________________
૧૫૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
પણ વારે વારે નાચી થાકી વાંસપરથી પડીને મરે એ ઇચ્છાથી ત્રીજીવાર ખેલ બતાવવા કહ્યું. નટે પાછો ખેલ કર્યો, લોકોએ કદી નહીં જોયેલા જીવસટોસટના તમાશો જોઈ આનંદનો અતિરેક બતાવ્યો પણ રાજા પહેલા કોઈએ એક પાઇ પણ આપી નહીં. ત્રીજીવાર આવી ઊભો રહ્યો. રાજાએ કહ્યું – ‘શું થોડું થોડું નૃત્ય કરી ઉતરી આવે છે ? માંડ માંડ જામ્યું હોય છે. ચાલ હવે સારી રીતે ખેલ કર, તને ઘણું દ્રવ્ય મળશે.' બિચારો આશા અને લોભે બંધાયેલો પ્રાણી શું ન કરી શકે? ઇલાપુત્ર થાકી ગયો હતો. અંગેઅંગમાં કળતર થવા લાગી હતી. છતાં તે ચોથીવાર ચડ્યો ને કળાકરતબ બતાવવા લાગ્યો, પણ તેને વિચાર આવ્યો, શું આ રાજા લોભીયો હશે ? આમ ને આમ મારે ક્યાં સુધી નાચવાનું ? હવે તો જાણે શરીરે પૂરું સાથ નથી આપતું. રાજાને શું થઈ ગયું છે?' એમ વિચારી તેણે નીચે રાજા સામે જોયું ને એ ઠરી ગયો. કેમકે રાજાનું ધ્યાન નર્તકમાં જરાય નહોતું, તે તો ઢોલ વગાડી નાચતી નટીમાં લીન થઈ ગયો હતો. રાજાની કામુક્તા ચોક્ખી જણાતી હતી. નટે ઉપર રહ્યે વિચાર્યું - ‘આ વાસનાને, મને અને આ રાજાને ધિક્કાર છે, આ કન્યા, રાજા મને મેળવવા કેમ દેશે ? મેં મારા કુળને બટ્ટો લગાડ્યો, કેવું જીવન જીવ્યો, કેવાં વૈતરા કર્યાં. દુઃખ વેઠ્યું. બધું વ્યર્થ, નકામું ? એમ ઇલાપુત્રને વૈરાગ્ય જાગ્યો. અને ખેદ અને નિર્વેદ ઉત્પન્ન થયો.
તેણે ઉપર ઊભાં ઊભાં પાસેના મકાનમાં જોયું તો કોઈ શ્રીમંત યુવતી મુનિરાજને વહોરવા વિનવતી હતી. ઘરમાં તે બે જ હતા, થાળમાં જાત જાતના પકવાન્ન લઈ તે ઊભી ઊભી વિનવતી હતી ને તે જિતેન્દ્રિયમુનિ સ્વસ્થ ઊભા હતા ને ના પાડતા હતા. નટે વિચાર્યું - ‘અહો ! ખરા જ્ઞાનવાન તો આ છે. નારીના સંગથી સદા દૂર રહેનારા, પોતાના શરીરની પણ મમતા નહિ કરનારા, માત્ર મોક્ષના જ અભિલાષી એવા આ મહાભાગને ધન્ય છે. જેમને આવી સુંદર નવયુવતી આ નટી કરતાં ક્યાંય અધિક રૂપ-લાવણ્યવતી નારી મિષ્ટાન્નાદિ આપવા વિનવે છે અને આ મુનિ તો કેટલા સ્વસ્થ છે ! તેમને કાંઈ પડી જ નથી. હું કેવો રાગાંધ છું કે આ હલકા કુળની હલકી સ્ત્રીમાં લુબ્ધ થયો છું. મને ને મારા આ નીચકૃત્યને ધિક્કાર છે. આ સંસાર અને તેના સ્વરૂપને પણ ધિક્કાર છે.’
આમ વિષયથી એકદમ વિરક્ત થઈ શુભધ્યાન ધ્યાતા ઇલાપુત્રને સામાયિકચારિત્ર સુધીના બધા ભાવો સ્પર્શી ગયા. તરત જ શુભધ્યાનના પરિબળથી ઘનઘાતી કર્મોનો ક્ષય થવા લાગ્યો ને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન ક્ષણવારમાં ત્યાં દોરડા ઉપર જ પ્રગટ્યું. કેવળી ઇલાપુત્ર વાંસ પરથી ઉતરી નીચે આવ્યા. દેવોએ સાધુવેષ પહેરાવી તેમને સોનાના કમળ પર બેસાડી વંદનાદિ કર્યા. ઈલાપુત્ર કેવળીએ ધર્મદેશના આપતાં કહ્યું- ‘માણસે મનના ખેલ ઓળખવા જોઈએ. મનમાં ઇચ્છાઓના રાફડાઓ હોય છે. દુ:ખ ક્યાંય ઉત્પન્ન થતું નથી. એ તો ઇચ્છામાંથી ઉદ્ભવે છે. ઇચ્છાઓનો દાસ એ ત્રણે લોકનો દાસ છે. માણસે પોતાની નિર્બળતાને ઓળખી તેને અળગી કરવી જોઈએ, પદાર્થોની નશ્વરતા, તેને મેળવવા જીવોની સ્પર્ધા અને દોડાદોડી જોઈને પોતાના