________________
૨૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ આગની ઝાળથી ચીસ પાડી ઉઠ્યાં. તેમની ચીસોથી લોકો એકઠા થઈ ગયા અને મૂર્ખ શિષ્યના હાથમાંથી ગુરુને મહામહેનતે છોડાવ્યાં. શિષ્યની આવી મૂર્ખામીથી લોકોએ તેનો તિરસ્કાર કર્યો.
બુદ્ધિમાન પુરુષોએ પોતાની બુદ્ધિથી જ યોગ્ય વિચારવું અને આવું અન્યોન્યાનુષ્ઠાન ન કરવું.
ઉપયોગીપણાથી અભ્યાસને અનુકૂળ એવી ક્રિયા કરવી તે તદ્ધતુઅનુષ્ઠાન તે આનંદ શ્રાવકની જેમ જાણવું અને મોક્ષને અર્થે યથાર્થ વિધિપૂર્વક જે તપક્રિયાદિ કરવાં તે અમૃતાનુષ્ઠાન. તે વીતરાગ સંયમી અર્જુનમાળીની જેમ જાણવું.
આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પહેલા ત્રણ - વિષયાનુષ્ઠાન, ગરલાનુષ્ઠા અને અન્યોન્યાનુષ્ઠાન - ત્યાગ કરવા જેવા છે અને છેલ્લા બે તદ્ધતુઅનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન આચરણ કરવા યોગ્ય છે.
આ રીતે અનુષ્ઠાનનાં બીજા પણ ચાર પ્રકાર છે. ૧. જે પ્રેમપૂર્વક અને રસપૂર્વક કરાય અને અતિરુચિથી વધે તે પ્રત્યનુષ્ઠાન કહેવાય છે. સરળ સ્વભાવી જીવોને ક્રિયા કરતા હંમેશા આ અનુષ્ઠાન થાય છે. ૨. બહુમાનથી ભવ્યજીવો પૂજય ઉપરની પ્રીતિ વડે જે કરે તે ભજ્યનુષ્ઠાન કહેવાય છે. પ્રીત્યનુષ્ઠાન અને ભજ્યનુષ્ઠાન વચ્ચે તફાવત એટલો છે કે સ્ત્રીનું પાલન પ્રેમથી થાય છે અને માતાની સેવા ભક્તિથી થાય છે. ૩. સૂત્રના વચનથી જે ક્રિયા કરવામાં આવે છે તેને વચનાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન આગમને અનુસાર પ્રવૃત્તિ કરવારૂપ હોવાથી ચારિત્રધારી સાધુને હોય છે. આ અનુષ્ઠાન પાસવ્લાદિકને નથી હોતું. અભ્યાસના બળથી, શ્રુતની અપેક્ષા વગર અને ફળની ઈચ્છા વગર જિનકલ્પિની જેમ યથાર્થ કરે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન વચ્ચે તફાવત એટલો કે કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડના સંબંધથી થાય છે. તેની જેમ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન વચ્ચે તફાવત એટલો છે કે કુંભારના ચક્રનું ભ્રમણ દંડના સંયોગ વિના કેવળ સંસ્કાર માત્રથી થાય છે. તેની જેમ અસંગાનુષ્ઠાન એટલે જે શ્રુત સંસ્કારથી ક્રિયાકાળે વચનની અપેક્ષા વગર થાય તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ યુક્તિથી બંને વચ્ચે ભેદ સમજવો. આ ચારે ભેદ અનુક્રમે વિશેષ વિશેષ શુદ્ધ છે.
આ વિષે બૃહભાષ્યમાં કહ્યું છે કે – “પ્રથમ ભાવની સ્વલ્પતાથી પ્રાયઃ બાલાદિકને સંભવે છે. એ પછી ઉત્તરોત્તર નિશ્ચય શુદ્ધ યથાર્થ ક્રિયાની પ્રાપ્તિ હોય છે.”
આ પ્રમાણે અનુષ્ઠાનનું સ્વરૂપ સમજી વિચારીને તેને વિધિપૂર્વક આદરવું. વિધિપૂર્વક કરેલા સામાયિકથી આગળના વ્યાખ્યાનોમાં કહેવાશે તેવું ફળ પ્રાપ્ત થાય છે. અન્યથા થતું નથી.
“મન, વચન અને કાયાના દોષથી મુક્ત એવું જે અનુષ્ઠાન આ વ્યાખ્યાનમાં સમજાવ્યું તે પ્રમાણે વિધિપૂર્વક વિશુદ્ધ સામાયિક કરવું જેથી તેની હંમેશા સફળતા થાય.”
ઉ.ભા.-૨-૩