________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩)
આ સાંભળી તેમના ગુરુએ કહ્યું - “કુમાર ! શ્રુતિમાં કહ્યું છે કે પુત્રે કરેલા દાનનું ફળ પિતાને મળે છે આથી તમે તમારા દિવંગત પિતાના આત્મકલ્યાણ માટે બ્રાહ્મણને સુવર્ણના પૂતળાનું, ગાયોનું, ભૂમિનું, અન્ન અને કન્યાનું દાન કરો.” ગુરુવચન માથે ચડાવી પુરુષદત્ત દાન આપવા લાગ્યો.
આ માટે જૈનમુનિઓને પણ બોલાવ્યાં. જૈનમુનિએ કહ્યું – “હે રાજન્ ! પ્રાણઘાત કરનાર દાન જૈન મુનિઓને ખપે નહિ. વૃંદારવૃત્તિમાં કહ્યું છે કે – જેનાથી ક્રોધ, લોભ વગેરે કષાયો ઉત્પન્ન થાય તેવું સોનું કે રૂપું ચારિત્રધારીઓને આપવું નહિ. કારણ કે તેવું દાન તેમના ચારિત્રને હરનારું છે. બીજું રાજનું એ પણ કહ્યું છે કે – નિઃસંગ પુરુષોને વૈભવ વિષ સમાન છે, કુલીન સ્ત્રીઓને અતિચાતુર્ય વિષ સમાન છે. વેપારીને દાક્ષિણ્યતા વિષ સમાન છે અને વેશ્યાઓને પ્રેમ વિષ સમાન છે. આ ચારેય વૈભવ, ચાતુરી, દાક્ષિણ્યતા અને પ્રેમ અમૃત સમાન છે. પરંતુ તે તે અધિકારીઓ માટે ઝેર બરાબર છે, અને રાજનું! જે ગંદવાડ આરોગે છે, શીંગડા અને ખરીઓથી જે જીવ-જંતુઓને મારે છે તેવા પશુઓનાં દાનથી આત્મકલ્યાણ કેવી રીતે થાય? માટે જો તારે દાન આપવું હોય તો તું અભયદાન આપ. બધા દાનમાં તે સર્વશ્રેષ્ઠ દાન છે. કહ્યું છે કે - એક બાજુ બ્રાહ્મણોને હજાર કપિલા ગાયોનું દાન આપો અને બીજી બાજુ એક જીવને અભયદાન આપો. તો તે ગોદાન અભયદાનની સોળમી કળાને પણ યોગ્ય થતું નથી.
બીજું હે રાજનું! તું યાદ રાખો કે એકે કરેલો ધર્મ કે એકે કરેલું કર્મ તે બીજાને ફળદાયી નથી બનતાં. જે કરે તેને જ તેનું ફળ મળે છે.”
આ વેધક અને પ્રેરકવાણી સાંભળી રાજાએ કહ્યું: “તો તમને હું શું દાનમાં આપું?”
રાજાની આ શુભ ભાવના જાણી જૈન મુનિઓએ એષણીય-પ્રાસુક આહારનું સ્વરૂપ સમજાવ્યું. તે સાંભળી રાજા પુરુષદને પોતાના નાનાભાઈને રાજગાદી સોંપીને સો રાજપુત્ર સાથે દિક્ષા અંગીકાર કરી. વ્રત, તપ, જ્ઞાન અને ધ્યાનથી સમય જતાં દીક્ષિત રાજાને અવધિજ્ઞાન થયું અને એક દિવસ પોતાના જ્ઞાતિજનોને પ્રતિબોધ પમાડવા તેના ગામમાં પધાર્યા.
ગુરુદેવને પધારેલા જાણી રાજા પુરુષસિંહ તેમને વંદના કરવા ગયો. પુરોહિતનો પુત્ર ચિત્રગુપ્ત પણ તેમની સાથે ગયો. ગુરુની દેશના સાંભળી એક કઠિયારો પ્રતિબોધ પામ્યો અને તેણે દીક્ષા લીધી.
કઠિયારાને દીક્ષા લેતો જોઈ જૈનધર્મદ્રષી ચિત્રગુપ્ત દંભપૂર્વક બોલી ઉઠ્યો - “સાચે જ ! આ કઠિયારાને ધન્ય છે. તેણે સર્વસ્વનો ત્યાગ કર્યો અને જોત-જોતામાં ત્યાગી વૈરાગી થઈ ગયો. હવે તેને રોજી રોટી માટે મહેનત નહિ કરવી પડે. વગર મહેનતે હવે તેને તે મળી રહેશે. વાહ ! શું મુનિવેષનો મહિમા છે !!!”
ચિત્રગુપ્તના કથનનો વ્યંગ ગુરુ પામી ગયાં. તેમણે કહ્યું - “ચિત્રગુપ્ત ! કેટલું બધું દુઃખદ ! હજી પણ તને અનર્થદંડ પીડે છે.” ઉ.ભા.-૩-૨