________________
૩૧૨
આગમ કથાનુયોગ-૩
વખતે અભયકુમારને છીંક આવી ત્યારે તે દેવ બોલ્યો કે, “જીવો કે મરો." આ રીતે તે દેવ ભગવંત માટે, શ્રેણિક માટે, કાલસૌરિક માટે એમ ત્રણ માટે જુદું જુદું બોલ્યો ત્યારે શંકા થઈ કે આ દેવ આવા અસંબદ્ધ વાક્યો કેમ બોલે છે ?
ભગવંતે શંકાનું સમાધાન આપતા અભયકુમારના વિષયમાં એમ કહ્યું કે, તે જીવિત છે ત્યાં સુધી ધર્મની આરાધનામય દિવસો વ્યતીત કરી રહ્યા છે અને મૃત્યુ બાદ વિજય નામના અનુત્તર વિમાને ઉત્પન્ન થવાના છે, તે તેમના તો બંને લોક સફળ છે, તેથી તે દેવ એમ બોલ્યો કે, “જીવો કે મરો.” અર્થાત્ બંને સમાન જ છે.
ત્યારપછી શ્રેણિક મહારાજાએ પોતાના રાજ્યભાર સોંપવા અને રાજમુગટ પહેરાવવા અભયકુમારને વાત કરી. પણ તેણે એ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો.
ત્યારપછી ભગવંતની ધર્મદેશના સાંભળ્યા બાદ તેણે ભગવંતને એક વખત એક ઉત્તમ ગુણવાનું, રૂપવાનું, પ્રશમ સાધુ ભગવંતને જોઈને પૂછયું કે આવા ઉત્તમ શ્રમણ કોણ છે ? ત્યારે ભગવંતે જણાવ્યું કે તે ઉદાયન રાજર્ષિ છે. એમ કહીને ઉદાયન રાજર્ષિનું ચરિત્ર પ્રગટ કર્યું.
ત્યારે અભયકુમારે પૂછયું કે, અંતિમ રાજર્ષિ કોણ થશે ? (આ ભરતક્ષેત્રમાં મુગટ-અલંકારબદ્ધ રાજા હવે સાધુપણું અંગીકાર કરશે?) ભગવંત મહાવીરે તેને કહ્યું કે, છેલ્લા રાજર્ષિ ઉદાયન થશે. ત્યારપછી કોઈ મુગટબદ્ધ રાજા દીક્ષા લેશે નહીં. આ વાત સાંભળી અભયકુમારે પિતાના રાજ્યનો સ્વીકાર ન કરવાનો નિર્ણય કર્યો. રાજ્ય ત્યાગ કરી પ્રવજ્યા લેવા માટે ઉદ્યમ કરવા લાગ્યો.
અભયકુમારે પોતાના પિતા રાજા શ્રેણિક પાસે દીક્ષા લેવાની અનુમતિ માંગી. ત્યારે શ્રેણિકે અનુમતિ ન આપી, પુનઃ પુનઃ વિનંતી કરી ત્યારે કહ્યું કે, જ્યારે હું તને કહું કે, “જતો રહે – મને તારું મુખ બતાવતો નહીં" ત્યારે તારે દીક્ષા લેવી.
એક વખત શ્રેણિક રાજા અંતઃપુર સહિત ભગવંતને વંદન કરવા માટે ગયા. દિવસના પાછલા પ્રહરે તે પાછા ફરતા હતા. ત્યારે ચેલ્લણાએ માર્ગમાં નદીના કિનારે ઠંડીના દિવસોમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા અને અતિ તીવ્ર તપ તપતાં ઉત્તમ તપસ્વી જોયા. રાત્રે શ્રેણિકની શય્યામાં સૂતેલી ચેલણાનો હાથ કોઈ કારણે રજાઈની બહાર રહી ગયેલો. તે ઘણો જ ઠંડો થઈ ગયો. સખત ઠંડીયુક્ત વાયુના સ્પર્શથી તેના રૂંવાડા ઊભા થઈ ગયા અને તેનો હાથ ધ્રુજવા લાગ્યો.
ત્યારે ચેલણાને દિવસે જોયેલા તપસ્વી સાધુ યાદ આવ્યા. તેથી તે બોલી ઉઠી કે, “નદી કિનારે તેમનું શું થતું હશે ?” આ શબ્દો સાંભળીને શ્રેણિક રાજાને થયું કે, કોઈ પરપુરુષ આનો પ્રેમી જણાય છે, ખરેખર ! સ્ત્રીઓના ચરિત્રને ધિક્કાર થાઓ. એ પ્રમાણે શ્રેણિકના મનમાં ખોટા ખોટા વિકલ્પો ઉઠવા લાગ્યા.
પ્રાતઃકાળે તે ભગવંત મહાવીરને વંદનાર્થે જવા તૈયાર થયા ત્યારે તેણે અભયકુમારને બોલાવીને કહ્યું કે, હું અત્યારે જઈ રહ્યો છું. તારે અંતઃપુરમાં જઈને અંતઃપુર સહિત સમગ્ર સ્થાન સળગાવી મૂકવું. મારી આજ્ઞાનો સત્વરે અમલ કરવો. જેથી બળી રહેલી તે બધી રાણીના કરુણ-રૂદન સ્વર હું સાંભળું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org