________________
_ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ ચિત્રગુપ્ત બોલ્યો - “અનર્થદંડ એટલે શું?” ગુરુદેવે કહ્યું કે - “અજ્ઞાન, ક્રોધ અને દંભથી અનર્થદંડ થાય છે અને તેનું ફળ ભવોભવમાં કુયોનિમાં જવાનું છે. એ અનર્થદંડની વિડંબણા કેવી છે? તે તું જાણ –
ભદિલપુરમાં રહેતા જિનદત્તશ્રેષ્ઠીના પુત્ર સેનને નાની વયમાં જ વૈરાગ્યની ભાવના થઈ. પિતાએ તેની આ ઉચ્ચ ભાવના ભૂસી તેને જારપુરુષોની સોબતમાં રાખ્યો. અહીંયા તેને રાજપુત્ર સાથે સારી દોસ્તી થઈ.
સંગ તેવો રંગ. ખરાબ સોબતથી સેન બગડી ગયો. પાપ કરવામાં તે પાવરધો બની ગયો. એક સમયે તેણે રાજપુત્રને કહ્યું - “અરે દોસ્ત ! તું તારા ઘરડાં બાપને મારી નાખીને જલ્દી રાજ્ય તારા હાથમાં શા માટે નથી લઈ લેતો?”
આ વાત ઉડતી ઉડતી મંત્રીઓએ જાણી. તેમણે રાજાને વાત કરી. રાજાએ તુરત જ આ વાત કરનાર સેનનો વધ કરાવ્યો. સેન મરીને નારકી થયો. નારકીમાંથી નીકળી અસંખ્ય કાળ સુધી ભવાટવીમાં ભમતો રહ્યો. આજે એ જ તું ચિત્રગુપ્ત નામે પુરોહિતનો પુત્ર છે.
જ્ઞાની પાસેથી પોતાના પૂર્વભવની વાત સાંભળી ચિત્રગુપ્તને જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાના ભવો જોતા જ તે પ્રતિબોધ પામ્યો અને નવદીક્ષિત કઠિયારાને ભક્તિભાવથી વંદના કરી. જ્ઞાની ગુરુએ ચિત્રગુપ્તનું પરિવર્તન જોયું, પરંતુ લાગ્યું કે હજી ય તેને વધુ ઉપદેશ આપવાની જરૂર છે. આથી તેમણે એક વધુ પ્રેરક અને સચોટ કથા કહી. તે આ પ્રમાણે –
દ્રમકમુનિની કથા ભગવાન મહાવીર પાસે એક ભિખારીએ દીક્ષા લીધી. તેણે ભવતારક વીર પરમાત્માને બે હાથ જોડી વિનયથી કહ્યું – “પ્રભો ! આપ તો સર્વજ્ઞ છો. આપ જાણો છો કે મારી પાસે કશુંય જ્ઞાન નથી. હું અબુધ અને અજ્ઞાન છું. તો આ જ્ઞાન વિના હું ચારિત્રમાર્ગે કેવી રીતે આગળ વધી શકીશ ?”
અનંત ઉપકારી પરમાત્માએ તેને ચૌદ પૂર્વનું રહસ્ય સંક્ષેપમાં સમજાવ્યું અને કહ્યું - “તું તારા મનને હરહંમેશ વશમાં રાખજે.”
દીક્ષિત ભિક્ષુકે પરમાત્માના વચનનો સ્વીકાર કર્યો અને માસક્ષમણ જેવી ઉગ્ર તપસ્યા એકધારી કરવા લાગ્યો. તપની સાથોસાથ તે શુભ ધ્યાન પણ ધરતો. હવે ક્યારેક એવું પણ બનતું કે પારણાના દિવસે તેને આહાર ન મળતો હોય તે કંઈ મનમાં ન લાવતો અને તપમાં આગળ વધતો. લોકો તરફથી અપમાન થવાનો પણ પ્રસંગ ઘણીવાર બનતો. પરંતુ લોકોના અપમાનને તે સમભાવે સહી લેતો અને શુભધ્યાનમાં વધુ દઢ બનતો.