________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩
(૨૯ તે જ પ્રમાણે મંત્રબળથી આખા શરીરમાં પ્રસરી ગયેલા વીંછીના ડંખને એક આંગળીમાં લાવીને સીમિત કરી શકાય છે. તે પ્રમાણે વિવેકી મનુષ્ય દિગ્દતમાં નક્કી કરેલ દિશાપરિમાણનો રોજ ઘટાડો કરવો. આ વ્રતથી બીજા સર્વ વ્રતોના નિયમોનો પણ પ્રતિદિન સંક્ષેપ કરાય છે. આથી જ પૂર્વે કહેલ “સચિત્તદવ્ય” એ ગાથામાં બતાવેલા ૧૪ નિયમને શ્રાવક પ્રાતઃકાળે ગ્રહણ કરે છે અને તેનું પચ્ચખાણ કરતાં “દેસાવગાસિયં પચ્ચકખામિ” એ પદથી ગુરુ સમક્ષ કબૂલ કરે છે. આ અંગે કહ્યું છે કે “દિશિ પરિમાણ વ્રતનો નિત્ય સંક્ષેપ કરવો તે દેશાવગાશિક અથવા સર્વ વ્રતનો સંક્ષેપ પ્રતિદિન જે વ્રતમાં થાય છે તે દેશાવગાશિક વ્રત જાણવું.”
પહેલા વ્રતનો સંક્ષેપ આ પ્રમાણે સમજવો. “પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા ત્રસજીવો સંબંધી જે આરંભ અને ઉપભોગ તે સર્વનો દશમા વ્રતમાં યથાશક્તિ ત્યાગ કરવો. સૂતી વખતે તો ખાસ કરીને સર્વ હિંસા તથા મૃષાવાદનો સંક્ષેપ કરવો જોઈએ. આ વ્રતનું પાલન કરવાથી સુમિત્રની જેમ ઉત્તમ સંપત્તિ પ્રાપ્ત થાય છે.
સુમિત્રની કથા ચંદ્રિકા નામની નગરી. પ્રજાપાલ નામે તેનો રાજા અને સુમિત્ર નામે તેનો મંત્રી. આ રાજા અને મંત્રી વચ્ચે લગભગ રોજ ધર્મના પ્રશ્નો અંગે ચર્ચા થતી. રાજાને ધર્મ ઉપર જરાય શ્રદ્ધા ન હતી. આથી ધર્મતત્ત્વોની તે મજાક ઉડાવતો અને મંત્રીને વિચિત્ર પ્રશ્નો પૂછી તેને મૂંઝવવાનો કે નિત્તર કરવાનો પ્રયત્ન કરતો. એક દિવસ રાજાએ મંત્રીને પૂછ્યું - “મંત્રીવર્ય ! તમે આ દેવપૂજામાં શા માટે મોહ રાખો છો ?”
મંત્રીએ સામે પ્રશ્ન કર્યો – “હે રાજનું ! પૂર્વભવમાં કશું પુણ્ય બાંધ્યા વિના તમે રાજા કેમ થયા અને અમે તમારા સેવક કેમ થયા? આપણે બધા સમાન કેમ નથી? બધા જ રાજા કેમ
નથી ?”
રાજા - “પથ્થરની એક શીલા છે. તેના બે કટકા કરવામાં આવે છે. આમાંથી એક કટકો ભગવાનની મૂર્તિ બને છે અને બીજો કટકો પગથિયું બને છે. તો આમાંથી કોણે પુણ્ય કર્યું હશે અને કોણે પાપ? મારા મતે તો માત્ર સ્થાનક ઉપરથી જ ન્યૂનતા અને વિશેષતા ગણાય છે.”
રાજાની આ દલીલનો રદિયો આપતા મંત્રીએ કહ્યું- “રાજનું! એવું નથી. તમારું આમ માનવું યોગ્ય નથી. કેમકે તેમાં ત્રસ જીવનો અભાવ હોવાથી તે યુક્તિ વગરનો છે. જો તેમાં ત્રણ જીવ હોય તો તે આત્મશક્તિથી પૂજ્ય અને અપૂજ્ય કર્મ ઉપાર્જે છે. બીજું તે પથ્થરમાં પણ એકેન્દ્રિય જીવ હોય છે. તેમાંનાં એક ખંડમાં રહેલા જીવે પૂર્વભવમાં મોટું પુણ્ય ઉપાર્જન કરેલું, તેથી તે ભગવાનની પ્રતિમા બને છે અને હજારો વરસ સુધી તાડન, ઘર્ષણ વગેરે દુઃખ કષ્ટને પામતો નથી. જ્યારે શીલાના બીજા કટકામાં રહેલા જીવે પૂર્વે પાપ કર્મ બાંધેલું હોય છે. તેથી તે પગથિયું બને છે અને તે અનેક દુઃખ-કષ્ટને પામે છે.”