________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ રંભા અને ઉર્વશી જે તકની રાહ જોતા હતા તે તક તેમને મળી ગઈ. સૂર્યયશાનો ખુલાસો સાંભળતાં જ બંને મૂચ્છિત થઈ ગઈ. રાજાએ તુરત જ ચંદનના સિંચનથી તેમની સારવાર કરી. થોડુંક સ્વસ્થ થયા બાદ બંનેએ કહ્યું -
૬૮
“પ્રાણેશ ! અમને તમારા ઉપર એટલો બધો પ્રેમ છે કે પળનો પણ તમારો વિરહ અમારા માટે અસહ્ય છે અને તમે કાલે આખો દિવસ અમારાથી દૂર રહેવા માંગો છો. ના નાથ ! ના. અમારાથી તમારો વિરહ જીરવાશે નહિ. સંભવ છે તમારા વિરહથી તરફડીને અમારું મૃત્યુ પણ થઈ જાય. માટે અમારી પ્રાર્થના સ્વીકારો અને કાલે પૌષધ કરવાનું માંડી વાળો.”
સૂર્યયશાએ તેના જવાબમાં કહ્યું - “દેવીઓ ! મારા માટેનો તમારો પ્રેમ હું જોઈ શકું છું. પરંતુ ક્ષણિક આનંદ આપતા દેસુખને ખાતર શાશ્વત આનંદ આપતાં ધર્મને હું છોડી શકું તેમ નથી: સ્વર્ગનું સુખ સુલભ છે, પરંતુ જિનધર્મ મળવો અત્યંત દુર્લભ છે. આવા ધર્મની આરાધના ક૨વાનો કાલે પર્વનો દિવસ છે. એ પવિત્ર દિવસે હું ધર્મનો ત્યાગ કરી શકું તેમ નથી. પર્વના દિવસે પૌષધ ક૨વાનો મારો નિયમ છે. નિયમભંગ કરી મારો માનવભવ હું એળે જવા દેવા નથી માંગતો.”
સૂર્યયશાનો આવો દૃઢ જવાબ સાંભળી રંભા-ઉર્વશી બોલ્યા - “નાથ ! આમ કહેતા તમે એ કેમ ભૂલી જાવ છો કે લગ્ન વખતે તમે અમને અમારું કહ્યું કરવાનું વચન આપ્યું હતું. અમે તમને પૌષધ કરવાની ના કહીએ છીએ. છતાંય પૌષધ કરીને શું તમે વચનભંગી થવા માંગો છો ?”
સૂર્યયશા - “રૂપાંગનાઓ ! તમને વચન આપ્યું હતું એ ખરું પરંતુ તમે કહો તો રાજપાટ સઘળું છોડી દઉં પણ હું મારો સ્વધર્મ નહિ છોડી શકું.”
“તો અમે કાલે આગમાં જીવતાં બળી મરીશું” છંછેડાઈને રંભા-ઉર્વશીએ કહ્યું.
સૂર્યયશા આથી મનની શાંતિ ખોઈ બેઠો. તેણે ઊંચા અવાજે કહ્યું - “લાગે છે તમે કોઈ વિદ્યાધરની કન્યાઓ નથી. કોઈ ચાંડાળ કુળની પુત્રીઓ છો, નીચ કુટુંબના માણસો જ ધર્મમાં અંતરાય ઉભો કરે અને હું પૌષધ કરું તેથી તમારે આત્મહત્યા કરવાની શી જરૂર છે ? તમારા વચનના બદલામાં તમે બીજું ગમે તે માંગો, હું તે જરૂરથી આપીશ.”
“પ્રાણેશ ! તમારા ઉપર અમને અતૂટ સ્નેહ છે આથી તપસ્યાથી તમારા દેહને કોઈ કષ્ટ ન પડે તેવા શુભ હેતુથી અમે તમને પૌષધ ન કરવા કહીએ છીએ. આથી તમારે ગુસ્સે થવાનું કોઈ કારણ નથી. બાકી આજે તો અમારી હાલત દયનીય થઈ ગઈ છે. પિતાના વચનનું ઉલ્લંઘન કરી અમે પિતાનું ઘર છોડ્યું અને અહીં પતિના ઘરે પણ એવી જ દશા ઉભી થઈ છે. અમે અભંગ સુખ માંગીએ છીએ અને તમે વચનભંગ કરી તે સુખ ખંડિત કરો છો. આથી અમે તો શીલથી પણ ભંગ થયા અને પિતાના ઘરથી પણ ભ્રષ્ટ થયાં. હવે તમારા રાજ્યને અમારે શું કરવું ?”