________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ બાદશાહનું તેડું આવતાં તેની ભક્તિ જોઈને અસહ્ય થાક હોવા છતાંય ઉપાધ્યાયજી મહારાજ ડોળીમાં બેસીને ગયાં. બે શિષ્યોને પોતાની ખાંધ ઉપર ડોળી ઉંચકીને ગુરુદેવને લઈને આવતાં જોઈને બાદશાહ સામે ગયો. ભાવથી વંદન કરી પગ દબાવ્યા અને ગદ્ગદ્ કંઠે કહ્યું - “મહારાજશ્રી ! મને ક્ષમા કરો. મારી વિનંતી સ્વીકારવાથી આપને આટલું બધું કષ્ટ પડ્યું. હવેથી આપ સુભટોની જેમ ઝડપથી વિહાર ન કરશો. આપ ધીમે ધીમે પાછળથી પધારજો.”
પડાવ છોડીને બાદશાહની સેના આગળ વધી અને અટક રાજાના નગરની બહાર આવી પહોંચી. સેનાએ નગરને ઘેરો ઘાલ્યો. આ ઘેરો બાર બાર વરસ સુધી ચાલ્યો. અટકના રાજાએ અકબરને જરા પણ મચક ન આપી.
મુસલમાન સુભટો, કાઝીઓ અને મુલ્લાઓએ આનો દોષ ઉપાધ્યાયજી મહારાજ પર ઢોળ્યો. અકબરને તેમણે કહ્યું - “જહાંપનાહ! આપ આ કાફરના કુસંગે ચડ્યાં છો તેથી આપની આ અવદશા છે. નહિ તો આ કિલ્લો લેતાં શું આટલાં બધાં વરસો લાગે? અમારું માનો તો આપ આ કાફર સાધુનો સંગ છોડો.”
અકબરે નિખાલસ હૈયે આ બધી વાત ઉપાધ્યાયજી મહારાજને કહી. તેમણે કહ્યું - “અકબર ! તેઓ અજ્ઞાન છે. તેઓ શું બોલે છે તેનું તેમને ભાન નથી અને આ કિલ્લો તારે જીતવો હોય ત્યારે મને કહેજે. તે દિવસે આપણે બંને જ જઈને એ જીતી લઈશું. પરંતુ આમ કરવા માટે તારે એક શરતનું પાલન કરવું પડશે.”
આપની શરત મને માન્ય છે. આપ ફરમાવો તે કરવા હું તૈયાર છું.” અકબરે વિનયથી કહ્યું.
ઉપાધ્યાયજી કહે - “બધી સેનાને તારે છાવણીમાં જ રાખવાની. તે દિવસે માત્ર આપણે બંને કિલ્લો લેવા જઈશું. એ દિવસે નગરની બહાર કે અંદર કોઈએ હિંસા કરવી નહિ.”
અકબરે શરતનો સ્વીકાર કર્યો અને અહિંસાની ઘોષણા કરાવી. બીજે દિવસે સવારે અકબર અને ઉપાધ્યાયજી મહારાજ બંને એકલા જ કિલ્લો લેવા માટે નિકળી પડ્યાં.
આ જોઈ મુસલમાનોએ કાગારોળ કરી મૂકી “આ કાફર આપણા બાદશાહને હવે શત્રુને સોંપી દેશે.” વગેરે વગેરે. પરંતુ અકબરને ઉપાધ્યાયજીમાં શ્રદ્ધા હતી. તેણે કશી જ નિંદા કે ટીકા સાંભળી નહિ.
કિલ્લા પાસે આવી પહોંચતા વાચકેન્દ્ર શ્રી શાંતિચંદ્રજી મહારાજે એક કુંક મારીને બધી જ ખાઈઓ પૂરી દીધી. બીજી ફૂંકથી શત્રુના સૈન્યને ખંભિત કરી દીધું અને ત્રીજી ફૂંક મારતાં કિલ્લાના બધા જ બારણાં ફટાફટ ઉઘડી ગયાં. ઉપાધ્યાયજીની આવી અનંત શક્તિ જોઈને અકબરના આશ્ચર્યની કોઈ પરિસીમા ન રહી. તેણે એ નગરમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી.