________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ તારા સામાયિકમાં એક પાઈનો ખર્ચ તો થતો નથી. મફતિયા સામાયિકથી પુણ્ય મળતું હોય તો તો ઘણાં લોકો એવું જ પુણ્ય કરે અને સુવર્ણ વગેરેનું દાન કરે જ નહિ.”
ડોશીએ વિનયથી જવાબ આપ્યો – “શ્રેષ્ઠિવર્ય! સામાયિકનાં ફળને તમે જાણતા નથી એટલે આવું બોલો છો. તમે સોના-રૂપાના પગથિયાવાળું એક દેરાસર બંધાવો અને તેનું જે પુણ્ય મળે તેનાથી કંઈગણું અધિક પુણ્ય એક સામાયિક કરવાથી મળે છે.” એમ કહી ડોશીએ કંચણમણિસોવાણું...” એ ગાથા કહી સંભળાવી.
આયુષ્યકર્મ પૂરું થતાં આ શ્રીમંત અને ડોશી બંને મૃત્યુ પામ્યાં. શ્રીમંતે અંતકાળે આર્તધ્યાન ધર્યું તેથી તે મરીને હાથી થયો. ડોશીનું મૃત્યુ સમતાભાવે શુભધ્યાનથી થયું આથી તે મૃત્યુ પામીને તે જ ગામનાં રાજાની પુત્રી બનીને જન્મી.
એક દિવસ આ ગામના રાજાએ જંગલમાંથી આ હાથીને પકડ્યો અને પોતાનો પટ્ટહસ્તી બનાવ્યો. એક વખત રાજમાર્ગે ચાલતાં તેણે પોતાના પૂર્વભવનું ઘર જોયું. એ ઘર જોતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું. મૂર્છા આવી અને તે જમીન પર પડી ગયો.
પટ્ટહસ્તીને જોવા રાજપુત્રી પણ આવી. તેને પણ પોતાનું પૂર્વભવનું ઘર જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી તેણે હાથીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. ઘણાં પ્રયત્નો નિષ્ફળ ગયાં એટલે રાજપુત્રી બોલી -
ઉવ સિદ્ધિ મમ નંત કર, કરિ હુઓ દાણવસેણ;
હું સામાઇય રાઇધુઅ, બહુગુણ સમહિય તેણ.” હે શેઠ! ઉઠ. ભ્રાંતિ ન કર. તું દાનના પ્રભાવથી હાથીરૂપે આ ભવે જન્મ પામ્યો છે અને હું સામાયિકના પુણ્યપ્રભાવે આજે રાજપુત્રી થઈ છું. કારણ દાનના પુણ્ય કરતાં સામાયિકનું પુણ્ય વધુ છે.
રાજપુત્રીના આ બોલ સાંભળતાં જ હાથી તુરત ઉભો થઈ ગયો. આ જોઈ રાજાનાં પૂછવાથી રાજપુત્રીએ બધી માંડીને વાત કરી.
આ પછી રાજપુત્રીના વચનથી હાથી પ્રતિબોધ પામ્યો અને બે ઘડી સામાયિક કરવા માટે પોતાની ગુણીની સામે નજર રાખી સમભાવે રહેવા લાગ્યો. ભાવ સામાયિકધારી હાથી સામાયિક લેતા સમયે અને પારતા સમયે પોતાની ગુરુણી રાજકુમારીને પગે લાગતો. આ સાથોસાથ તેણે ભક્ષ્ય, અભક્ષ્ય અને પેય-અપેયનો પણ વિવેક જાળવ્યો.
આમ, સમાધિ વડે આયુષ્ય પૂર્ણ કરીને તે સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયો.
આમ, આ દષ્ટાંતથી સામાયિકનો મહિમા જાણી શ્રાવકોએ આ પ્રથમ શિક્ષાવ્રત સામાયિકનું અવારનવાર સેવન કરવું જોઈએ.