________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૩૧
સામાયિકતના પાંચ અતિચાર સામાયિક વ્રતમાં પાંચ અતિચારનો ત્યાગ કરવાનો હોય છે. તે આ પ્રમાણે -
"कायावाङ्मनसा दुष्ट-प्रणिधानमनादराः ।
स्मृत्यनुपस्थापनं च, स्मृताः सामायिकव्रते ॥" ભાવાર્થ - મન, વચન અને કાયાથી દુષ્ટ આચરણ કરવું તે ત્રણ. સામાયિકમાં આદર રાખે નહિ તે ચાર અને વ્રત-કાળ વગેરેનું સ્મરણ કરે નહિ તે પાંચ. એમ સામાયિક વ્રતમાં પાંચ અતિચાર કહ્યા છે.”
વિસ્તરાર્થ - મન, વચન અને કાયાથી દુષ્ટ પ્રણિધાન એટલે અનાભોગ વગેરેથી પાપયુક્ત પ્રવૃત્તિ કરવી. આમાં શરીરના હાથ-પગ વગેરે અવયવોને હલાવવા, પ્રમાર્જન કર્યા વિના શરીરને ખંજવાળવું, ભીંતને ટેકો દઈ બેસવું, ટેકો લેવો વગેરે કાયાનું દુષ્ટ પ્રણિધાન કહેવાય છે.
કઠોર અને કર્કશ વાણી બોલવી, માર, રાંધ, આવ, લાવ, બેસ, ઊભો રહે, આમ કર, તેમ કર વગેરે વચનો બોલવા તે વચન સંબંધી દુષ્ટ પ્રણિધાન કહેવાય છે.
આ અંગે કહ્યું છે કે – “સામાયિક લીધું હોય તેણે પ્રથમ બુદ્ધિએ વિચારીને સત્ય અને નિર્દોષ વચન બોલવું, અન્યથા સામાયિક થયું ન કહેવાય.”
મનથી ઘર, દુકાન કે બીજી આડી-અવળી બાબતોનો વિચાર કરવો તે મનસંબંધી દુષ્ટ પ્રણિધાન કહેવાય છે. તે અંગે કહ્યું છે કે - “જે શ્રાવક સામાયિકનાં સમયમાં ઘર અંગે વિચાર કરે તેવા આર્તધ્યાનવાળા શ્રાવકનું સામાયિક નિરર્થક થાય છે.” મતલબ કે શ્રાવક સામાયિક લઈને વિચારે છે કે આજે ઘરમાં ઘી નથી, તેલ નથી અને પત્ની નવી સવી અને અજાણી છે તો કાલે ઘરનો નિર્વાહ શી રીતે થશે?” આ પ્રમાણે વિચાર કરનારનું સામાયિક નિરર્થક થાય છે. શ્રાવિકા વિચારે કે નોકરીનાં ઠેકાણાં નથી, ઘરમાં મહેમાન છે, આવકના કંઈ ઠેકાણા નથી, તો શું થશે? તો આ પ્રમાણે વિચારનાર શ્રાવિકાનું સામાયિક પણ નિરર્થક થાય છે. આ મનસંબંધી દુષ્ટ પ્રણિધાન છે. આમ ત્રણ યોગે ત્રણ અતિચાર છે.
અનાદર એ આ વ્રતનો ચોથો અતિચાર છે. પવિત્ર સામાયિકનું ગૌરવ ન સાચવવું, નિયત સમયે સામાયિક ન કરવું, નિયત સમયે સામાયિક પારવાને બદલે વહેલા સામાયિક પારી લેવું. નિરસતા અને કંટાળાથી સામાયિક કરવું તે સામાયિક પ્રત્યેનો અનાદર બતાવે છે. આવી અનાદરતાથી કરેલું સામાયિક નિરર્થક થાય છે.
સામાયિક કર્યું છે કે નહિ એમ પ્રમાદથી સામાયિકનો ખ્યાલ ન રહે તે પાંચમો અતિચાર છે.