________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ એક દિવસે અકબરે આચાર્યશ્રીને કહ્યું – “મહારાજશ્રી ! સત્સંગ કરવાની અને જૈનધર્મનું કિંઈક જાણવાની ભાવનાથી મેં આપને અહીં તેડાવ્યાં. આપે મારી વિનંતીનો સ્વીકાર કરી મારા પર ખરેખર ઉપકાર કર્યો છે. પરંતુ આપ તો મારી પાસેથી કંઈ માંગતા જ નથી. તો આપ કંઈક માંગો અને તમારું ઋણ ચૂકવવાની તક આપો.”
આચાર્યશ્રીએ વિચાર કરીને કહ્યું – “બાદશાહ! તમારી પવિત્ર ભાવનાની હું અનુમોદના કરું છું. તમે મને કંઈક માગવા કહો છો પરંતુ અમે જૈન સાધુઓ અમારા માટે કશું માગતા નથી. અમને તો અહિંસાધર્મનો પ્રચાર કેમ વધુ થાય અને વધુ ને વધુ લોકો તેનું કેમ પાલન કરે તેમાં જ વધુ રસ હોય છે. તમે બાદશાહ છો. તમો ધારો તો આ માટે ઘણું કરી શકો તેમ છો.
જીવહિંસાથી જૈનોના હૈયા દુભાય છે. કતલ થતાં જીવોનો તડફડાટ તેમનાથી સહ્યો જતો નથી. પર્યુષણ પર્વના આઠ દિવસમાં તમારા તાબાના પ્રદેશોમાં જીવહિંસા પર પ્રતિબંધ મૂકવાનું તમે ફરમાન કરો અને કેદીઓને મુક્ત કરો.”
આચાર્યશ્રીની નિઃસ્પૃહાથી અકબરને તેમના પ્રત્યે હતું તેથી યે વધુ માન થયું.
તેણે એ વિનંતીનો ઉત્સાહપૂર્વક સ્વીકાર કરતા કહ્યું – “આપના આઠ દિવસ અને મારા ચાર દિવસ. આ બાર દિવસમાં ક્યાંય જીવહિંસા ન થાય તે માટે હું હમણા જ ફરમાન બહાર પાડું છું.”
અકબરના તાબા હેઠળ ગુજરાત, માળવા, અજમેર, દિલ્હી, ફત્તેહપુર, લાહોર અને મુલતાન એમ છ પ્રાંતો હતાં. આ છ પ્રાંતો માટે તેણે સુવર્ણ રત્નમય અને મોર છાપવાળા છે ફરમાન લખ્યાં અને છ એ છ ફરમાન આચાર્યશ્રીને અર્પણ કર્યા અને એ પ્રદેશોમાં શ્રાવણ વદ દસમથી ભાદરવા સુદ છઠ સુધી અમારિની-અહિંસાની ઘોષણા કરાવી. એ પછી આચાર્યશ્રી પાસેથી ઉઠીને અનેક ગાઉના વિસ્તારમાં પથરાયેલા ડાબર નામના સરોવર કિનારે જઈને દેશદેશાંતરના લોકોએ પોતાને ભેટ આપેલ અનેક પ્રકારના પક્ષીઓને સાધુઓ સમક્ષ છોડી મૂક્યાં. આ ઉપરાંત કારાગૃહમાંના બધા કેદીઓને પણ મુક્તિ આપી.
આ પછી અકબરની વિનંતીથી આચાર્ય શ્રી હીરસૂરિજી મહારાજે બાદશાહને ધર્મોપદેશ આપવા માટે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકા કરનારા સ્વ અને પરશાસ્ત્રના જ્ઞાતા, પશ્ચિમ દિશાના લોકપાળ વરુણનું વરદાન મેળવનાર ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રને દિલ્હીમાં રહેવાની આજ્ઞા કરી અને પોતે ત્યાંથી વિહાર કર્યો.
ઉપાધ્યાયજી સમયજ્ઞ અને મેધાવી હતાં. અકબરના અહિંસાના સંસ્કાર કેમ વધુ દઢ બને તેવો તે ઉપદેશ આપતાં. એક દિવસે તેણે કુતૂહલથી ઉપાધ્યાયજી મહારાજને યોગનો ચમત્કાર બતાવવાની વિનંતી કરી. ઉપાધ્યાયજી શાંતિચંદ્ર મહારાજે કહ્યું – “કાલે સવારે ગુલાલવાડી આવજો.”