________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
આ સંબંધમાં કદાચ કોઈ શંકા કરે કે સામાયિકમાં દુવિહં તિવિહેણ એ પાઠ પ્રમાણે મનવચન-કાયા સંબંધી પચ્ચકખાણ કરાય છે. પરંતુ મનનો રોધ કરવો અશક્ય હોવાથી મનથી દુષ્ટ પ્રણિધાન થવાનો સંભવ છે, એમ થવાથી લીધેલા વ્રતનો ભંગ થાય છે, વ્રતભંગ થવાથી પ્રાયશ્ચિત્ત કરવું જરૂરી છે. આથી તેવું સામાયિક ન કરવું જોઈએ.”
ગુરુ કહે છે કે – આવી શંકા કરવી જોઈએ નહિ. કારણ કે સામાયિક લેતી સમયે મનથી કરું નહિ, કરાવું નહિ, વચનથી કરું નહિ, કરાવું નહિ, કાયાથી કરું નહિ, કરાવું નહિ એમ છ ભાંગે પ્રત્યાખ્યાન લેવાય છે. તેમાં અનાભોગથી એકનો ભંગ થાય તો પણ બાકીના ભાંગા અખંડ રહે છે. આથી વ્રતનો સર્વથા ભંગ થતો નથી.
- બીજું મનના દુષ્ટ પ્રણિધાનનું પ્રાયશ્ચિત્ત કરવાથી શુદ્ધિ થાય છે. આથી સામાયિક ન કરવું તેમ વિચારવું જોઈએ નહિ. કારણ કે સામાયિક ન કરવામાં આવે તો પરિણામે સર્વવિરતિનો અનાદર થવાનો પણ સંભવ છે.
કેટલાક એમ પણ કહે છે કે અવિધિથી ધર્માનુષ્ઠાન કરવું તેના કરતાં તો તેવું ધર્માનુષ્ઠાન ન કરવું તે જ સારું છે.
ગીતાર્થ ભગવંતો કહે છે કે – “આ ઉત્સુત્ર વચન છે. કારણ ધર્માનુષ્ઠાન ન કરવાથી મોટું પ્રાયશ્ચિત્ત આવે છે અને ધર્માનુષ્ઠાન અવિધિથી કરતાં નાનું પ્રાયશ્ચિત્ત આવે છે.
શરૂઆતમાં અતિચારથી ક્રિયા થતી હોય તો પણ અભ્યાસ કરવાથી સમય જતા અતિચાર રહિત તે ક્રિયા થઈ શકે છે. કોઈપણ વિદ્યામાં માનવી પ્રથમથી પારંગત નથી હોતાં. શરૂમાં એ વિદ્યા કે કળામાં ક્ષતિ અને ભૂલો તો થવાની. પણ એક વખત વિદ્યા કે કળાને બરાબર સમજ્યા બાદ ભૂલ થતી નથી. આથી જ મન શુદ્ધ રાખી સામાયિક વગેરે વ્રતો અવારનવાર કરતાં રહેવા જોઈએ. શ્રી આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે કે – સામાયિક કરવાથી શ્રાવક મુનિ જેવો થાય છે. તેથી તે વારંવાર કરવું.” આ સામાયિક વ્રત મહણસિંહની જેમ હંમેશા કરવું.
મહણસિંહની કથા દિલ્હીની રાજગાદી પર ત્યારે પિરોજશાહ બાદશાહ રાજ્ય કરતો હતો. દિલ્હીમાં જ મહણસિંહ રહેતો હતો. આ મહણસિંહ એક પ્રતિષ્ઠિત શાહુકાર હતો.
કોઈ કામ પ્રસંગે બાદશાહને બીજે ગામ જવાનું થયું. પોતાના અન્ય રસાલામાં તેણે મહણસિંહને પણ સાથે લીધો. આ રસાલો નિશ્ચિત સ્થાન પર જઈ રહ્યો હતો. સાંજનો સમય થયો. સૂર્યાસ્ત થવાને થોડી મિનિટો બાકી હતી. મહણસિંહ માટે સમય મહત્ત્વનો હતો.
રસાલો ચાલતો રહ્યો પણ મહણસિંહે પોતાના ઘોડાને એક બાજુ લઈ લીધો. મહણસિંહ વિનાનો રસાલો આગળ વધી ગયો. હવે મહણસિંહે પોતાની પાસે રાખેલા પ્રતિક્રમણ માટેનાં ઉપકરણો કાઢ્યાં. ચરવળાથી ભૂમિનું પ્રમાર્જન કર્યું અને કટાસણું પાથરીને તે પ્રતિક્રમણ કરવા