________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૬૩
હજી બહાર નહોતો નીકળ્યો. તીરના ઘાથી મોર જીવન અને મૃત્યુ વચ્ચે તરફડિયા ખાતો હતો. તેના ગળામાંથી દર્દ ટપકતું હતું.
મોરની મૃત્યુની કારમી વેદના જોઈ પૃથ્વીપાળના હૈયે કરૂણા ફૂટી. “અરેરે ! મેં આ કેવું દુષ્કૃત્ય કર્યું ?” આ નિર્દોષ જીવને મેં નાહક તીરથી વીંધી નાખ્યો. આવી જ રીતે મારાથી કોઈ વધુ બળવાન માણસ કે પશુ મને વીંધી નાખે કે ફાડી નાંખે તો મારી હાલત આ મોર જેવી થાય ને ? ખરેખર ! મને ધિક્કાર છે. મને આ રીતે કોઈનો જીવ લેવાનો કોઈ જ અધિકાર નથી.’
અને મોર પાસે જઈ તેણે ખૂંપેલું તીર હળવેથી કાઢી નાખ્યું. લોહી બંધ કરવાનો પ્રયત્ન કર્યો અને મોરને પ્રેમથી પંપાળી તેની ક્ષમા માગવા લાગ્યો. રાજાની સારવાર અને પ્રેમથી મોરને કંઈક શાતા વળી. તે શુભ ધ્યાન કરવા લાગ્યો. તેનું આયુષ્ય હવે પૂરું થયું હતું. થોડી જ ક્ષણોમાં તેનો આત્મા દેહ છોડી ગયો અને ત્યાંથી તે વિશાલપુર નગરમાં મનુષ્યભવને પામ્યો.
મોરના મડદાને ત્યાં જ રહેવા દઈ રાજા પૃથ્વીપાળ પાછો નગર તરફ આવવા નીકળ્યો. રસ્તામાં તેણે એક મુનિરાજને શિલાપટ્ટ ઉપર બેઠેલા જોયાં. રાજા તેમની પાસે ગયો. પ્રણામ કર્યા અને તેમની સામે બેઠો. મુનિએ તેને કહ્યું
“જીવદયા એ ધર્મજનેતા છે. આ જનેતા દેવતાઓને પણ માનવા યોગ્ય છે. આથી બુદ્ધિમાન-ડાહ્યા જનો જીવદયાની વૈરિણી હિંસાનો આદર કરતા નથી.”
મુનિના મુખેથી આ શ્લોક સાંભળી રાજા વિચારમાં પડી ગયો. શું આ મુનિએ મેં મોરનો શિકાર કર્યો તે જોયું હશે ? ન જોયું હોય તો પણ તેમણે આડકતરો નિર્દેશ તો કરી જ દીધો છે અને તેઓ કહે છે તે પણ બરાબર છે. જીવદયા ધર્મની માતા જ છે. રાજાના અંતરના ભાવ જાણીને મુનિએ તેને વધુ ધર્મપ્રેરણા આપી. રાજાએ તુરત જ તેમની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
શ્રાવક બની મહેલમાં પાછા ફરેલા રાજા પૃથ્વીપાળે જાળ ધનુષ્યબાણ જેવા જીવહિંસાના તમામ સાધનો બાળી નંખાવ્યાં. આ ઉપરાંત પર્વ દિવસોએ દળવું, ખાંડવું, ધોવું, પીસવું વગેરે બંધ કરાવ્યું. આમ અનેક રીતે શ્રાવકધર્મનું પાલન કરતાં રાજા મૃત્યુ પામીને વિશાળપુર નગરમાં સુનંદ નામે ખૂબ જ શ્રીમંત અને ધનાઢ્ય વેપા૨ી થયો.
મોરનો જીવ વિશાલપુર નગરમાં જ મનુષ્યભવ પામ્યો હતો. તે રાજાનો સેવક હતો. આ સેવકે સુનંદ વેપા૨ીને એક દિવસ જોયો. પૂર્વભવના સંસ્કારથી સુનંદને જોતા જ સેવકના મનમાં તેની હત્યા કરવાના વિચાર આવ્યાં અને તે દિવસથી સેવક સુનંદની હત્યાની તક જોવા લાગ્યો. થોડા દિવસ બાદ રાજાના સેવકે રાણીનો રત્નહાર ચોરી લીધો. આ ચોરેલો હાર લઈ તે સુનંદ પાસે ગયો. અગાઉથી તેણે બધી પાકી માહિતી ભેગી કરી લીધી હતી અને તે જ પ્રમાણે તે બધા પગલા ભરતો હતો, જેથી સુનંદની હત્યાનો આરોપ પોતાના માથે ન આવે અને તેની હત્યા થઈ જાય.