________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩
“તપસ્યાનું ઉજમણું કરવું તે જિનમંદિર ઉપર કળશ ચડાવવા જેવું, અક્ષયપાત્ર ઉપર ફળ આરોપવા જેવું અને ભોજન કરાવીને પાન (તાંબૂલ) આપવા જેવું સ્તુત્ય કાર્ય છે.”
શુક્લ પંચમી વગેરે વિવિધ તપના ઉજમણામાં ઉપવાસની સંખ્યાના પ્રમાણમાં નાણાંવાટિકા, નાળિયેર અને મોદક વગેરે વસ્તુઓ મૂકીને શાસ્ત્રોક્ત રીતે ઉદ્યાપન કરવું.
૧૦. તીર્થપ્રભાવના:- તીર્થની પ્રભાવના નિમિત્તે શ્રી ગુરુમહારાજનો પ્રવેશોત્સવ તથા પ્રભાવના વરસમાં ઓછામાં ઓછા એકવાર કરાવવાં. તેમાં શ્રી ગુરુના પ્રવેશોત્સવમાં મોટા આડંબર સાથે શ્રી ચતુર્વિધ સંઘે ગુરુને સામે તેડવા માટે જવું. અને ગુરુનો તથા સંઘનો યથાશક્તિ સત્કાર કરવો.
( શ્રી વિરપ્રભુને વાંદવા જતાં રાજા કોણિકે જેવો મહોત્સવ કર્યો હતો તેમજ પરદેશી રાજા, ઉદાયી રાજા અને દશાર્ણભદ્ર રાજાની જેમ આ મહોત્સવ કરવો. પેથડ શ્રાવકે શ્રી ધર્મઘોષસૂરિના પ્રવેશોત્સવ પ્રસંગે સત્તાવીશ હજાર ટંક દ્રવ્યનો ખર્ચ કર્યો હતો.
સંવેગી સાધુનો પ્રવેશોત્સવ ઉજવવો તે અનુચિત છે એમ ન કહેવું. કારણ કે વ્યવહાર ભાષ્યમાં સાધુને પ્રતિમા વહનના અધિકારમાં કહ્યું છે કે “સાધુ સંપૂર્ણ પડિમા વહી રહ્યા પછી એકાએક નગરમાં પ્રવેશ ન કરે પણ નજદીકમાં આવીને કોઈ સાધુ કે શ્રાવકને પોતાના દર્શન આપે અથવા સંદેશો પહોંચાડે જેથી નગરનો રાજા, મંત્રી કે પ્રામાધિકારી મહોત્સવપૂર્વક પ્રવેશ કરાવે. આવા અધિકારીઓ ન હોય ત્યાં શ્રાવક સંઘ પ્રવેશોત્સવ ઉજવે.” આમ શાસનની પ્રભાવના કરવાથી તીર્થંકરપણાનું ફળ પ્રાપ્ત થાય છે.
૧૧. આલોયણા-પ્રાયશ્ચિત્ત - ગુરુનો યોગ હોય તો ઓછામાં ઓછી વરસમાં એક વાર આલોયણા લેવી જોઈએ. કહ્યું છે કે “જબૂદ્વીપમાં જેટલા વેલુઓના રજકણ છે તે બધાં જ રત્નો થઈ જાય અને તે રત્નોનો કોઈ જીવ સાત ક્ષેત્રમાં ઉપયોગ કરે તો પણ આલોયણા કર્યા વિના એક દિવસના પાપથી પણ છુટાતું નથી.”
પાપથી છુટવા માટે ગુરુ પાસે જઈને થઈ ગયેલા પાપની કબૂલાત કરી તે પાપોનું પ્રાયશ્ચિત્ત માંગવું જોઈએ. તેમ કરવામાં આવે તો જ તે આત્માની શુદ્ધિ થાય છે. પાપની આલોયણા કરવાથી દઢપ્રહારીની જેમ તે જ ભવે સિદ્ધિગતિએ જવાનું પણ સંભવિત બને છે.
આમ વિવેકી શ્રાવકોએ દર વરસે આ અગિયાર ધર્મકૃત્યો થઈ શકે તો ઉત્કૃષ્ટથી નહિ તો જઘન્યથી તો જરૂર કરવાં જોઈએ.
O