________________
૧૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૦૧
શ્રી જિનેન્દ્રદેવો પણ શીલ પાળે છે
येषां मुक्तिर्ध्रुवं भावि, शीलं चरन्ति तेऽपि हि ।
तदा संसारजीवानां कार्योऽजस्त्रं तदादरः ॥१॥
અર્થ :- શ્રી જિનેન્દ્રદેવોની નિશ્ચયે જ તે ભવમાં જ મુક્તિ હોય છે, છતાં તેઓ સંપૂર્ણ શીલને પાળે છે. માટે સંસારીઓએ તો નિરંતર શીલનો આદર કરવો.
આ બાબતમાં મલ્લિનાથસ્વામીની કથા આ પ્રમાણે છે
શ્રી મલ્લિનાથસ્વામીની કથા
અપરવિદેહની સલિલાવતી વિજયમાં વીતશોકા નામની નગરી હતી. ત્યાંના રાજા મહાબલને વૈશ્રમણ, ચંદ્ર, ધરણ, પૂરણ, વસુ અને અછલ નામના છ બાલમિત્રો હતા. આગળ જતાં છએ મિત્રો સાથે તેણે દીક્ષા લીધી સહુ સાથે માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા તે કરવા લાગ્યા. તપસ્યાદિમાં બીજા મિત્રો કરતાં આગળ રહેવા માટે મહાબળમુનિ કાંઈ વ્યાધિનું બહાનું કાઢી પારણાની વાત કરતા. તેથી મિત્રોના પારણા થઈ જતા ને પોતે પારણું કર્યા વિના તપ આગળ વધારી તપોવૃદ્ધિ કરતા. આવી રીતે માયા કરીને ઘણીવાર તેઓ પોતાના મિત્ર સાધુઓને અંધારામાં રાખી પોતે તપમાં આગળ રહેતા. કેમકે મિત્રોની ઇચ્છા સહુએ સાથે તપ કરવાની રહેતી. ને તેઓ તેમને છેતરી તપાદિમાં આગળ રહેવા વંચના કરતા. તેના પરિણામે તેમણે સ્ત્રીવેદ બાંધ્યો, વીસસ્થાનકની ઘોર તપશ્ચર્યાપૂર્વક ઉત્તમ કોટિની આરાધના કરી તેમણે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. છએ મિત્રો સાથે ઉગ્ર ચારિત્ર પાળી અંતે જયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા.
દેવાયુ પૂર્ણ થયે મહાબલનો જીવ વિદેહદેશની રાજધાની મિથિલાનગરીના રાજા કુંભરાયની રાણી પ્રભાવતીદેવીની કુક્ષિમાં પુત્રી તરીકે ઉત્પન્ન થયો. સમય પૂર્ણ થતાં પુત્રીનો જન્મ થયો ને મલ્લિકુંવરી એવું નામ રાખ્યું. તેમના પૂર્વભવના છએ મિત્રો પણ દેવઆયુ પૂર્ણ કરી પાસેના જુદા જુદા દેશમાં રાજાઓને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. મલ્લિસ્વામી તીર્થંકર હતા ને અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવના મિત્રોની સ્થિતિ જાણતા હતા. પોતે કંઈક ઓછા સો વર્ષના થયા એટલે મિત્રને બોધ થાય એ ઉદ્દેશથી તેમણે છ ગભારાવાળો એક ઓરડો કરાવ્યો. અર્થાત્ છ અલગ અલગ દરવાજાથી પ્રવેશ કરનાર અલગ અલગ વ્યક્તિ આવી ઊભી રહી જોઈ શકે તેવો ઓરડો કરાવ્યો ને તેમાં આબેહૂબ પોતાના જેવી યુવતીની સોનાની પોલી મૂર્તિ બનાવરાવી મૂકી, તે મૂર્તિના માથાના ભાગમાં કળામય એક છિદ્ર કરાવી. તેને કમળ જેવું સુંદર ઢાંકણું હતું. રોજ જમવા ટાણે મલ્લિસ્વામી એક એક કોળીયો આહાર તે મૂર્તિમાં માથાના છેદ વાટે નાંખવા લાગ્યા.