________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ સેવકની માહિતી સાચી પડી. સુનંદે તે દિવસે પૌષધ લીધો હતો. પૌષધશાળામાં સુનંદ એકલો જ હતો અને આંખ બંધ કરી સ્થિર ચિત્તે અને શરીરે પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરતો હતો. સેવકે રાણીનો ચોરેલો રનહાર કાળજીપૂર્વક સુનંદના ગળે પહેરાવી દીધો.
આ બાજુ રાણીને પોતાનો રત્નહાર ગુમ થયાની ખબર પડી. તેને હાર માટે કાગારોળ કરી મૂકી. સેવકોએ મહેલનો ખૂણે ખૂણો શોધી જોયો. ક્યાંય રત્નાહાર ન મળ્યો. રાજાએ તુરત જ સેવકોને ઘરે ઘરમાં જડતી લેવા મોકલી દીધાં. મયૂરના જીવવાળો સેવક અને બીજા સેવકો પણ રત્નાહારની શોધમાં નીકળ્યાં. આ સેવક બીજા સેવકોની સાથે પૌષધશાળામાં આવ્યો. ત્યાં સૌએ સુનંદ શ્રાવકને ધ્યાનમાં ઉભેલો જોયો અને સાથોસાથ તેના ગળામાં પહેરેલો રાણીનો રત્નાહાર પણ જોયો. રાજસેવકો તેને બાંધીને રાજા પાસે લઈ આવ્યાં.
રાજાએ પૂછ્યું - “સુનંદ! રાણીનો આ રત્નાહાર તારી પાસે કેવી રીતે આવ્યો?
સુનંદે આ કે બીજા કોઈ જ પ્રશ્નનો જવાબ ન આપ્યો. રાજાએ કોપાયમાન થઈ સુનંદનો વધ કરવાનો હુકમ કર્યો.
- બીજે દિવસે સુનંદને વધસ્થાને લઈ જવાયો. રાજાની આજ્ઞાથી મયૂરના જીવવાળો સેવક સુનંદનો વધ કરવા માટે ગયો. સુનંદનું માથું ધડથી જુદું કરવા જેવું તેણે ખડ્રગ ઉપાડ્યું કે તુરત જ ખગના આપોઆપ ટુકડેટુકડા થઈ ગયાં. બીજા સેવકોએ આવી બીજા હથિયારથી સુનંદનો વધ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ એ બધા જ હથિયારની દશા પેલા ખડ્રગ જેવી થઈ. ઘા ઉગામતાં જ તે શસ્ત્રના ટુકડેટુકડા થઈ જતાં.
સેવકોએ તુરત જ આ હકીકત રાજાને જણાવી. રાજા દ્વેષરહિત તુરત જ ત્યાં આવ્યો અને સુનંદને છોડી દેવાની આજ્ઞા કરી. મુક્તિ મળતાં સુનંદે પૌષધ પાર્યો અને પોતાના ઘરે ગયો. પરવારીને પાછો રાજા પાસે આવ્યો અને વિનયથી કહ્યું - “રાજનું! હું શ્રાવક છું. અમે શ્રાવકો કદી ચોરી નથી કરતા. પૂછડ્યા વિના તણખલાને પણ હાથ નથી અડકાડતાં અને પૂર્વભવની પુણ્યાઈના પ્રતાપે આવા તો ઘણા રત્નહાર મારા ભંડારમાં છે. આપને તે જોવા માટે હું અત્યારે નિમંત્રણ આપવા આવ્યો છું.”
સુનંદની સાથે રાજા ગયો. સુનંદનો ધનભંડાર જોઈ રાજા આંગળા નાંખી ગયો. રાણીના રનહારથી ય વધુ કિંમતી હાર તેના ભંડારોમાં પડ્યાં હતાં. છેવટે તેણે સુનંદને પૂછ્યું – “સુનંદ ! તો પછી ગઈકાલે રાતે તમને બાંધીને લાવ્યાં અને મેં હાર વિષે પૂછ્યું ત્યારે તમે કેમ કંઈ જણાવ્યું નહિ ?”
સુનંદ – “રાજનું! ગઈકાલે પર્વનો દિવસ હતો. આ દિવસે હું પૌષધ કરું છું. પૌષધમાં કંઈ પણ સાવદ્ય બોલી શકાય નહિ.”