર્મનો ત્યાગ કર. નહિ તો હું આખા શરીરમાં મહારોગ પેદા કરીશ.”
દેવતાના ભયથી તે પોતાનું શુભ ધ્યાન ચૂકી ગયો. બીજે દિવસે તે શ્રી વીરપ્રભુ પાસે ગયો અને પ્રતિજ્ઞા તોડી તે માટેની આલોયણા લીધી.
આલોયણા લઈ સુરદેવે પ્રતિક્રમણ કરી પોતાના આત્માને વિશુદ્ધ કર્યો અને કાળક્રમે તે ત્યાંથી સુધર્મ દેવલોકે ગયો. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધિપદને પામશે.
શુદ્ધિ અંગે વૈદ્યનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે :
પોતાના ઉપર ચડાઈ કરવા આવતા શત્રુનો નાશ કરવા રાજાએ વૈદ્ય પાસે ઝેર મંગાવ્યું. જવના દાણા જેટલું ઝેર લઈને વૈદ્ય રાજા પાસે હાજર થયો.