________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
એક વખતે આ નવદીક્ષિત તપસ્વી રાજગૃહની બજારમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે કોઈએ તેમની મશ્કરી કરતાં કહ્યું – “વાહ ભાઈ, વાહ! આ માણસ ધન્ય છે ! તેણે કેટલી બધી સંપત્તિ છોડી આ સંયમ લીધો છે!” અને પછી છેલ્લે કહ્યું – “આ તો નર્યો પાખંડી છે, પાખંડી. સાધુના વેષમાં રહી તે બધાને ધૂતી લે છે.”
એ જ સમયે મંત્રી અભયકુમાર ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં. તેમણે આ વાક્ય સાંભળ્યું. તેમણે તુરત જ ત્યાંના લોકોને ભેગા કરીને કહ્યું – “તમારામાંથી જે કોઈ ચક્ષુઈન્દ્રિયના વિષયો છોડી દે તેને હું આ બહુમૂલ્ય રત્ન ભેટ આપીશ.”
કોઈએ આ પડકાર ઝીલ્યો નહિ. અભયકુમારે ફરી એલાન કર્યું- “જે કોઈ સ્પર્શ ઈદ્રિયના વિષયનો ત્યાગ કરશે તેને હું આ બીજું મહામૂલું રત્ન આપીશ.”
તેનો પણ કોઈએ જવાબ ન આપ્યો ત્યારે અભયકુમારે ફરી પડકાર ફેંક્યો - “તમારામાંથી જે કોઈ પાંચે ય ઈન્દ્રિયોના વિષયોને છોડી દેશે તેનું હું આ બધા જ મોંઘા રત્નો ભેટ આપીશ.”
પણ કોઈમાં ય એકેય ઈન્દ્રિયના વિષયનો ત્યાગ કરવાની હામ ન હતી. બધા જ ઓછેવત્તે અંશે ઈન્દ્રિયોના ગુલામ હતાં. મેદનીને મૌન જોઈ અભયકુમાર નવદીક્ષિત ભિક્ષુક પાસે ગયો. તેમણે ભક્તિભાવથી વંદના કરી અને કહ્યું – “આપે પાંચેય ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો છે. તમે ઈન્દ્રિયવિજેતા છો. આથી આ પાંચેય રત્ન આપ ગ્રહણ કરો.” | મુનિએ કહ્યું - “અભયકુમાર ! આ અર્થ અનર્થને કરનાર છે. આથી જ તો મેં વીરપ્રભુ પાસે માવજીવ સુધી તેના પચ્ચખાણ લીધા છે.”
મુનિશ્રીનો આ પ્રત્યુત્તર સાંભળી અભયકુમારે મેદનીને મોટા અવાજે કહ્યું – “તમે લોકો જુઓ છો ને? આ મુનિ રત્નોને અડકવાની પણ ના પાડે છે. એ કેટલા બધા નિઃસ્પૃહી છે એ હવે તમે જ જુવો અને પછી તમે નક્કી કરો કે તમે તેમની જે મજાક કરો છો તે શું યોગ્ય છે ખરી?
લોકોને પોતાની ભૂલ સમજાઈ અને સૌએ મુનિને પ્રણામ કર્યા. જ્ઞાનીએ કહેલી કથા સાંભળી ચિત્રગુપ્તનો રહ્યો સહ્યો ગર્વ ઓસરી ગયો. તેણે અનર્થદંડથી વિરમવા માટે દીક્ષા લીધી. દીક્ષા બાદ પૂર્વકૃત પાપનો અનહદ પસ્તાવો કર્યો. આત્માને શુદ્ધ કરવા ઉગ્ર તપસ્યા કરી અને શુભધ્યાનમાં સતત રહેવા લાગ્યો. તપ અને શુભ ધ્યાનથી તેણે સકળ કર્મનો નાશ કર્યો અને મોક્ષને પામ્યો.
આ બે દષ્ટાંતોનો બોધ ધ્યાનમાં લઈ શ્રાવકોએ પ્રમાદ, ક્રોધ, દંભ, અજ્ઞાન અને દુર્ગાનથી સતત દૂર રહેવું.