________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ પરમાત્મા શ્રી ઋષભદેવપ્રભુની સ્તુતિ કરી. ત્યાં તેની નજર રંગમંડપમાં નૃત્ય-ગાન કરતી બે યુવતીઓ ઉપર ગઈ. પરંતુ જિનાલયમાં એવી નજર કરવી તે વ્યર્થ છે, એમ સમજી તેણે તે અંગેના તમામ વિચાર બળપૂર્વક છોડી દીધાં. દર્શન કરી મહેલમાં પાછા ફરી તેણે એ યુવતીઓની માહિતી મંગાવી.
મંત્રી યુવતીઓ પાસે આવ્યો અને તેમનો પરિચય પૂછ્યો. તેમણે કહ્યું - “અમે બંને વિદ્યાધરની પુત્રીઓ છીએ. કુમારિકા છીએ. અમારું વચન પાળનાર, અમારું કહ્યું કરનાર પતિની શોધમાં અમે નગર નગર ફરી રહ્યાં છીએ. ઘણાં સમયથી અમે કહ્યાગરા કંથની શોધમાં છીએ. પરંતુ તેવો કોઈ પુરુષ હજી જોવા નથી મળ્યો. હવે અમને આશા નથી. આથી અહીંથી અમે અમારા સ્થાને જઈશું.”
મંત્રી - “સુકન્યાઓ ! તમે નિરાશ ન થાવ. તમારી ઈચ્છાને પૂર્ણ કરે એવો પુરુષ આ જ નગરીમાં છે. આ નગરીનો રાજા સૂર્યયશા શ્રી ઋષભદેવ પ્રભુનો પૌત્ર થાય છે. ભરત ચક્રવર્તીનો તે જયેષ્ઠ પુત્ર છે. તે રૂપવાન, ગુણવાન અને બળવાન છે. તેના જેવો કોઈ પુરુષ આ ત્રણે ભુવનમાં નથીં. તમે તેને તમારો ભર્તાર કરો. તમારા વચનનું તે કદી ઉલ્લંઘન નહિ કરે. કારણ કે એક વખત પ્રતિજ્ઞા લીધા પછી તે પ્રતિજ્ઞા ભંગ કદી નથી કરતાં.”
યુવતીઓ (રંભા અને ઉર્વશી) - “અમારા વચનનું તે ઉલ્લંઘન નહિ કરે તેની ખાતરી શી ?”
મંત્રી - “મારા રાજા વતી હું તમને ખાત્રી આપું છું કે, સૂર્યયશા રાજા તમારા વચનનું કદી ઉલ્લંઘન નહિ કરે.”
મંત્રીનું વચન મળતાં આ માનવ દેહધારી રંભા અને ઉર્વશીએ સૂર્યયશા સાથે લગ્ન કર્યા. રાજા સાથે સંસારના સુખોપભોગ કરતી સ્વર્ગની અપ્સરાઓએ એક દિવસ પટહનો અવાજ સાંભળ્યો - “સ્વામી ! આ શેનો અવાજ સંભળાય છે ?”
સૂર્યયશા – “પ્રિયે ! આ ધર્મપટલનો અવાજ છે. આવતી કાલે અષ્ટમી પર્વનો દિવસ છે. પર્વના દિવસે નગરનો કોઈપણ પ્રજાજન દળણ, ખંડન, પેષણ, રંધન, અબ્રહ્મ સેવન, જ્ઞાતિ ભોજન, તિલ તથા એરંડી વગેરેનું પિલન, રાત્રિભોજન, વૃક્ષછેદન, ભૂમિવિદારણ, ઈંટ તથા ચૂનો પકાવવા માટે અગ્નિ પ્રવાલન, વસ્ત્રપ્રક્ષાલન, વાસી ભોજન, શાળી તથા ચણાનું શેકન, શાકભાજી ખરીદવા વગેરે કોઈપણ જાતનો પાપ વ્યવહાર કરશે નહિ તેમજ કરાવશે નહિ. બાળકો સિવાય લગભગ બધા જ કાલે ઉપવાસ કરશે.”
બીજું પર્વના દિવસે દશ હજાર રાજાઓ પૌષધ કરે છે. રાજાઓ સુખમગ્ન હોવાથી તેમને પર્વના દિવસની યાદ આપવા આગલા દિવસે આવો પટ વગાડવામાં આવે છે. જેથી તે સાંભળીને પર્વના દિવસે પૌષધ કરવા તૈયાર થાય. સુંદરીઓ ! હું પણ પર્વના દિવસે પૌષધ કરું છું. કાલે અષ્ટમી છે આથી આખો દિવસ હું કાલે પૌષધશાળામાં રહીને ધર્મની આરાધના કરીશ.”