________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ રાજા - “મંત્રી! તમારી આ વાત સાચી હોય તો પણ મને તે ઉપર વિશ્વાસ નથી બેસતો. હું તો પ્રત્યક્ષ ફળ જોઉં તો મને તમારા આ પુણ્યના પ્રભાવ પર શ્રદ્ધા થાય.”
આ ચર્ચા બાદ થોડા દિવસ બાદ રાજાને પુણ્યના પ્રભાવ પર શ્રદ્ધા થાય તેવો પ્રસંગ બન્યો.
તે દિવસ પાખીનો હતો. જૈન મંત્રીએ તે રાતે ઘરમાંથી બહાર નહિ જવાના પચ્ચક્ખાણ કર્યા. એ જ રાતે રાજાને અચાનક મંત્રીનું જરૂરી કામ પડ્યું. રાજાએ મંત્રીને બોલાવવા માટે પ્રતિહારીને મોકલ્યો. જૈનમંત્રીએ પ્રતિહારી સાથે રાજાને કહેવડાવ્યું કે આજે ઘરની બહાર નહિ નીકળવાનો મેં નિયમ લીધો છે તેથી તમારી આજ્ઞાનું પાલન કરી શકતો નથી તો મને આ માટે ક્ષમા કરશો.
જૈન મંત્રીનો આ જવાબ સાંભળી રાજાનું અભિમાન ધુંધવાઈ ઉડ્યું. પ્રતિહારીને પાછો મોકલી મંત્રીની મુદ્રા ને મહોર પાછા આપવા જણાવ્યું. મંત્રીએ પ્રતિહારીને તુરત જ પોતાની મુદ્રા અને મહોર પાછા આપી દીધાં. પ્રતિહારીને મંત્રીની મુદ્રા જોઈ કુતૂહલ થયું. તેણે એ મુદ્રા પહેરી લીધી અને બીજાઓને કહેવા લાગ્યો કે “અરે સેવકો! જુઓ. રાજાએ મને મંત્રીપદ આપ્યું.” પ્રતિહારીની આંગળીએ મંત્રીની મુદ્રા જોઈ સેવકોએ પ્રતિહારી મંત્રીનું “ઘણી ખમ્મા, મંત્રીરાજ! ઘણી ખમ્મા !” કહીને સ્વાગત કર્યું.
આ જ સમયે પ્રતિહારીના દુર્ભાગ્યની રેખાઓ ચૂંટાઈ રહી હતી. પ્રતિહારી થોડુંક આગળ ગયો હશે ત્યાં કેટલાક સુભટોએ તેને ઘેરી લઈ તેની હત્યા કરી નાંખી.
રાજાને આ સમાચાર મળ્યા તો તેને પ્રથમ એ જ વિચાર આવ્યો કે જરૂર આ જૈન મંત્રીના જ કામ લાગે છે. હવે તો મારે જ ખૂદ જઈને તેનો હિસાબ પતાવવો પડશે ! અને રાજા મંત્રીના ઘર તરફ આવવા નીકળ્યો.
આ દરમિયાન વફાદાર સુભટોએ પ્રતિહારીના હત્યારાઓને પકડીને બાંધી દીધા હતાં. આ બાંધેલા સુભટોને જોઈ રાજાએ પૂછ્યું-“તમે કોણ છો અને તમને કેમ બાંધવામાં આવ્યાં છે?”
દુષ્ટ સુભટોએ એકી સાથે કહ્યું - “મહારાજ! અમને પેટભરાઓને શું પૂછો છો? તમારા દુશ્મન રાજા સૂરે મંત્રીની હત્યા કરવા અમને રોક્યા હતાં. આ પ્રતિહારીએ મંત્રીની મુદ્રા પહેરી હતી તે જોઈ અમે તેને મંત્રી માનીને તેની હત્યા કરી નાખી છે.”
રાજાની શંકાનું આથી નિવારણ થઈ ગયું. મંત્રીને ઘરે પહોંચીને તેણે ભળતી જ વાત કરી. પ્રતિહારીની ઘટના પણ કહી. મંત્રીએ તો સુભટોને મુક્તી આપી.
રાજાએ કહ્યું - “મંત્રીરાજ ! આજે મેં પુણ્યનું પ્રત્યક્ષ ફળ જોયું. તમારું પુણ્ય તપતું હશે તેથી તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ ઘરની બહાર ન નીકળ્યા અને આ પ્રતિહારીના પાપોદયે તેનો અણધાર્યો વધ થઈ ગયો.”