________________
૧૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ લાગ્યો. દિવસ દરમિયાન જાણતા-અજાણતા મન, વચન અને કાયાથી જે કંઈ પાપ થયા હોય તેની તેણે શુદ્ધ ભાવે ક્ષમા યાચી. પ્રતિક્રમણ પુરું કર્યા બાદ તે બાદશાહની સાથે થવા આગળ વધ્યો.
બીજે ગામ પહોંચીને બાદશાહે જોયું તો મહણસિંહ નહિ. તેમણે પૂછપરછ કરી. કોઈને ખબર ન હતી કે મહણસિંહ ક્યાં છે. બાદશાહે તુરત જ મહણસિંહની શોધ માટે માણસો મોકલ્યાં. ત્યાં થોડી જ વારમાં મહણસિંહ આવી પહોંચ્યો.
બાદશાહે પૂછવું – “મહણસિંહ ! તમે ક્યાં હતાં? તમને શોધવા તો મેં માણસો દોડાવ્યાં છે.”
મહણસિંહ – “જહાંપનાહ! મારી આટલી બધી કાળજી લેવા માટે આપનો આભાર. પણ હું જ્યાં હતો ત્યાં સલામત હતો. મારો નિયમ છે કે સૂર્યાસ્તનો સમય થાય ત્યારે હું જ્યાં પણ હોઉં ત્યાં મારે પ્રતિક્રમણ કરવું. વરસોથી હું આ નિયમનું અચૂક પાલન કરું છું.”
બાદશાહ - “મહણસિંહ ! પણ આમાં તો જાનનું જોખમ છે. આપણે શત્રુઓ ઘણાં છે. તમે આવી રીતે એકાંતમાં જંગલના રસ્તે પ્રતિક્રમણ કરવા બેઠા હો અને તમને તે બધા મારી નાંખે તો ? તમારે આવું સાહસ નહિ કરવું જોઈએ.”
મહણસિંહ – “જહાંપનાહ ! જીવન ધર્મ માટે છે. ધર્મ કરતાં મૃત્યુ આવે તો પણ તે આવકાર્ય છે. એવા મૃત્યુથી તો સ્વર્ગ મળે છે, આથી જ જંગલ હોય કે શ્મશાન, ઘર હોય કે મેદાન, સૂર્યાસ્ત સમયે હું અવશ્ય પ્રતિક્રમણ કરું છું.”
મહણસિંહની ધર્મનિષ્ઠાથી ખૂશ થઈ બાદશાહે હુકમ કર્યો કે મહણસિંહ પ્રતિક્રમણ કરવા બેસે ત્યારે સો સુભટોએ તેમનું ખડેપગે રક્ષણ કરવું.
કામ પતી જતાં બાદશાહ અને તેનો રસાલો દિલ્હી આવ્યો. એક વખત બાદશાહને મહણસિંહના નિયમની કસોટી કરવાનો તુક્કો સૂઝયો અને કોઈ ખોટા ગુના હેઠળ મહણસિંહને પકડી કેદખાનામાં પૂરી દીધો.
હાથ અને પગમાં બેડી હતી. અંધારું કેદખાનું હતું. બહાર સુભટો સશસ્ત્ર ચોકી પહેરો ભરતા હતાં. મહણસિંહને કેદની પરવા ન હતી. તેને માત્ર એક જ ચિંતા હતી કે સાંજે પ્રતિક્રમણ કેવી રીતે કરવું. તેણે ઉપાય શોધી કાઢ્યો અને તેમાં તેને સફળતા પણ મળી.
કેદખાનાના રક્ષકને તેણે બે સોનામહોર આપવાનું વચન આપ્યું. રક્ષકે કોઈ ન જાણે તે રીતે પ્રતિક્રમણના સમય સુધી બેડીઓ છોડી નાખવામાં સહકાર આપ્યો. પ્રતિક્રમણ કરવાના થોડા સમય અગાઉ બેડીઓ છૂટતી અને પ્રતિક્રમણ પુરું થઈ ગયા બાદ બેડીઓ બંધાઈ જતી.
મહણસિંહે આ રીતે એક મહિના સુધી વિના વિને પ્રતિક્રમણ કર્યું. આ વાત ક્યાંકથી બાદશાહે જાણી. મહણસિંહની આ નિષ્ઠા અને શ્રદ્ધાથી તે ખૂબ જ પ્રભાવિત અને ખુશ થયા.