________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ લોકો એવા ટેવાઈ ગયા હોય તેના કોઈ પણ પાસાનોયે વિચાર પણ ન કરી શકે. સવારથી સાંજ સુધીમાં કોણ જાણે કેટલાય જીવોનો ભયંકર ઘાત કરે. તેમ છતાં તેમની આજીવિકા મુશ્કેલીઓથી ઘેરાયેલી જ હોય છે. જીવનની અનેક અગવડો મોઢું ફાડીને તેમની સામે જ ઊભી હોય છે. જે સમજુ માણસ પોતાના કુળક્રમથી પરંપરામાં ચાલી આવતી હિંસાને છોડી દે છે. તે હરિબળ માછીની જેમ રાજયઋદ્ધિ, સુખ-સૌભાગ્ય પામે છે.
હરિબળ માછીની કથા કાંચનપુર નામનું સમૃદ્ધ નગર, જિતારી નામના પ્રતાપી રાજા ત્યાં રાજ્ય કરે. તેમને રૂપરૂપના અંબાર જેવી પુત્રી. નામ હતું વસંતશ્રી. તે જ નગરમાં એક હરિબળ નામક માછી રહે. તે થોડા દિવસો પૂર્વે જ પરણ્યો હતો. તેની પત્ની મહાકર્કશા હતી. હરિબળ રોજ સવારમાં જાળ લઈ માછલા પકડવા જતો ને પાપવ્યાપારથી જીવનનિર્વાહ કરતો. છતાં ઘરમાં ઘણી જ અછત રહેતી ને કોકવાર ખાવાપીવાના સાધનોમાં વાંધા પડતા, ઘરમાં ક્લેશ ઉગ્રરૂપ લેતો. એકવાર પત્નીના ઝઘડાથી કંટાળી નદીએ જતો હતો ત્યાં કિનારે અતિશાંત એક મુનિને જોઈ એ સાશ્ચર્ય તેમની પાસે ગયો. મુનિએ તેને ઉપદેશ આપતાં કહ્યું- “જેમ મેરુપર્વતથી કાંઈ મોટું નથી, સમુદ્રથી વધુ કશું ગંભીર નથી. આકાશથી વધારે કાંઈ વિસ્તૃત નથી તેમ અહિંસાથી વધીને કશો ધર્મ નથી. બધું જાણું પણ પરની પીડા ન જાણી તો શું જાણ્યું? પરાળના પુળા જેવા મોટા ગ્રંથો ભણી ગયા છતાં અહિંસા હાથ ન લાગી તો પરિશ્રમ એળે ગયો.” મહાભારતમાં લખ્યું છે
यो दद्यात् कांचनं मेरुं-कृत्स्त्रां चैत्र वसुन्धराम् ।
एकस्य जीवितं दद्याद् न च तुल्यं युधिष्ठिर ॥ અર્થ - હે યુધિષ્ઠિર ! કોઈ સોનાનો મેરુ દાનમાં આપે કે કોઈ આખી પૃથ્વીનું દાન કરે તેના કરતા એક જીવને જીવિતદાન આપનાર વધી જાય છે.
- ઈત્યાદિ દયાધર્મના મહિમાને જાણી હરિબળ ઘણો રાજી થયો, ને દુભાતાં મને બોલ્યોપ્રભુ ! જેમ કોઈ રાંક ચક્રવર્તીના એંઠાં ભોજનને ન છોડી શકે તેમ મારા જેવો રાંક હિંસા છોડી શકતો નથી. માછીમારના કુળમાં જન્મ્યો છું. ને માછલા પકડવા સિવાય કાંઈ જાણતો નથી, તેમ છતાં ઘણીવાર ખાવાના સાંસા પડી જાય છે.” મુનિએ કહ્યું – “તારે દયામાર્ગમાં ડગલું તો ભરવું જોઈએ. વધારે નહિ તો પ્રથમ જાળનું માછલું જીવતું પાછું પાણીમાં છોડી દેવું.' હરિબળે રાજી થઈ એ નિયમ લીધો.
નદીએ જઈ તેણે જાળ નાંખી, પાછી ખેંચી તો મજાનું સુંદર માછલું આવ્યું. નિયમ પ્રમાણે તેણે છોડી મૂક્યું. પાછી જાળ નાંખી થોડીવારે પાછી ખેંચતા એજ આવ્યું માટે તેને નિશાન કરી છોડી દીધું. કેટલીક વારે પાછું એજ માછલું પકડાયું એટલે જાળ પાણીમાં રાખી તેને દૂર છોડી