________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૪૬
નિર્દોષ આહાર વહોરાવવો. ચારિત્ર્યની વૃદ્ધિ અને રક્ષા માટે તેમને જરૂરી એવી સામગ્રી (પાતરા, શાલ, કાપડ વગેરે સાધુપયોગી ચીજવસ્તુઓ) વહોરાવવી, પુસ્તકો વગેરેનો પ્રબંધ કરી આપવો અને શ્રાવક-શ્રાવિકાનું ઉચિત બહુમાન કરવું. વરસમાં ઓછામાં ઓછી એકવાર આવી સંઘપૂજા કરવી જોઈએ. સમગ્ર સંઘનું બહુમાન કરવું તે ઉત્કૃષ્ટ સંઘપૂજા છે. સૂતરની નવકારવાળીથી બહુમાન કરવું તે જઘન્ય સંઘપૂજા છે. પોતાની શક્તિ ન હોય અને સકળ સંઘનું બહુમાન ન થઈ શકે તો સાધુ-સાધ્વીજી મહારાજોને મુહપત્તિ વગેરે નાની વસ્તુઓ વહોરાવવી અને એકાદ બે શ્રાવક-શ્રાવિકાને સોપારી-બદામ જેવી વસ્તુઓ આપીને બહુમાન કરવું. પોતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તેમણે પુણિયા શ્રાવકની જેમ ભક્તિ કરવી તેથી પણ સંઘપૂજાનું ફળ મળે છે.
૨. સાધર્મિભક્તિ ઃ- પોતાના સાધર્મી ભાઈ-બહેનોને હાર્દિક નિમંત્રણ આપી ઘરે તેડવાં, તેમનો પ્રેમથી સત્કા૨ ક૨વો, ભાવથી જમાડવા અને જે સાધર્મી ભાઈ કે બહેન દુ:ખી હોય, દરિદ્રી હોય તેની તો વધુ ભક્તિ કરવી. એવા સીદાતા સાધર્મી ભાઈ કે બહેન માટે તન, મન અને ધન ત્રણેયનો સદુપયોગ કરવો. કહ્યું છે કે :
न कयं दीणुद्धरणं, न कयं साहम्मिआण वच्छलं । हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ॥
“જેમણે ગરીબોનો ઉદ્ધાર કર્યો નથી, સાધર્મીનું વાત્સલ્ય કર્યું નથી અને હૃદયમાં શ્રી વીતરાગપ્રભુને ધારણ કર્યા નથી તે પોતાનો જન્મ હારી ગયો છે તેમ સમજવું.”
મહામોંઘો અમૂલ્ય માનવભવ મળ્યો છે. ત્યારે આ ભવમાં ગરીબોની ગરીબાઈ દૂર કરી સીદાતા સાધર્મી ભાઈ-બહેનોને શક્ય તમામ રીતે ઉપયોગી થઈને તેમજ વીતરાગ ધર્મનું પાલન કરીને તેને-માનવભવને સફળ કરવો જોઈએ.
સાધર્મી ભક્તિમાં શ્રાવકના જેટલી જ શ્રાવિકાની ભક્તિ કરવી જોઈએ. શ્રાવિકા જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યવાળી હોય તો તે પછી ભલે સધવા હોય કે વિધવા તે સાધર્મી જ છે. આ અંગે શિષ્ય શંકા કરે છે કે ‘ગુરુદેવ ! લૌકિકમાં ને લોકોત્તરમાં સ્ત્રીઓને દોષવાળી કહી છે. “સ્ત્રીઓમાં જુઠાણું, સાહસ, કપટ, મૂર્ખતા, અતિલોભ, અપવિત્રતા અને નિર્દયતાના દોષ સામાન્ય હોય છે.” કપિલા, અભયા, નુપૂરપંડિતા, નાગશ્રી, સુકુમાળિકા અને સુરિકાંતા વગેરેના દૃષ્ટાંતો ઘણાં જાણીતા છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે -
अनंता पावरासीउ,
जया उदयमागया । तया इत्थित्तणं पत्तं, सम्मं जाणाहि गोयमा ॥
“હે ગૌતમ ! અનંતા પાપની રાશિઓ ઉદયમાં આવે છે, ત્યારે સ્ત્રીઓનો જન્મ મળે છે.