________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
શ્રાદ્ધપ્રતિક્રમણની ચૂર્ણિમાં પણ આ પ્રમાણે કહ્યું છે. પણ આ સામાયિક અને પૌષધની એકતાની અપેક્ષાએ છે. કારણ કે મુહર્ત માત્રના સામાયિકમાં તો અશન કરવું સર્વથા નિષિદ્ધ છે. પૌષધને આશ્રીને શ્રી નિશીથભાષ્યમાં એમ પણ કહેવું છે કે “વિદડું તો મુંને” તેને ઉદ્દેશીને કર્યું હોય તો પણ પૌષધવાળો શ્રાવક ખાય. નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે કે – “જેને ઉદ્દેશીને કરેલું હોય તે સામાયિક કર્યું હોય છતાં પણ ખાય.” નિર્વિવાદ વૃત્તિએ તો સર્વ આહાર વગેરેનો ત્યાગ કરવો એ જ સર્વોત્તમ પૌષધ છે. શંખ નામના શ્રાવકે આવો સર્વોત્તમ પૌષધ કર્યો હતો.
શંખ શ્રાવકની કથા શ્રાવસ્તી નગરી. તેમાં શંખ અને પુખલિ નામના બે શ્રાવકો રહેતા હતાં. એક દિવસ તેઓ બંને શ્રી વીર ભગવંતને વંદના કરી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતાં ત્યારે શંખે પુખલિને કહ્યું “તમે સારું ભોજન તૈયાર કરાવો. જમ્યા બાદ આપણે પાક્ષિક પૌષધ લઈશું.”
શંખ ઘરે આવ્યો. પુખલિને તેણે ભોજન કરવા માટે કહ્યું તો ખરું પણ ઘેર પહોંચતા તેને બીજો શુભ વિચાર આવ્યો. જમ્યા બાદ પૌષધ શા માટે લેવો. ભોજન વિના જ પૌષધ કરવો ઉત્તમ છે. કારણ એવા પૌષધનું ફળ મોટું બતાવાયું છે.”
અને શંખે પોતાની પત્નીને પોતે ભોજન નહિ લે તેમ જણાવી દીધું. પછી તે પૌષધશાળામાં ગયો. શરીર ઉપરના આભૂષણો ઉતારી નાખ્યાં. શરીરસત્કારનો ત્યાગ કર્યો અને પૌષધ લઈ દર્ભના સંથારા ઉપર શુભધ્યાન ધરવા લાગ્યો.
આ બાજુ પુખલિએ ભોજન તૈયાર કરાવ્યું. ભોજન તૈયાર થઈ ગયા બાદ તે શંખને જમવા તેડવા તેના ઘરે આવ્યો. પુખલિને આવતો જોઈ શંખની પત્ની ઉત્પલા તેનું સ્વાગત કરવા ઉભી થઈ અને સત્કારથી તેને ઘરમાં લઈ આવી. શંખ પૌષધશાળામાં છે એમ જાણી પુખલિ ત્યાં ગયો અને ઈર્યાપથિકી પડિક્કમીને ભોજન માટે પધારવા નિમંત્રણ આપ્યું.
શંખે કહ્યું – “મારે એ ભોજનમાંથી કંઈ પણ કલ્પ નહિ. તમારી ઈચ્છાથી તમને ઠીક લાગે તેમ તમે કરો. મારી સૂચનાથી તમારે કંઈ પણ વાનગી બનાવવાની નથી.”
શંખનો જવાબ સાંભળી પુખલિ પોતાના ઘરે પાછો ફરી ગયો. શંખે ધ્યાન ધરતાં વિચાર્યું કે - “સવારમાં શ્રી પ્રભુને વંદના કરીને હું પૌષધ પારીશ.” સવાર પડતાં શંખ શ્રી વિરપ્રભુ પાસે ગયો. પુખલિ પણ તે સમયે આવી પહોંચ્યો હતો. શંખને જોઈ તેણે ઠપકો આપ્યો કે - “ગઈકાલે તમે જે કર્યું તે ઠીક નથી કર્યું.”
ભગવાને એ સાંભળી કહ્યું - “પુખલિ!તમે શંખની નિંદા ન કરો. ગઈકાલે રાતે તે સુદક્ષ જાગરિકાથી જાગેલો છે.”
ત્યાં શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો - “ભગવંત! જાગરિકા કેટલા પ્રકારની છે?”