________________
૧૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩
લગભગ મધરાત થઈ હશે. ચાર ભિલો શ્રાવકના ઘરમાં છાનામાના ઘૂસ્યાં. ઉઘાડી બારીની આડશમાં જોયું તો તે ખંડમાંથી કંઈ ગણગણનો અવાજ આવતો હતો.
“ઘરનો માલિક જાગતો લાગે છે, તેનાં જાગતાં ચોરી કરવામાં જોખમ છે.” એમ વિચારી ચોર ભિલોએ થોડીવાર રાહ જોવામાં ગાળી.
મધરાતે આ શ્રાવક કંઈ ઊંઘમાં નહોતો બબડતો. તે સંપૂર્ણ સ્વસ્થપણે જાગતો હતો અને મધરાતે તે પોતાની પત્ની સાથે સામાયિકમાં બેસીને સ્વાધ્યાય કરતો હતો. નવરાશનો સમય પાપની કે પ્રમાદની પ્રવૃત્તિમાં પસાર કરવાના બદલે તે સમયનો ઉપયોગ તે સામાયિક કરવામાં ગાળતો. દિવસમાં આમ તે સાત આઠ સામાયિક કરતો.
આ મધરાતે પણ તે સામાયિક લઈને બેઠો હતો. તેને ચોરોની ગંધ આવી. પરંતુ તેણે સામાયિકમાંથી ઉઠી જવાનું પસંદ ન કર્યું. શ્રાવકે વિચાર્યું “ધન તો આ ભવમાં મળ્યું છે તો આવતા ભવમાં પણ મળશે અને ધન તો ઘણું આવ્યું અને ઘણું ગયું. પરંતુ જ્ઞાનાદિ ભાવરૂપી ધન કંઈ વારંવાર નથી મળતું. તેને જો ક્રોધાદિ લૂંટી જશે તો હું શું કરીશ ? ભૌતિક ધન તો ગમે ત્યારે મેળવી શકાશે. પણ આ સામાયિકરૂપી ભાવ ધન ફરી કંઈ નહિ મળવાનું. માટે ચોર ભલે મારું ધન ચોરી જાય પણ હું મારા ભાવધનને તો નહિ જ ચોરાવા દઉં, કારણ કે ભાવરૂપી ધન જો મારી પાસે હશે તો પછી ભૌતિક ધન તો ઘણું સુલભ છે.”
અને શ્રાવકે સળંગ સામાયિક કરવા માંડ્યાં. પ્રથમ કરતાં ય વધુ ઉત્કૃષ્ટભાવથી તેણે નવકારમંત્રનો જાપ શરૂ કર્યો. નવકાર મંત્રના સતત પવિત્ર શબ્દો સાંભળતાં બહાર સંતાયેલા ચોરોને ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું અને પૂર્વ ભવોમાં પોતે કરેલ ધર્માનુષ્ઠાનની યાદ તાજી થઈ.
પસ્તાવાથી તેમણે વિચાર્યું - “ધિક્કાર છે આપણને કે આપણે મામુલી ધન માટે આજે ચોરી જેવું મહાપાપ કરવા નીકળ્યાં છીએ. ચોરીથી બાહ્ય ભૌતિક ધન મળે છે પરંતુ તેનાથી ભાવાત્મક આત્મધન તો ચાલ્યું જાય છે. સાચે જ આ શ્રાવકને ધન્ય છે કે જે આપણને જુવે છે છતાંયે પોતાના સામાયિકના ભાવમાં ચલિત થતો નથી.”
સામાયિકની પ્રશંસા કરી સમકિત પ્રાપ્ત કર્યું. આથી તેમને દેશવિરતિપણું પ્રાપ્ત થયું. આ દેશવિરતિપણામાં વૈરાગ્યની ભાવના વધતાં ખગ અને ગણેશીઓ વગેરે મૂકી દીધા અને નવપ્રકારના ભાવ લોચના પરિણામી થતાં તેમણે સર્વવિરતિ સામાયિક લીધું. આ ચારિત્રની ઉત્કટ સાધના કરતાં શુક્લધ્યાન અને ક્ષપકશ્રેણી પામીને સયોગી કેવળી થયાં.
કેવળી થતાં દેવતાઓએ તેમને મુનિવેષ આપ્યો. પેલા ગૃહસ્થ શ્રાવકે તે સર્વ દેખી ચારે મુનિ ભગવંતોને ભક્તિપૂર્વક શ્રદ્ધાથી વંદના કરી. ચારે કેવળી ભગવંતોએ ત્યાંથી વિહાર કર્યો અને કાળક્રમે તેઓ સિદ્ધિપદને પામ્યાં.