________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ પ્રસન્નતા અને રૌદ્ર પરિણામ વગેરેથી અશુભ વિપાક જાણવો. આ પ્રમાણે દ્રવ્યાદિ સામગ્રીના યોગથી પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મ પ્રમાણે પ્રાણીઓને ફળ મળે છે. આથી જીવે સુખમાં છલકાઈ (અભિમાન) ન જવું અને દુઃખમાં રડવું નહિ. આ પ્રમાણે સર્વ કર્મની પ્રવૃત્તિઓના વિપાકનું ચિંતન કરવું તે વિપાકવિચય નામે ત્રીજું ધર્મધ્યાન છે.
હવે સંસ્થાનવિચય નામે ચોથા ધર્મધ્યાનનો વિચાર કરીએ. ચૌદ રાજલોકના સર્વે લોકસ્થાનનું ચિંતન કરવું. ચૌદ રાજલોકમાં ઉર્ધ્વ, અધો અને તિછલોક સહિત અનેકવિધ લોકસ્થાન છે. તેમાં એક પણ સ્થાન એવું નથી જ્યાંનો આ જીવે સ્પર્શ ન કર્યો હોય. આવી વિચારણા કરવી તે સંસ્થાનવિચય નામે ચોથું ધર્મધ્યાન છે.
આ ધર્મધ્યાન ચોથા ગુણસ્થાનથી માંડીને સાતમા ગુણસ્થાન સુધી જાણવું. અનેક દુઃખકષ્ટ પ્રાપ્ત થયા છતાં ચંદ્રાવતંસ રાજાએ ધર્મધ્યાન મૂક્યું ન હતું. આ રાજાની જેમ જેને ધર્મધ્યાન ભંગ થતો નથી તેને જ સામાયિક પ્રાપ્ત થાય છે. ધર્મધ્યાન ધ્યાતા ચંદ્રાવતંસ રાજાની કથા આ પ્રમાણે છે.
ચંદ્રાવતંસ રાજાની કથા વિશાલાપુરી નગરીનો રાજા ચંદ્રાવતંસ ખૂબ જ ધર્મિષ્ઠ હતો. શ્રી વીતરાગ પ્રભુના ધર્મમાં તેને દઢ શ્રદ્ધા હતી. તિથિ અને પર્વના દિવસે તે વિશેષ પ્રકારે ધર્મનું આરાધન કરતો હતો.
એ દિવસે ચતુર્દશી હતી. આ તિથિની આરાધના તેણે ઉપવાસથી કરી. રાત પડી પ્રતિક્રમણ કરી તેણે કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગ કરતાં તેની નજર તેના મહેલના ખંડની બહાર સળગતા દીવા પર પડી. તેણે મનમાં અભિગ્રહ ધાર્યો: “આ દીવો નહિ બુઝાય ત્યાં સુધી હું કાયોત્સર્ગમાં સ્થિર રહીશ.”
આ બાજુ રાજા ધ્યાનમાં સ્થિર થઈને પોતાના આત્માને અજવાળી રહ્યો હતો. બીજી બાજુ દિવાની જયોત સ્થિરપણે મહેલને અજવાળી રહી હતી.
' પણ દીવો એટલે દીવો. કોડિયાનું તેલ ખૂટતું ગયું, વાટ બળતી બળતી નાની થતી ગઈ. પ્રકાશ ઝાંખો થતો ગયો.
રાજાની દાસીએ જોયું. દીવો તેની તાકાત ખોઈ રહ્યો છે અને રાજા ધ્યાન ધરી રહ્યા છે. તેણે તરત જ દીવામાં તેલ પૂર્યું. વાટને સંકોરી અને દીવો ફરી ઝગમગી ઉઠ્યો.
સમયની રેત સરતી ગઈ. રાતનો અંધકાર વધુ ઘેરો બનતો ગયો. દાસીએ આખી રાત જાગીને દીવામાં તેલ પૂરે રાખ્યું. દીવો અખંડ રાત ઝળહળતો રહ્યો.
રાજા ચંદ્રાવતેસ પણ સ્થિરપણે કાયોત્સર્ગમાં લીન આખી રાત ઉભો રહ્યો. આ રાજાએ શરીરના એક પણ અંગને હલાવ્યા વિના મનને બીજા કોઈપણ વિચારમાં રોક્યા વિના આત્માનું વિશુદ્ધ ચિંતન કર્યું.