________________
mm
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩
અતિમુક્ત છએક વરસના હતાં તે સમયની એક ઘટના છે. શ્રી ગૌતમસ્વામીને છઠ્ઠનું પારણું હતું. પોલાસપુરમાં તે ગોચરી માટે જઈ રહ્યા હતાં. તે સમયે રમતાં રમતાં અતિમુક્તનું ધ્યાન તેમના તરફ ગયું. દોડતાં દોડતાં તેમની પાસે જઈ આ નાના બાળકે પૂછ્યું – “તમે કોણ છો? અને તમે આમ કેમ ફરી રહ્યા છો ?”
ગણધર ભગવંતે વાત્સલ્યભીના સ્વરે કહ્યું-“વત્સ ! હું સાધુ છું. ભિક્ષા માટે ફરી રહ્યો છું.” અતિમુક્ત - “તો ચાલો મારા ઘરે, હું તમને ભિક્ષા અપાવું.”
અને શ્રી ગૌતમસ્વામીને આંગળીએ પકડીને અતિમુક્ત પોતાના મહેલમાં લઈ આવ્યો. પોતાના આંગણે ગણધર ભગવંતને જોઈ શ્રીદેવીના આનંદનો પાર ન રહ્યો. ભાવપૂર્વક તેણે ગોચરી વહોરાવી.
ભિક્ષા લઈને પાછા ફરતાં શ્રી ગૌતમસ્વામીને અતિમુક્ત પૂછ્યું – “ભગવન્! આપ ક્યાં રહો છો ?”
ગણધર ભગવંત – “વત્સ ! શ્રી વીર પરમાત્મા અમારા ગુરુ છે. અમે તેમની સાથે રહીએ છીએ.”
અતિમુક્ત-“શું તમારે પણ બીજા ગુરુ છે? ચાલો, હું પણ તેમના દર્શન કરવા આવું છું.” ગણધર ભગવંત - “દેવાનુપ્રિય! સુખ ઉપજે તેમ કરો.”
પર્ષદામાં પહોંચી અતિમુક્ત ભગવાન શ્રી વીર પરમાત્માને વિનયથી વંદના કરી ભગવાને તેને બાળભાષામાં ધર્મની પ્રેરણા આપી. બાળ રાજકુમાર ઘરે પાછો ફર્યો. તેના સમસ્ત ચિત્તતંત્ર પર ત્યારે વીરવાણીનો દિવ્ય પ્રભાવ હતો. તેણે પોતાના માતા-પિતાને વિનયથી કહ્યું : “પૂજ્ય માતુશ્રી તથા પિતાશ્રી ! હવે મને આ સંસાર અસાર લાગે છે. મારે શ્રી વીર પરમાત્મા પાસે દીક્ષા લેવી છે, તો આપ મને સહર્ષ અનુમતિ આપો.”
“વત્સ ! તું હજી ઘણો નાનો છે. દીક્ષા કેવી હોય તેની તને શું ખબર પડે?” વ્હાલથી માતાએ કહ્યું.
અતિમુક્ત તરત જ કહ્યું: “પૂજ્ય માતુશ્રી ! જે હું જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે જાણું છું.”
કુમારને આવું રહસ્યમય બોલતો જોઈ વિજયરાજા અને શ્રીદેવીએ પૂછ્યું: “વત્સ ! એટલે શું?”
અતિમુક્ત પોતાની કાલી ભાષામાં પણ સ્પષ્ટતાથી કહ્યું: “હું જાણું છું કે જે જન્મ્યો છે તે અવશ્ય કરવાનો છે પરંતુ હું એ નથી જાણતો કે તે જીવ ક્યાં અને કેવી રીતે મરશે? અને હું