________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
“ભાઈ ! વેદનાથી રડ નહિ. રડવાથી દુઃખ થોડું ઓછું થવાનું છે ? સર્વજ્ઞ પ્રભુનું નામ લે, અંતર હોઠથી તેમના નામનો જાપ કર, તેવા જાપથી રોગ, જરા અને મરણનો આત્યંતિક અંત આવે છે.’
શૂરસેનના સ્નેહભીના ઉપદેશથી મહીસેન પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યો. જીભનો રોગ છેલ્લા તબક્કામાં આવ્યો, શૂરસેને મહીસેનને પાપના અનેક નિયમો કરાવ્યાં. સાથોસાથ તે જાપવાળા પવિત્ર જળથી મહીસેનની જીભને સિંચતો સારવાર તો કરતો જ હતો. દૈવયોગે તેમજ પંચપરમેષ્ઠીના નામસ્મરણથી મહીસેનની જીભનો અસાધ્ય રોગ મટી ગયો. સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા પછી પણ મહીસેન પોતે લીધેલા નિયમોનું પાલન કરવા લાગ્યો.
થોડા સમય બાદ ત્યાં ભવતારક ભદ્રબાહુસ્વામી અનેક શિષ્ય પરિવાર સાથે પધાર્યા. બંને ભાઈઓએ તુરત જ તેમની ભક્તિ-પૂજાનો લાભ લીધો. વિનયપૂર્વક તેમને વંદના કરી. દેશના સાંભળી. શ્રી ભદ્રબાહુસ્વામી જ્ઞાની હતા. આથી શૂરસેને મહીસેનને જીભનો અસાધ્ય રોગ થવાનું કારણ જણાવવા તેમને પ્રાર્થના કરી.
જ્ઞાનીએ કહ્યું – મણીપુર નગર હતું. તેમાં કોઈ એક સુભટને બે પુત્રો હતાં. ધીર અને વીર તેમના નામ હતાં, બંને પુત્રો સંસ્કારી અને ધર્મશ્રદ્ધાળુ હતાં. આ બંને ભાઈઓ ફરતા ફરતા એક વખત એક જંગલમાં ગયાં. ત્યાં રસ્તામાં તેમણે પોતાના દીક્ષિત મામા વસંતમુનિને જમીન પર બેશુદ્ધ અવસ્થામાં પડેલ જોયાં. મામા મુનિને આવી હાલતમાં જોઈ આમ શાથી બન્યું એમ ધીરેથી ત્યાં ભેગા થયેલા લોકોને પૂછ્યું. કોઈએ કહ્યું - “આ મુનિ અહીં કાયોત્સર્ગ કરી રહ્યા હતાં. ત્યાં એક સાપ તેમને ડંખ મારી રાફડામાં જતો રહ્યો છે, સાપના ઝેરી ડંખથી મુનિ બેશુદ્ધ થઈ જમીન પર પડી ગયા છે.
નાના ભાઈ ધીરથી આ સહન ન થયું. મામા ઉપર તેને અનહદ પ્રેમ અને આદરભાવ હતો. તે ગુસ્સાથી બોલી ઉઠ્યો - ‘તમે લોકો તો માણસ છો કે કોણ છો ? એક સાપ મુનિને ડંખીને જતો રહે અને તમારામાંથી કોઈની હિંમત ન ચાલી ? કાયર છો તમે તો કાયર'
ન
ધીરને આમ વ્યર્થ ગુસ્સે થયેલો જોઈ મોટાભાઈ વીરે શાંતિથી કહ્યું – “ભાઈ ! આમ નાહક શા માટે ઉતાવળો અને આકરો થાય છે ? થવાનું હતું તે થઈ ગયું. હવે ગમે તેવા હિંસક વેણ બોલી શા માટે અશુભ કર્મો બાંધે છે ?”
“મોટાભાઈ ! એમાં અશુભ કર્મો કેવી રીતે બંધાય ? ઉલ્ટું મુનિને ડંખ મારનાર સર્પની હત્યા કરવાથી તો પુણ્ય બંધાય, પુણ્ય. ધી૨નો ગુસ્સો હજી ટાઢો પડ્યો ન હતો એટલે તેણે પોતાનો કક્કો ખરો કરે રાખ્યો. તેણે કહ્યું :
“દુષ્ટને શિક્ષા કરવી, સ્વજનની પૂજા-ભક્તિ કરવી, ન્યાયથી ધનભંડાર ભરપૂર કરવા, કોઈનો પક્ષપાત કરવો નહિ અને દુશ્મન દેશની ચિંતા રાખવી - આ પાંચ બાબતો ઉત્તમ રાજ્યો માટે યજ્ઞ કરવા બરાબર છે અને આપણે તો ક્ષત્રિયો છીએ. આથી સાપને મારી નાંખવાથી આપણને કોઈ પાપ લાગે નહિ.'