________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
બાકીના બે મહાવ્રત દ્રવ્યના એક દેશભૂત છે એટલે કે કાંઈપણ બદલામાં આપ્યા વિના રાખવું કે લેવું તે પુદ્ગલ દ્રવ્યનો એક દેશ થયો. તે અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજું વ્રત છે અને સ્ત્રીના રૂપનો તથા તેની સાથે રહેલા દ્રવ્ય સંબંધી મોહનો ત્યાગ કરવો તે અબ્રહ્મ વિરતિરૂપ (બ્રહ્મચર્ય) ચોથું મહાવ્રત છે. તેમાં પણ દ્રવ્યનો એક દેશ આવે છે અને આહાર દ્રવ્ય વિષયક છઠ્ઠું રાત્રિભોજન ત્યાગરૂપ વ્રત છે. તેમાં પણ દ્રવ્યનો એક જ દેશ છે. આમ ચારિત્ર સામાયિક સર્વદ્રવ્ય સંબંધી છે. તે જ પ્રમાણે શ્રુત સામાયિક પણ જ્ઞાનરૂપ હોવાથી સર્વ દ્રવ્ય વિષયી છે. એ પ્રમાણે સમકિત સામાયિક પણ સર્વ દ્રવ્ય શ્રદ્ધામય હોવાથી સર્વ દ્રવ્ય વિષયી થાય છે. સંસારમાં ભટકતો ફરતો ફરતો જીવ આ સામાયિકને સંખ્યાત અસંખ્યાતવાર પ્રાપ્ત કરે છે.
૧૪
શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે તેટલા પ્રમાણવાળા ભવમાં ઉત્કૃષ્ટથી એક જીવને દેશવિરતિ અને સમકિત સામાયિક પ્રાપ્ત થાય છે. જ્યારે જધન્યથી આ બંને સામાયિક માત્ર એક જ ભવમાં પામે છે. સર્વવિરતિ સામાયિક ઉત્કૃષ્ટથી આઠ ભવમાં મળે અને પછી મોક્ષને પામે અને જઘન્યથી મરૂદેવા માતાની જેમ એક જ ભવમાં તે સામાયિક પામીને સિદ્ધગતિને પામે. સામાન્યથી શ્રુત સામાયિક અનંત ભવમાં પ્રાપ્ત થાય અને જઘન્યથી મરુદેવા માતાની જેમ એક જ ભવમાં પામે. સ્વલ્પ શ્રુત સામાયિકનો લાભ તો અભવ્યને પણ થાય છે અને તે ત્રૈવેયેક દેવતાના સ્થાન સુધી રહે છે.
અંતરદ્વારમાં કહ્યું છે કે ‘કોઈ એક જીવ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી પતિત થઈને પાછો અનંતકાળ પછી પ્રાપ્ત કરે તે ઉત્કૃષ્ટ અંતર જાણવું. સમકિતાદિ સામાયિકમાં જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું જાણવું અને ઉત્કૃષ્ટ દેશે ઉણું અદ્ધે પુદ્ગલ પરાવર્ત્તનું જે અંતર છે તે ઘણી આશાતના કરનાર જીવ માટે જાણવું.’ કહ્યું છે કે ‘તીર્થંકર, પ્રવચન, સંઘ, શ્રુત-જ્ઞાન, આચાર્ય, ગણધર અને લબ્ધિવાળા મહર્ષિક મુનિની ઘણી આશાતના કરનારો જીવ અનંતસંસારી થાય છે. પરંતુ ત્યાર પછી પણ સમકિત સામાયિકના મહિમાથી તે જીવ જરૂર સિદ્ધિપદને પામે છે. આ અંગે ચાર ચોરની કથા છે, તે આ પ્રમાણે :
ચાર ચોરની કથા
જીવનનિર્વાહ કરવા એક શ્રાવકે પોતાનું વતન ક્ષિતિપ્રતિષ્ઠિત છોડ્યું. ત્યાંથી તેણે ભિલ લોકોની વસતિમાં આવીને ભાગ્ય અજમાવવાનો પ્રામાણિક પુરુષાર્થ કર્યો. સખત પરિશ્રમ અને વિશુદ્ધ પ્રામાણિકતાથી તેનું ભાગ્ય ઉઘડી ગયું. થોડા જ સમયમાં તેને ત્યાં લક્ષ્મી આળોટવા લાગી. ભિલ વસતિમાં તે ધનાઢ્ય તરીકે માનપાન પામવા લાગ્યો.
શ્રાવકની આ ઋદ્ધિ-સિદ્ધિ ભિલકૂળના ચાર વૃદ્ધોની આંખમાં ખટકવા લાગી. તે વિચારવા લાગ્યા – “આજકાલનો આવેલો આ વાણિયો આજે તો જાણે ધનકુબેર બની ગયો છે. આવું કંઇ
-
એકાએક ન બને, જરૂર તેણે આપણ સૌને બધાને છેતરીને બધું ધન ભેગું કર્યું લાગે છે.”
અને આ વિચારમાંથી આ ચારેયે શ્રાવકના ઘરે ચોરી કરવાનો નિર્ણય કર્યો.