________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૪૧
સુભિક્ષાપુરી લઈ ગયાં. આ નગરીનો રાજા બૌદ્ધધર્મી હતો. તેણે જિનપૂજા માટે ફૂલ આપવાની મનાઈ ફરમાવી. તેવામાં પર્યુષણ પર્વના મહાન દિવસો આવ્યાં. પર્વના દિવસોમાં અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતોની પુષ્પપૂજા ન થાય તે શ્રાવકોથી કેમ સહન થઈ શકે?
એક બાજુ રાજાની પુષ્પ આપવાની મનાઈ અને બીજી બાજુ પર્યુષણ પર્વના દિવસો. શ્રાવકોએ ગુરુ વજસ્વામીને પોતાના ધર્મસંકટની જાણ કરી અને કંઈક વિનમ્ર વિનંતી કરી.
શ્રાવકોની ઉમદા અને ઉત્કૃષ્ટ ભાવના જાણી વજસ્વામીએ આકાશગામિની વિદ્યાનો ઉપયોગ કર્યો. તે વિદ્યાના બળથી તે માહેશ્વરી નગર ગયાં. પોતાના સંસારી પિતાના કોઈ માળી મિત્રને પુષ્પો તૈયાર કરવા કહ્યું અને પોતે હેમવંત પર્વત ઉપર શ્રીદેવીના ભુવનમાં ગયાં.
શ્રીદેવીએ તેમને એક મહાપદ્મ આપ્યું. આ મહાપદ્મ અને હુતાશન વનમાંથી ૨૦ લાખ પુષ્પો લીધાં. ત્યાર પછી વૃંભક દેવતાએ તૈયાર કરી આપેલ વિમાનમાં એ ૨૦ લાખ પુષ્પો લઈને સુભિક્ષાપુરી પાછા ફર્યાં.
શ્રાવકોએ એ પુષ્પોથી જિનપૂજા કરી અને પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી અને આરાધના કરી. બૌદ્ધધર્મી રાજા તો આ જોઈ આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયો. તે વજસ્વામીને મળ્યો અને તેમની પાસે તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
અઠ્ઠાઈમાં અહિંસાધર્મનું પાલન કરાવવું. આ દિવસોમાં પોતે તો શક્ય તમામ આરંભસમારંભથી દૂર રહીને અહિંસાની આરાધના કરવી પણ બીજાઓ પણ આ દિવસોમાં જીવહિંસા ન કરે તેવો પ્રચાર અને વ્યવસ્થા કરવી. કતલખાનાઓ બંધ રખાવવા માટે પ્રયાસ કરવાં. એમ કરીને અમારિ પ્રવર્તન કરવું. સંપ્રતિ અને કુમારપાળ રાજાએ અમારિ પ્રવર્તન કરાવ્યું હતું. મુસલમાન મશહુર અકબર બાદશાહે પણ પૂજ્ય પ્રભાવક શ્રી હીરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી પોતાના બધા પ્રદેશમાં છ માસ સુધી અમારિ પ્રવર્તાવી હતી.
હીરસૂરિજીની કથા
અકબર બાદશાહે પોતાના ખાસ માણસો મોકલીને આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજને પોતાને ત્યાં પધારવા માટે ભાવભરી વિનંતી કરી. આચાર્યશ્રીએ આ વિનંતીમાં ધર્મની પ્રભાવના જોઈ. ગંધારથી વિહાર કરી આચાર્યશ્રી પોતાના શિષ્ય પરિવાર સહિત સંવત ૧૬૩૯માં જેઠ વદ તેરસના દિવસે દિલ્હી પધાર્યા ત્યારે અકબર બાદશાહે તેઓ સૌનું ભવ્ય સ્વાગત કર્યું.
આચાર્યશ્રીએ અકબરને ધર્મલાભ આપ્યાં. આચાર્યશ્રીને રોજ દરબારમાં આવી ધર્મોપદેશ આપવાની વિનંતી કરી. આચાર્યશ્રીએ પોતાની પ્રેરક વાણીથી અહિંસાનું મહત્ત્વ સમજાવ્યું. હિંસાનું રૌદ્ર સ્વરૂપ અને તેના ફળ સ્વરૂપે જીવની થતી બેહાલી વગેરેનો રોમાંચ ખડા કરે તેવો ઉપદેશ સાંભળી મુસલમાન બાદશાહ અકબરના હૈયે દયાના અંકુર ફુટ્યાં.