________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ માસમાં, પાંચમી કારતક માસમાં અને છઠ્ઠી ફાગણ માસમાં અઠ્ઠાઈ આવે છે. આમાં ચૈત્ર અને આસો માસની અઢાઈ ઓળીના નામે ઓળખાય છે. આ છમાં બે અઠ્ઠાઈ શાશ્વતી છે. શ્રી ઉત્તરાધ્યયનની બૃહદ્રવૃત્તિમાં આ અંગે કહ્યું છે કે “બે અઢાઈ શાશ્વતી છે, એક ચૈત્ર માસમાં અને બીજી આસો માસમાં. આ બે - શાશ્વતી અઢાઈમાં બધા દેવતાઓ નંદીશ્વર દ્વીપની યાત્રા કરે છે અને વિદ્યાધરો તથા મનુષ્યો પોતપોતાના સ્થાને યાત્રા કરે છે. આ ઉપરાંત ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ અને એક પર્યુષણની અઢાઈ એમ ચાર અઢાઈ તથા ભગવાનના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણાદિક અશાશ્વત પર્વ છે.” દુષમકાળ અને યુગલિયાના સમયમાં પણ દેવતાઓ હંમેશા ચૈત્ર અને આસો માસની અટ્ટાઈનું આરાધન કરે છે, આથી તે શાશ્વત કહેવાય છે. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે “ત્યાં ઘણાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને કલ્પવાસી દેવતાઓ ચોમાસાની ત્રણ અઢાઈમાં અને પર્યુષણ પર્વમાં મોટો ઉત્સવ કરે છે અને અઢાઈની ઉત્કંઠતાથી આરાધના કરે છે.”
ચૈત્ર અને આસો માસની શાશ્વતી અઢાઈના સમયમાં શ્રીપાળ અને મયણાસુંદરીની જેમ શ્રી સિદ્ધચક્રનું આરાધન કરવું. અરિહંત, સિદ્ધ આદિ પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરવું. બાહ્યથી મંત્રનું સ્વરૂપ ધારીને અંતરમાં લલાટ વગેરે દશ સ્થાને યંત્રની આકૃતિ સ્થાપીને ભાવથી તેનું મનનચિંતન અને નિદિધ્યાસન કરવું.
છએ છ અઠ્ઠાઈ દરમિયાન વ્યાપકપણે અહિંસાની-અમારિ ઘોષણા કરાવવી. જિનમંદિરોમાં ધામધૂમથી ભાવપૂર્વક અઢાઈ મહોત્સવ યોજવા. અઢાઈના આઠ દિવસોમાં પાપની પ્રવૃત્તિનો ત્યાગ કરવો, ખાંડવું, દળવું, પીસવું, ખોદવું, કપડાં ધોવા વગેરે કામો આ દિવસોમાં ન કરવાં. સ્ત્રી અને પુરુષ બંનેએ બ્રહ્મચર્યનું પાલન કરવું, તપ કરવો, બની શકે તેટલો ત્યાગ કરવો. જે પ્રવૃત્તિ કરવાથી પાપકર્મ થાય તેવી પ્રવૃત્તિથી વિરમવું. આરંભ-સમારંભ ન કરવાં. અને બને તેટલો સમય ધર્મારાધનમાં જ પસાર કરવો.
છ અઠ્ઠાઈઓમાં પર્યુષણ પર્વની અાઈનું આરાધન ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ રીતે કરવું. આ પર્વની આરાધના પાંચ સાધનોથી કરવી. ૧. અમારિની ઘોષણા કરાવવી (કોઈપણ સ્થળે જીવહત્યા ન થાય તેવો પ્રબંધ કરાવવો, કતલખાના બંધ રખાવવા વગેરે.) ૨. સાધર્મીવાત્સલ્ય કરવું. ૩ અઠ્ઠમ તપ કરવો. ૪. ચૈત્ય પરિપાટી કરવી. (સ્થાનિક સર્વ જિનાલયોમાં સમૂહમાં જવું, ભાવપૂર્વક ચૈત્યવંદન વગેરે કરવાં.) ૫. પરસ્પર એકબીજાને ક્ષમા આપવી, ક્ષમા માંગવી.
- સાધર્મીવાત્સલ્ય એટલે સમાનધર્મી ભાઈબહેનોની ભક્તિ કરવી. તેમનું ઉચિત સન્માન કરવું. સાધર્મી ભાઈબહેનોના દુઃખોમાં સમભાગી બનવું. તેમાં સમ્યફ કાર્યોમાં ઉપયોગી બનવું. ગુપ્ત રીતે દુઃખી સાધર્મી ભાઈ-બહેનોને જરૂરી સહાય કરવી. તેમની માંદગીમાં સેવા કરવી. જરૂરી દવા વગેરેનો પ્રબંધ કરવો. ટૂંકમાં દુઃખી સાધર્મી ભાઈ-બહેનોના દુઃખોને દૂર કરવા શક્ય તમામ રીતે સહાયભૂત થવું. સાધર્મ માટે કહ્યું છે કે “સર્વ જીવો પરસ્પર પૂર્વમાં સંબંધી છે તેથી તેમનો વારંવાર યોગ થાય છે. સાધર્મીનો યોગ કોઈ એકલ-દોકલ ભવમાં જ થાય છે.”