________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ આમ આ દષ્ટાંતથી ભવ્ય જીવોએ સાર લેવાનો છે કે શ્રાવકને સામાયિક કરતો જોઈને ચાર મુમુક્ષુ થયા અને તેમના હૈયે સામાયિકનો ભાવ જાગ્યો. છેવટે તેની આરાધના કરી તેઓ નિર્વાણને પામ્યાં. શુદ્ધ ભાવે કરેલું સામાયિક અન્ય જનોને જો મુક્તિના દ્વારે પહોંચાડી શકતું હોય તો તેના ખુદ આરાધકને તે મુક્તિએ પહોંચાડે તેમાં કોઈ જ સંશય નથી. માટે શ્રાવકે સામાયિકનું નિત્ય નિષ્ઠાપૂર્વક આરાધન કરવું જોઈએ.
૧૪૧
નવમું સામાયિક વ્રત સામાયિક સર્વ ગુણનું પાત્ર છે. આવું ઉત્તમ સામાયિક અશુભ કર્મોનો નાશ થવાથી પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે :
तदेव सर्वगुणस्थानं पदार्थानां नभ इव ।
दुष्टकर्मविघातेन सुध्यानतस्तथा भवेत् ॥ ભાવાર્થ:- સર્વ પદાર્થોનું સ્થાન જેમ આકાશ છે તેમ સર્વ ગુણોનું સ્થાન સામાયિક છે. તે દુષ્ટ કર્મના નાશથી અને શુભ ધ્યાનથી પ્રાપ્ત થાય છે.”
વિસ્તરાર્થ:- “જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ સર્વ ગુણોનું સ્થાન સામાયિક છે. ઘડો, વસ્ત્ર, લાકડું વગેરેનું આધારસ્થાન આકાશ છે, તે જ પ્રમાણે સર્વ ગુણોનું સ્થાન સામાયિક છે. સર્વ આધેય વસ્તુ આકાશના આધાર વડે સ્થિત રહે છે. આકાશ વિના આધેય વસ્તુ સ્થિર રહી શકતી નથી. તે દરેકને આકાશનો આધાર લેવો પડે છે, તેમ જ્ઞાનદર્શનાદિ ગુણો સામાયિકના આધારે રહેલા છે. સામાયિક વિના તે ગુણો રહી શકતા નથી.
શાસ્ત્રોમાં કહ્યું છે કે – સર્વ ગુણોના સ્થાન સમું આ સામાયિક અશુભ કર્મોનો નાશ થવાથી મળે છે. સામાયિકનો ઘાત કરનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મિથ્યાત્વમોહનીય કર્મના સર્વઘાતી પદ્ધક ઉઘાડા થવાથી દેશઘાતી પદ્ધકનો ઉઘાડ થાય છે. આ ઉઘાડથી અનંત ગુણની વૃદ્ધિ થતાં સમયે સમયે વિશુદ્ધ ભાવ થતા શુભ અને શુભતર પરિણામવાળો જીવ ભાવથી સામાયિક સૂત્ર કરેમિ ભંતે'નો પ્રથમાક્ષર કકાર પ્રાપ્ત કરે છે. એવી રીતે અનંતગુણની વૃદ્ધિ વડે સમયે સમયે વિશુદ્ધમાન થતાં રેકારાદિ અક્ષરોની પંક્તિને પામે છે. એવી જ રીતે ભવ્ય પ્રાણીને ભાવથી સામાયિકનો લાભ પ્રાપ્ત થાય છે. આમ કરતાં કરતાં આવો ભવ્ય જીવ કરેમિ ભંતે'ના સમસ્ત સૂત્રને પામે છે.
સામાયિક અશુભ કર્મોના નાશથી પ્રાપ્ત થાય છે. તેમ તે શુભધ્યાનથી પણ પ્રાપ્ત થાય છે.