________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૪૩ બીજે દિવસે સવારે બાદશાહ ગુલાલવાડી પહોંચી ગયો. ઉપાધ્યાયજી મહારાજે તેને ધર્મદેશના આપવા માંડી. થોડીવાર બાદ નોબતના ગડગડાટથી અકબર ચમકી ઊઠ્યો. નોબત વાગતી હતી. પણ એ વાગે જ કેવી રીતે? બાર ગાઉ સુધી પોતાના હુકમ વિના નોબત વગાડવાની મનાઈ હતી. તેણે તુરત જ પોતાના સેવકોને આ અંગે તપાસ કરવા કહ્યું.
તપાસ કરી સેવકોએ કહ્યું - “જહાંપનાહ! આ નોબત તો આપના પિતા હુમાયુ બાદશાહ તમને મળવા આવે છે તે માટે વાગી રહી છે.”
પિતાજી આવી રહ્યા છે? એ શક્ય જ નથી. એ તો જન્નતનશીન થઈ ગયા છે. ભલા, કોઈ મરેલું પાછું આવ્યું છે કે મારા પિતા પાછા આવે ? નહિ, નહિ, સેવકોની કંઈ ભૂલ થાય છે. આવા વિચારોમાં અકબર અટવાયો હતો ત્યાં જ સેના સહિત હુમાયુ આવી પહોંચ્યો અને પુત્ર અકબરને ભેટી પડ્યો અને અકબરના માણસોને મેવા-મીઠાઈથી ભરેલા રૂપાના થાળ ભેટ આપ્યાં. અકબરને પણ આશીર્વાદ સાથે અમૂલ્ય ભેટો આપી અને જેવા આવ્યા હતા તેવા જ ચાલ્યા ગયાં.
આંખના પલકારામાં જ આ બધું બની ગયું અને હુમાયુ આવ્યો અને ગયો. અકબરના આશ્ચર્યનો પાર ન રહ્યો. શું આ ઈન્દ્રજાળ હતી? સંમોહન હતું? પણ ના. પોતે પિતાને ભેટ્યો હતો. તેમના વત્સલ સ્પર્શનો અનુભવ હજી પણ તે અનુભવી શકતો હતો અને તેમણે આપેલી ભેટો તો પડેલી જ હતી.
અકબરને પછી પ્રતીતિ થઈ કે આ તો ગુરુદેવ ઉપાધ્યાયજી શ્રી શાંતિચંદ્રજી મહારાજે સર્જેલો ચમત્કાર છે.
ઉપાધ્યાયજી મહારાજની આવી યોગ અધ્યાત્મની શક્તિ જોઈને અકબરને તેમના પ્રત્યેના પ્રેમ-આદર અને ભક્તિ ખૂબ જ વધી ગયાં. પહેલાં કરતાંય વધુ સમય તેમની સાથે તે ધર્મચર્ચા કરતો. એક પણ દિવસ ઉપાધ્યાયજીને મળે નહિ, તેમની પ્રેરક વાણી સાંભળે નહિ તો અકબરને ચેન ન પડતું. આ અનુરાગ-પ્રશસ્ય રાગ એટલો બધો ગાઢ બની ગયો કે એક વખત અટક દેશના રાજાને જીતવા માટે ચડાઈનો પ્રસંગ આવ્યો તો ઉપાધ્યાયજીને પણ આ યુદ્ધ યાત્રામાં આવવા અને પોતાને વીતરાગ વાણીનું પાન કરાવવા માટે સાથે લીધાં.
સુભટોએ તો વાહન ઉપર કે ઘોડે ચઢીને એક દિવસમાં બત્રીસ કોશની મજલ કરી પરંતુ ઉપાધ્યાયજી મહારાજે તો પગે ચાલીને જ લાંબી ખેપ પૂરી કરી.
મંઝિલે પહોંચી અકબરે ઉપાધ્યાયજીની ખબર અંતર પૂછાવી તો તે જાણીને તેને દુઃખ થયું. ઉપાધ્યાયજી મહારાજના પગ સૂઝી ગયા હતાં. સમગ્ર શરીર પર લાંબી ખેપનો ભારે થાક સ્પષ્ટ વર્તાતો હતો. બે શિષ્યો તેમની ભક્તિપૂર્વક સારવાર (વૈયાવચ્ચ) કરી રહ્યા હતાં.