________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૩૯ તપથી દશ હજાર કરોડ વરસનું પાપ નાશ થાય છે, છઠ્ઠ તપથી એક લાખ કોટીનું અને અટ્ટમ તપ કરવાથી દસ લાખ કોટી વરસના પાપનો નાશ થાય છે. આમાં આગળ એક એક ઉપવાસનો વધારો કરી અનુક્રમે તેમાં ફળનો દશ ગણો વધારો સમજવો. અઠ્ઠમ તપ કરવાથી નાગકેતુ તે જ ભવમાં પ્રત્યક્ષ ફળ પામ્યો હતો. બધું જ તપ શલ્યરહિત કરવું. દંભ રાખીને કરેલું તપ ગમે તેવું ઉગ્ર અને ઘોર હોય તો તે વૃથા જ સમજવું. આ અંગે એક કથા છે તે આ પ્રમાણે :
સાધ્વી લક્ષ્મણાની કથા આજથી એસીમી ચોવીશીના સમયની વાત છે. એક રાજાને પુત્રો ઘણા હતાં, પરંતુ પુત્રી એક પણ ન હતી. પુત્રી માટે તેણે પથ્થર એટલા દેવ કર્યા. અનેક માનતાઓ અને બાધાઓ રાખી. આ બધું તેને ફળ્યું. લક્ષ્મણા નામે પુત્રી તેના મહેલના સોનાના ઘોડિયે હીંચવા લાગી.
- રાજાની અત્યંત માનીતી લક્ષ્મણા યુવાન થઈ. રાજાએ તેના માટે ઘણો ઠાઠમાઠથી સ્વયંવર યોજ્યો. સ્વયંવરમાં લક્ષ્મણા વરમાળ લઈને ફરતી ગઈ. ઈચ્છિત વરને વરમાળા પહેરાવી. લગ્નનો વિધિ શરૂ થયો. વર-કન્યા ચોરીમાં મંગળફેરા ફરી રહ્યાં હતા ત્યાં જ વરનું અચાનક મૃત્યુ થયું.
આ ઘટનાથી લક્ષ્મણાને ખૂબ જ આઘાત લાગ્યો. સંસાર પરથી તેનું મન ઉઠી ગયું. દઢ શ્રદ્ધાથી તે શ્રાવક ધર્મનું પાલન કરવા લાગી અને છેવટે તેણે તે ચોવીશીના છેલ્લા તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી.
સાધ્વી લક્ષ્મણાએ એક દિવસ કોઈ એક સ્થળે ચકલા-ચકલીને રતિક્રીડા કરતા જોયાં. એ દશ્યથી સાધ્વી લક્ષ્મણાનું યૌવન ખળભળી ઉઠ્યું. વાસનાની વૃત્તિઓ સળવળી ઉઠી. અત્યંત કામાતુર વિચારમાં તેમણે વિચાર્યું.
અરિહંત પ્રભુએ શું જોઈને આ ક્રીડા નહિ કરવાનું સાધુ-સાધ્વીને ફરમાન કર્યું હશે? પણ તેમાં તેમનો શો દોષ? ભગવાન તો અવેદી છે. આથી વેદીજનની વૃત્તિઓની તેમને શું ખબર પડે ?”
પરંતુ આ પ્રશ્ન આંખના પલકારાની જેમ જ ઉદ્ભવ્યો. તુરત બીજી જ ક્ષણે પોતે પોતાની કુવિચારધારાથી ચમકી ઉઠ્યાં. એ પ્રશ્નથી તેમનું હૈયું ચમકી ઉઠ્યું. પસ્તાવો કરવા લાગ્યાં. અરેરે ! મેં ખૂબ જ ખોટો પ્રશ્ન કર્યો. ન વિચારવાનું મેં વિચાર્યું. મારાથી આ એક મહાપાપ થઈ ગયું. હવે હું તેની આલોયણા કેવી રીતે લઉં? મને આવો પાપી કામી વિચાર આવ્યો હતો તે તો હું કહી શકું તેમ નથી અને ન કહું તો શલ્ય રહી જાય છે. એ શલ્ય રહી જશે તો હું શુદ્ધ તો થઈશ નહિ.”
છતાંય ગુરુ પાસે તે આલોયણા લેવા ગયાં. ચાલતા પગમાં કાંટો વાગ્યો. એ અપશુકનથી સાચી વાત ગુરુને કહી દેવા તૈયાર થયેલું મન પાછું પડ્યું. છેવટે તેમણે બીજાનું નામ દઈને પૂછ્યું - “ગુરુદેવ ! જે આવું દુર્થાન ધરે તેને શું પ્રાયશ્ચિત્ત આવે ?”