________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ સાધર્મીવાત્સલ્યનો કેટલો મહિમા છે તે અંગે કહેવામાં આવ્યું છે કે :
एगत्थ सव्वधम्मा, साहम्मिअवच्छलं तु एगत्थ ।
बुद्धितुलाए तुलिया, दोवीअ तुल्लाइं भणियाई ॥ એક બાજુ સર્વ ધર્મોને મૂકવામાં આવે અને બીજી બાજુ સાધર્મિવાત્સલ્યને મૂકવામાં આવે તો બુદ્ધિના ત્રાજવે તેનો તોલ કરતાં બંનેનો સમાન તોલ ઉતરે છે.” સાધર્મીવાત્સલ્યસાધર્મીભક્તિ અંગે ભરતચક્રવર્તી, કુમારપાળ, દંડવીર્ય વગેરે રાજાઓના જીવનમાંથી ઘણી પ્રેરણા મળી રહે છે.
એક-બીજાને પરસ્પર ખમાવીને અઠ્ઠાઈની-પર્યુષણપર્વની આરાધના કરવી જોઈએ. આ ક્ષમાપના અંગે ઐતિહાસિક કથા છે.
સાધ્વી ચંદનબાળા અને મૃગાવતીની કથા સાધ્વી ચંદનબાળા અને સાધ્વી મૃગાવતી ભગવાન મહાવીરને વંદન કરવા ગયાં. આ સમયે સૂર્ય અને ચંદ્ર પણ ભગવાનને વંદન કરવા પોતાના મૂળ વિમાનને લઈને આવ્યા હતાં. સૂર્ય પોતે ધરતી ઉપર હોવાથી સંધ્યાનો સમય થયો હોવા છતાંય સમવસરણમાં દિવસ જ વર્તાતો હતો.
પરંતુ સાધ્વી ચંદનબાળા દક્ષ હતાં. તેમણે સૂર્યાસ્તનો સમય જાણી લીધો. આથી તે તુરત જ ઉપાશ્રયે પાછા ફર્યા અને ઈર્યાપથિકી પડિક્કમીને સૂઈ ગયાં.
આ બાજુ સૂર્ય, ચંદ્ર સ્વસ્થાનકે ગયાં. આથી એકદમ અંધારું થઈ ગયું. અંધારું જોઈને સાધ્વી મૃગાવતીના પેટમાં ફાળ પડી. નિયમ ભંગ થયો તેનું પારાવાર દુઃખ થયું. તે તુરત જ ઉપાશ્રયે આવ્યાં અને ઈરિયાવહી પડિકમી સાધ્વી ચંદનબાળાને કહ્યું – “ગુણીજી ! મારાથી અપરાધ થઈ ગયો છે. સમયનો ખ્યાલ હું ચૂકી ગઈ છું. ભૂલથી મારાથી રાતે બહાર રહી જવાયું છે. મારાથી આ અપરાધ થઈ ગયો છે તો આપ મને ક્ષમા કરો.”
“હે મૃગાવતી ! તને આમ કહેવું ઘટતું નથી. તું કુલિન છે. તારે આમ ક્ષમા માગવાની ના હોય અને તે કોઈ જાણી-જોઈને ઈરાદાથી અપરાધ નથી કર્યો. માટે તારે ક્ષમા માંગવાની જરૂર નથી.” ચંદનબાળા સાધ્વીએ મૃગાવતી સાધ્વીને આશ્વાસન આપ્યું.
તો ય સાધ્વી મૃગાવતીએ વિશુદ્ધભાવે ખરા અંતઃકરણપૂર્વક પોતાના ગુરુણીને વારંવાર ખમાવ્યાં. આ ઉત્કટ ક્ષમાપનાથી તેમને કેવળજ્ઞાન થયું.
એ જ સમયે તેમણે એક સર્પને સાધ્વી ચંદનબાળા પાસે આવતો જોયો. આથી તેમણે ચંદનબાળાનો હાથ ઉંચો કર્યો. એથી તે જાગી ગયાં અને જગાડવાનું કારણ પૂછયું. સાધ્વી મૃગાવતીએ કહ્યું કે – મેં તમારા તરફ એક સર્પને આવતો જોયો એથી આપને મેં જગાડ્યાં હતાં.”
ઉ.ભા.૩-૪