________________
૨૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
કેશરીએ આ તક ઝડપી લીધી. વૃક્ષ ઉપરથી તે ઝટપટ ઉતર્યો અને દોડીને સિદ્ધપુરુષની પાદુકા પહેરી લીધી અને આકાશમાં ઉડી ગયો.
પાદુકા મળતાં કેશરીના આનંદનો પાર ન રહ્યો. હવે પકડાવાનો ડર ન હતો. ચોરી કરવી ને ઉડી જવું. બસ મઝા જ મઝા અને કેશરીએ પોતાના નગરમાં ફરી ચોરીઓ શરૂ કરી દીધી. રાજાના અંતઃપુર સુધી જવાની પણ તેણે ધૃષ્ટતા કરી.
ચોરના આ ઉપદ્રવથી રાજાની ચિંતાનો પાર ન રહ્યો. ચોરને પકડી પાડવા તેણે કમર કસી અને ઉઘાડી તલવાર લઈ તે ચોરની શોધ કરવા લાગ્યો. ચોરની શોધમાં એક દિવસ તે જંગલમાં ગયો. જંગલમાં તેણે દિવ્ય પૂજા કરેલો ચંડિકાનો એક પ્રાસાદ જોયો. રાજાએ ગણતરી મૂકી કે ચોર જરૂર અહીં આવવો જોઈએ. આથી પ્રાસાદના પ્રવેશ દ્વારની પાછળ નાગી તલવાર લઈને સંતાઈ ગયો.
થોડીવાર થઈ હશે ત્યાં કેશરી ચોર એ પ્રાસાદમાં આવી પહોંચ્યો. પાદુકાને બહાર ઉતારી દેવીને પ્રણામ કરી તે બોલ્યો – “હે દેવી! આજે જો મને ખૂબ ધન મળશે તો હું વિશેષ પ્રકારે પૂજા કરીશ. આમ કહી કેશરી જ્યાં પોતાની પાદુકા પહેરવા જાય છે ત્યાં જ રાજાએ પ્રકટ થઈને એક પાદુકા ખેંચી લીધી.
કેશરી માટે હવે ઉડવું મુશ્કેલ બન્યું. આથી મુઠ્ઠી વાળીને તે ભાગ્યો. રાજાએ પણ તેનો શ્વાસભેર પીછો પકડ્યો. દોડતાં દોડતાં કેશરી વિચારવા લાગ્યો કે “આજે મારું પાપ ફુટી નીકળ્યું. નક્કી મારું આજે આવી બનવાનું.” ત્યાં તેણે એક મુનિને જોયાં. મુનિ પાસે જઈને તેણે પોતાના ભવપર્યત કરેલા પાપના ત્યાગનો ઉપાય પૂછ્યો. મુનિએ કહ્યું -
तप्येद्वर्षशतैर्यश्च, एकपादस्थितो नरः ।
एकेन ध्यानयोगेन, कलां नार्हति षोडशीम् ॥ “કોઈ એક માણસ સો વરસ સુધી એક પગ પર ઉભો રહીને તપ કરે તો પણ તેનું તે તપ ધ્યાનયોગની (સામાયિક)ની સોળમી કળાને પણ યોગ્ય થાય નહિ.” પછી તેમણે સામાયિકનું સ્વરૂપ અને તેના ફળની ટૂંકમાં સમજ આપી.
કેશરીએ તરત જ સામાયિક લઈ લીધું અને પોતે આજ સુધી જે કંઈ નાના-મોટા પાપ કર્યા હતાં તેનો ખરા અંતઃકરણપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. આ પાપો માટે તેણે આત્મનિંદા કરી. ખરેખર મને ધિક્કાર છે. મેં ન જાણે નાસ્તિક બુદ્ધિથી કેટકેટલાં પાપ કર્યા છે !”
કેશરી ચોર સામાયિકમાં આમ શુભ ધ્યાન ધરવા લાગ્યો અને ક્રમશઃ ક્ષપકશ્રેણી વડે તેને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું. દેવતાઓએ કેવળીનો ઉત્સવ ઉજવ્યો. તેમણે કેશરીને રજોહરણાદિ આપ્યાં. રાજા કેશરી ચોરને સામાયિકમાં સમતાભાવમાં આરૂઢ થયેલા જોઈ આશ્ચર્યમાં પડી ગયો