________________
૩૨ ,
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ કરાય છે. તે જીવવધ પોતે કર્યો કે બીજા પાસે કરાવ્યો તેનું કાંઈ વિશેષ મહત્ત્વ નથી. ઉલ્ટે પોતે નિયત ક્ષેત્રની બહાર જાય તો તેમાં ઈર્યાપથિકીની શુદ્ધિ વગેરે ગુણ હોય અને નોકરોને મોકલવાથી તેમનામાં નિપૂણપણું ન હોવાથી, નિશુકપણું હોવાથી તેમજ ઈર્યાસમિતિનો અભાવ હોવાથી વિશેષ દોષ રહેલા છે. માટે આનયનપ્રયોગ વગેરે અતિચાર લગાડવા ઈચ્છનીય નથી. અહીં પહેલા બે અતિચાર “મારા વ્રતનો ભંગ ન થાઓ” એમ વ્રતને જાળવવાની સાપેક્ષવૃત્તિએ અનાભોગ વગેરેથી પ્રવર્તેલા છે અને છેલ્લા ત્રણ અતિચાર માયાવીપણાથી અતિચારપણાને પામે છે. આ દશમું વ્રત નિરતિચારપણે પાળવા અંગે રાજાના ભંડારી ધનદની કથા છે. તે શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા નામની વૃત્તિમાં આપેલી છે તેમાંથી તે જાણી લેવી. બીજી પવનંજયની કથા છે તે દિનકૃત્યવૃત્તિમાંથી જાણી લેવી.
જે જીવો આ વ્રત ગ્રહણ કરતા નથી અને દરેક સ્થળે જવાનું બમર્યાદ રાખે છે તે અનેક દુઃખોને પામે છે. ગુરુના વચનથી દેશાવકાશિક વ્રતને જાણે છે, તે પુણ્યને પામીને લોહજંઘની જેમ આફતમાંથી ઉગરી જાય છે. અને જેઓ ઘોડા, બળદ, ઊંટ, મોટર, વાહન વગેરેના માલિકો તેને હંમેશ બેમર્યાદ ગતિથી ચલાવે છે તેઓ પોતાનું અહિત કરે છે.
લોહજંઘની કથા રાજા ચંડપ્રદ્યોતે ઉજ્જયિનીમાં ઢંઢેરો પીટાવ્યો - “અભયકુમાર મંત્રીને બાંધીને મારી સમક્ષ હાજર કરશે તેને મોં માંગ્યું ઈનામ આપીશ.”
અભયકુમાર મંત્રીને બાંધીને કોઈ સમક્ષ હાજર કરવાનું કામ એ કંઈ બાળકનો ખેલ ન હતો. લોઢાના ચણા ચાવવા જેવું એ મુશ્કેલ કામ હતું. અભયકુમાર પ્રખર મેઘાવી અને જાગૃત કુશળ રાજનીતિજ્ઞ હતો. તેની બુદ્ધિ આગળ પ્રકાંડ પંડિતો પણ ક્યારેક વામણા લાગતાં. આવા અભયકુમારને બાંધીને રાજા ચંડપ્રદ્યોત સમક્ષ હાજર કરવાનો હતો. દિવસો સુધી કોઈએ બીડું ઝડપ્યું નહિ.
એક દિવસ એક વેશ્યાએ ચંડપ્રદ્યોત પાસે જઈ આ બીડું ઝડપવાની તૈયારી બતાવી. ચંડપ્રદ્યોતે તેને સફળતાની શુભેચ્છાઓ આપી.
ઉજ્જયિનીની આ વેશ્યા રાજગૃહીમાં આવી. પણ રાજગૃહીમાં તે વેશ્યા ન હતી. એક શ્રાવિકાના રૂપમાં તે રાજગૃહીમાં આવી. અહીં તેણે જૈનધર્મના ઓઠા હેઠળ અભયકુમાર સાથે સંબંધ વિકસાવ્યો અને એક દિવસ અભયકુમારને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્યો. ખૂબ જ કુશળતાથી વેશ્યાએ ધર્મશ્રદ્ધાળુ શ્રાવિકાનો ભાગ ભજવ્યો. અભયકુમારની ખૂબ જ આગતાસ્વાગતા કરી અને ભોજન સમયે તેણે અભયકુમારને ચંદ્રહાસ મદિરા પીવડાવી દીધી. મદિરાએ તેની અસર કરી. અભયકુમાર થોડા જ સમયમાં ભાન ખોઈ બેઠો. વેશ્યાને આ જ જોઈતું હતું. તેણે તુરત જ અભયકુમારને બાંધી લીધો અને એ જ હાલતમાં તેને ગુપ્ત રીતે ઉપાડી જઈ ચંડપ્રદ્યોત સમક્ષ હાજર થઈ.