________________
૨૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ જુદી જુદી સાંભળવા મળે છે. તત્ત્વ તો બહુશ્રુત ગીતાર્થ પાસેથી જાણવું યોગ્ય છે. બાકી બુદ્ધિમાન પુરુષોએ, પૂર્વાચાર્યોની પરંપરાથી ચાલ્યો ન આવતો હોય તેવો પક્ષ પોતાની બુદ્ધિથી કલ્પીને તેનું અનુસરણ કરવું ન જોઈએ.
સામાયિક કરવાનો વિશેષ વિધિ શ્રી ધર્મસંગ્રહાદિ ગ્રંથોમાં બતાવ્યો છે. આમ વિધિપૂર્વક સામાયિક કરનારને એક પૈસાનો ખર્ચ કર્યા વિના જ મોટું પુણ્ય મળે છે. શ્રી પૂજય પુરુષોએ કહ્યું છે કે “સમતાભાવે બે ઘડીનું સામાયિક કરનાર શ્રાવક બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર અને નવસો પચ્ચીસ પલ્યોપમનું તથા ૧/૩ ને ૮૯ પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બાંધે છે.” એમ પણ કહ્યું છે કે “જે જીવો આજ સુધીમાં મોક્ષે ગયા છે, આજે જાય છે અને ભવિષ્યમાં પણ જશે તે સામાયિકના પ્રભાવથી જાણવું.” સામાયિક વિષે એમ પણ કહ્યું છે કે “જેમાં હોમ નથી, તપ નથી અને દાન પણ નથી એવી અમૂલ્ય કરણી તે સામાયિક છે. તે માત્ર સમતા વડે જ સિદ્ધ થાય છે.” સામાયિકના મહિમા અંગે એક ચોરની કથા કહેવામાં આવે છે.
સામાયિકના મહિમા ઉપર કેશરી ચોરની કથા શ્રીપુરનગર. તેમાં પાશ્રેષ્ઠી રહે. આ પદ્મશ્રેષ્ઠીને એક પુત્ર હતો. કેશરી તેનું નામ. કહે છે કે જેવો સંગ તેવો રંગ. સોબત તેવી અસર. કેશરીની સોબત સારી ન હતી. તેના ઘણા મિત્રો હતાં. પરંતુ તેમાંથી એક પણ સંસ્કારી ન હતો. કોઈ નટ હતો તો કોઈ વિટ. કોઈ લબાડ હતો તો કોઈ લુચ્ચો. આવા અધર્મી મિત્રોથી ધર્મના સંસ્કાર કેવી રીતે જળવાઈ રહે? કેશરીને વારસામાં મળેલા ધર્મના સંસ્કાર આવી અધર્મીની સોબતથી લુપ્ત થઈ ગયાં. કેશરી પણ ખોટા મિત્રોના વાદે બગડી ગયો. ચોરીની તેને ટેવ પડી ગઈ. નાની-મોટી તે ચોરી કરવા લાગ્યો. કેશરીના આવા અપકૃત્યની ફરિયાદ રાજા સમક્ષ આવી. રાજાએ કેશરીને પકડી મંગાવ્યો. નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીનું સંતાન સમજી તેને શિખામણ આપીને છોડી મૂક્યો.
કેશરીને તેની કંઈ અસર થઈ નહિ. તે ચોરીને ભૂલ્યો નહિ. રાજ્યમાં તેનો ઉપદ્રવ વધતો ગયો. રાજાએ તેના પિતાનો સંપર્ક સાધ્યો અને તેમના વચનથી કેશરીને દેશનિકાલ કર્યો.
માણસને જયારે કોઈ પાપની ટેવ પડી જાય છે ત્યારે તેને કોઈ શિક્ષા અસર નથી કરતી. કેશરીને ચોરીના પાપનું વ્યસન થઈ ગયું હતું. આથી દેશનિકાલ થવા છતાંય તે રસ્તે ચાલતાં માત્ર એક જ વિચાર કરતો હતો કે આજે રાતના હું કોને ત્યાં ચોરી કરીશ.
ચાલતાં ચાલતાં તે નગર બહાર એક સરોવર પાસે આવ્યો. સરોવર પાસે એક વૃક્ષ હતું. એ વૃક્ષ ઉપર ચઢ્યો અને કોના ઘરે ચોરી થઈ શકે તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. તેની નજર ચારે દિશામાં ફરી રહી હતી. એવામાં તેણે એક સિદ્ધ પુરુષને આકાશમાંથી ધરતી ઉપર ઉતરતો જોયો. કેશરીએ તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. સિદ્ધ પુરુષ સરોવર પાસે ઉતરીને પોતાની પાદુકા વગેરે કાઢી અને સરોવરમાં સ્નાન કરવા ઉતર્યો.