________________
૫૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ ધૂળના તોફાનથી તારું નગર ઉજડી જવાનું છે. આથી હું ત્યાં આવીશ નહિ. માટે તું વૃથા શોક ન કરીશ.”
દેવવાણી સાંભળી ઉદાયને પોતાની સેના અને બંદીવાન ચંડપ્રદ્યોત સાથે પોતાના નગરે પહોંચવા પ્રયાણ આરંભ્ય. રસ્તામાં જ ચાતુર્માસનો પ્રારંભ થયો. આથી નિયમધારી ઉદાયને ત્યાં રસ્તામાં જ પડાવ નાંખ્યો. ત્યાં દશ રાજાઓના એકી સાથે પડાવ નંખાતા તે સ્થાન દશપુર નામે ઓળખાયું.
ચાતુર્માસનો સમય વીતતાં પર્યુષણ પર્વ આવ્યાં. રાજા ઉદાયને પ્રથમ દિવસે પોષહ લીધો હતો. આથી રસોયાએ બંદીવાન ચંડપ્રદ્યોતને પૂછ્યું – “આપ આજે શું જમશો?”
રસોયાના આ પ્રશ્નથી ચંડપ્રદ્યોત ઘડીક ક્ષોભ પામ્યો. તેને પ્રશ્ન થયો કે રસોયો આજે જ કેમ આવો પ્રશ્ન પૂછે છે? જરૂર તેની પાછળ કોઈ હેતુ હોવો જોઈએ. એટલે તેણે રસોયાને પૂછ્યું -“ભાઈ ! તું આજે મને રસોઈ માટે શું કરવા પૂછે છે?”
રસોયાએ જવાબમાં કહ્યું - “રાજન ! આજે પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ છે. મારા સ્વામી ઉદાયન રાજાએ આજે ઉપવાસ કર્યો છે અને પોષહ લીધો છે. આથી રસોઈ આજે મારે માત્ર તમારા માટે જ બનાવવાની છે. માટે તમને પૂછું છું કે તમારા માટે શું રસોઈ બનાવું?”
પાચક! તેં આજે ઉત્તમ કાર્ય કર્યું. પર્વની તેં મને યાદ આપી મારા પર ઉપકાર કર્યો છે. આજે મારે પણ ઉપવાસ છે, માટે હવે તારે રસોઈ બનાવવાની જરૂર નથી.” '
રસોયાએ આ વાત રાજા ઉદાયનને કરી. એ જાણી તેણે વિચાર્યું કે ચંડપ્રદ્યોતે પર્યુષણ પર્વની આરાધના ઉપવાસના તપથી કરી છે, આથી એ મારો સાધર્મી ભાઈ ગણાય. આવા સાધર્મીને બંદીખાનામાં પૂરી રાખીને મારાથી પર્યુષણ પર્વની આરાધના કેવી રીતે થઈ શકે?
ઉદાયને સાચી રીતે વિચારીને રાજા ચંડપ્રદ્યોતને બંદીખાનામાંથી મુક્ત કર્યો. તેના કપાળમાં ડામ દીધેલ અક્ષરો ઢાંકવા માટે સુવર્ણરત્નમય પટ્ટ બંધાવી આપ્યા અને અવંતી દેશ પાછો આપી દીધો.
ચાતુર્માસ પૂરું થયાં બાદ ઉદાયન રાજા પોતાની નગરીમાં પાછો ફર્યો અને શ્રી વિર પરમાત્માની મૂળ પ્રતિમાની પૂજાના નિર્વાહ માટે તેણે અવંતીપતિને બાર ગામ ભેટ આપ્યાં અને પ્રભાવતી દેવીની આજ્ઞાથી નવી પ્રતિમાની ભાવથી પૂજા કરવા લાગ્યો.
એક સમયે પર્વના દિવસે ઉદાયન પોષહ લઈને ધર્મધ્યાન કરી રહ્યો હતો. મધરાતે શુભ ધ્યાન ધરતાં તેને એવો શુભભાવ થયો કે - “જે રાજાઓ અને બીજાઓએ શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા લીધી છે, તેમજ સમ્યકત્વાદિ બીજા વ્રત લીધાં છે તેમને ધન્ય છે ! તેઓ વંદનને યોગ્ય છે. જો પ્રભુ મારા નગરમાં પધારી મારી ધરાને પાવન કરે તો હું પણ તેમના પવિત્ર હસ્તે દીક્ષા લઉં અને મારું બાકીનું આયુષ્ય સફળ કરું.”