________________
૧૪૦
આગમ કથાનુયોગ-૩
આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય ! આપની પાસે ઘણાં ઉગ્ર–ઉગ્ર કુળના રાજકુમારો મુંડિત થઈને ગૃહત્યાગ કરીને દીક્ષિત થયા છે, તે પ્રમાણે યદ્યપિ હું દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવતો – યાવત્ – શ્રાવક ધર્મ અંગીકાર કરવાને ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો.
ત્યારપછી શૈલક રાજાએ થાવસ્ત્રાપુત્ર અણગાર પાસે પાંચ અણુવ્રતોને – યાવત્ – શ્રાવક ધર્મ અંગીકાર કર્યો.
ત્યારપછી શૈલક રાજા શ્રમણોપાસક થયો. જીવ–અજીવનો જ્ઞાતા થઈને આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. પંથક આદિ ૫૦૦ મંત્રીઓ પણ શ્રમણોપાસક થઈ ગયા. ૦ સૌગંધિકામાં સુદર્શન શ્રેષ્ઠી :
તે કાળે, તે સમયે સૌગંધિકા નામક નગરી હતી. ત્યાં નીલશોકા નામક ઉદ્યાન હતું. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગર શ્રેષ્ઠી નિવાસ કરતો હતો. જે સમૃદ્ધિશાળી હતો – યાવત્ – કોઈથી પરાભૂત ન થાય તેવો હતો. ૦ સૌગંધિકામાં શુક્ર પરિવ્રાજકનું આગમન :
તે કાળે. તે સમયે શુક્ર નામક પરિવ્રાજક હતો. જે અન્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ષષ્ઠિતંત્રમાં કુશળ હતો. સાંખ્યદર્શનમાં નિપુણ હતો, પાંચ યમ અને પાંચ નિયમથી યુક્ત દશપ્રકારના શૌચમૂલક પરિવ્રાજક ધર્મનો, દાનધર્મનો, શોચધર્મનો અને તીર્થસ્નાનનો ઉપદેશ અને પ્રરૂપણા કરતો હતો, ભગવા શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરીને, ત્રિદંડ, કુંડિકા, કમંડલું, છત્ર, છત્રાલિકા, અંકુશ, પવિત્રી, કેસરિકા (પ્રમાર્જના માટેનો વસ્ત્રખંડ) એ સાત ઉપકરણોને હાથમાં લઈને ૧૦૦૦ પરિવ્રાજકોથી પરિવૃત્ત થઈને જ્યાં સૌગંધિકા નગરી હતી અને જ્યાં પરિવ્રાજકોનો મઠ હતો, ત્યાં આવ્યો, આવીને પરિવ્રાજક મઠમાં તેણે પોતાના ઉપકરણો રાખ્યા, રાખીને સાંખ્યમત મુજબ પોતાના આત્માને ભાવિત કરતો વિચરવા લાગ્યો.
- ત્યારપછી તે સૌગંધિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ, સામાન્ય માર્ગ આદિ સ્થાનોમાં અનેક મનુષ્ય એકત્રિત થઈને પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેતા હતા – આ પ્રકારે નિશ્ચયથી શુક પરિવ્રાજક અહીં આવ્યા છે, અહીં સમોસર્યા છે, અહીં સમાગત છે અને આ જ સૌગંધિકા નગરીના પરિવ્રાજક મઠમાં સાંખ્યમત અનુસાર આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે.
પર્ષદા નીકળી, સુદર્શન પણ નીકળ્યો. ૦ શુક્ર પરિવ્રાજક દ્વારા શૌચમૂલક ધર્મોપદેશ :
ત્યારપછી શુક્ર પરિવ્રાજકે તે પર્ષદાને અને સુદર્શનને અને બીજા અનેક શ્રોતાઓને સાંખ્યમતનો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે – હે સુદર્શન ! અમે શૌચમૂલક ધર્મની પ્રરૂપણા કરીએ છીએ. તે શૌચ બે પ્રકારે છે. યથા–દ્રવ્યશૌચ અને ભાવશૌચ.
દ્રવ્યશૌચ પાણી અને માટી વડે થાય છે, ભાવશૌચ દર્ભ અને મંત્રો વડે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org