________________
શ્રમણ કથાઓ
૨૬૯
કૃતપુણ્યા છે, તે માતાઓ કૃત લક્ષણા છે, જેને પોતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ બાળક સ્તનપાનને માટે ઇચ્છુક થઈને પોતાની મધુર–તોતળી વાણીથી આકર્ષિત કરીને ગુણગુણ કરતા અવ્યક્ત શબ્દ ધ્વનિ વડે બોલાવે છે.
- (તે માતા ધન્ય છે જેનું બાળક) સ્તન મૂળથી લઈને કાંખ સુધીના ભાગે અભિસરણ કરે છે અને તે મુગ્ધ બાળક પોતાની માતા દ્વારા કમળ જેવા કોમળ હાથો વડે ઉઠાવીને, ખોળામાં બેસાડીને દૂધ પીવડાવે છે. તે સમયે તે બાળક પોતાના તોતળા શબ્દોમાં વાત કરે છે અને મીઠી મીઠી બોલી બોલે છે. જ્યારે હું અધન્યા , અપુણ્યા છું, મેં કોઈ સકતુ કરેલ નથી કે જેથી હું એક વખત પણ આવો અવસર પ્રાપ્ત કરી શકી નથી. આ પ્રકારે તે દેવકી ભગ્ર મનોરથ વાળી થઈને હથેળી પર મુખને ટેકવીને આર્તધ્યાનમાં ડૂબી ગઈ. કૃષ્ણ દ્વારા ચિંતાકારણ પૃચ્છા – દેવકીનો જવાબ :
આ સમયમાં કૃષ્ણ વાસુદેવ સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને વસ્ત્રાભૂષણોથી વિભૂષિત થયા. દેવકી દેવીને પગે લાગવા શીઘ આવ્યા.
ત્યારે તે કૃષ્ણ વાસુદેવે ચિંતામગ્ર દેવકીદેવીને જોયા. જોઈને દેવકીદેવીના ચરણોમાં વંદન કર્યા અને વંદન કરીને તેઓએ દેવકીદેવીને આ પ્રમાણે કહ્યું
હે માતા ! જ્યારે પણ હું આવું છું ત્યારે તું મને જોઈને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત થઈ જાય છે, તો આજે શું કારણ છે કે સંકલ્પ-વિકલ્પમાં ડૂબીને ચિંતાગ્રસ્ત દેખાઈ રહી છો ?
ત્યારે દેવકીદેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું
હે પુત્ર ! આકૃતિ–વય અને કાંતિમાં સદેશ – યાવત્ – નલકૂબેરના સમાન સાત પુત્રોને મેં જન્મ આપ્યો. પણ એકેય બાળકની બાલક્રીડાનો આનંદ મેં અનુભવ્યો નથી. હે પુત્ર ! તું પણ મારી પાસે ચરણવંદનાને માટે છ–છ મહિને આવે છે. તેથી હું માનું છું કે, તે માતાઓ ધન્ય છે – યાવત્ – ઉદાસીન થઈને આર્તધ્યાન કરી રહી છું. ૦ લઘુ ભ્રાતા માટે કૃષ્ણ દ્વારા દેવની આરાધના :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે દેવકીદેવીને આ પ્રમાણે કહ્યું –
હે માતા ! તમે તમારા મનોરથોના પૂર્ણ ન હોવાને કારણે આવા પ્રકારનું આર્તધ્યાન ન કરો. હું એવો પ્રયત્ન કરીશ કે જેથી મારો સહોદર એક નાનો ભાઈ થાય. આ પ્રકારે કહીને તેમણે દેવકી દેવીને ઇષ્ટ – યાવત્ – વચનો દ્વારા ધીરજ આપી. ત્યારપછી તે ત્યાંથી નીકળ્યા, નીકળીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા. આવીને પૌષધશાળા સાફ કરી, ઉચ્ચાર પ્રસવણ ભૂમિની પ્રતિલેખના કરી, દર્ભનું આસન બિછાવ્યું. બિછાવીને તેના પર બેઠા, બેસીને અઠમ ભક્તને અંગીકાર કર્યો. સ્વીકાર કરીને – ભરતરાજાની માફક – પૌષધશાળામાં પૌષધ વ્રતી થઈને બ્રહ્મચર્યપૂર્વક હરિëગમેલી દેવની આરાધના કરવા લાગ્યા.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવનો અઠમ ભક્ત તપ સંપન્ન થયો ત્યારે હરિશૈગમેલી દેવનું આસન ચલાયમાન થયું – યાવત્ – તેણે કહ્યું – હું શીધ્ર અહીં ઉપસ્થિત થયો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org