________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૦૭ એક વખતની વાત છે. પરમાત્મા મહાવીરદેવ પોતાના બહોળા શિષ્ય સમૂહ સાથે વિહાર કરી જઈ રહ્યા હતા. માર્ગમાં એક અચિત્ત જળનું સરોવર આવ્યું. તેમાં ત્રસ જીવો કે શેવાળ તો નહોતા પણ પાણીય પ્રાસુક (સૂર્યના પ્રચંડ તાપાદિ કારણે) થઈ ગયું હતું. ને પ્રભુના શિષ્યો પણ અતિ તરસથી પીડા પામતા હતા છતાં તેમણે તે પાણીની અનુમતિ આપી નહોતી. એકવાર અચિત્ત તલનું ગાડું ભરેલું હતું. આપનાર ભાવ-ભક્તિથી આપતો હતો. ને સાધુઓ સુધાથી આક્રાંત હતા, છતાં ભગવંતે અનુમતિ નહિ આપેલી. કારણ કે માત્ર જ્ઞાની સિવાય તલની નિર્જીવતા કોઈ જ જાણતું નહોતું. તેવી જ રીતે એકવાર થંડિલને યોગ્ય ભૂમિ ભગવાને જાણી છતાં તે નિર્જીવતાના બાહ્ય કારણ વિનાની હોઈ ભગવાને સાધુઓને ઠલ્લે જવાની આજ્ઞા ન આપી. કારણ તેઓશ્રીએ પણ શ્રુતજ્ઞાનને પ્રાધાન્ય આપ્યું છે. તેથી સામાન્ય શ્રુતજ્ઞાની પણ બાહ્યશાસ્ત્રના સંપર્ક વિના પાણી આદિનું અચિત્તપણે સ્વીકારે નહીં તેમજ કોઈ અચિત્ત પદાર્થો પણ નિઃશંકપણે વાપરે નહીં. જેમ સૂકી ગળો અચિત્ત હોય પણ તેના પર પાણીનો છંટકાવ થતાં તે સચિત્ત થઈ જાય છે. આ બધી મર્યાદા ઘણી જ આવશ્યક છે. નિયત ધોરણ વિના વ્યવસ્થા સચવાતી નથી. કોઈકવાર ચીભડા આદિના બીજ આહાર કરતાં આખા પેટમાં ઉતરી જાય ને વિષ્ટા દ્વારાએ નીકળેલા તે સંયોગ પામી ઉગી નીકળે છે. માટે સચિત્ત-અચિત્તનો પૂરો ઉપયોગ રાખવો. તેમાં અચિત્ત પદાર્થોની યતના કરવી. આ બાબતની ઝીણવટભરી સ્પષ્ટતા બહુશ્રુતવિદ્વાન ગુરુમહારાજ પાસે સારી રીતે સમજી સાતમું વ્રત સ્વીકારવું.
સચિત્તાદિ સકલ ભોગવવાની વસ્તુઓના નામપૂર્વક નિયમ કરવો. જેમ આનંદ, કામદેવ આદિ શ્રાવકોએ કર્યો હતો તેમ. સર્વથા (સંપૂર્ણ) સચિત્તનો જેઓ ત્યાગ ન જ કરી શકે, તેઓએ પ્રતિદિવસ એક બે આદિ ગણત્રીપૂર્વક નિયમ કરવો. જો દરરોજ અલગ અલગ વસ્તુનો સ્વીકારત્યાગ કરતા રહીયે તો સર્વ સચિત્તનો સ્વીકાર થઈ જાય. તેથી વિશેષ વિરતિનો લાભ મળી ન શકે. પરંતુ નામ સાથે અમુક અમુક વસ્તુ રાખીને બાકીની સચિત્ત વસ્તુનો જીવનપર્યત ત્યાગ કરવામાં આવે તો બાકીના બધા સચિત્ત પદાર્થોનો ત્યાગ થતાં દેખીતી રીતે જ તેને સ્પષ્ટ ને ચોક્કસ મહાન ફળ મળે છે. તે માટે પૂર્વાચાર્ય કહે છે કે – “જેઓ પુષ્પ, ફળ, રસ, મદિરા, માંસ અને મહિલાનો સ્વાદ જાણવા છતાં તેનો ત્યાગ કરી વિરત થાય છે તે દુષ્કરકારને હું વંદન કરૂં છું. સર્વ ચિત્તનો ત્યાગ પ્રસંગે અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોએ શ્રી મહાવીર પ્રભુ પાસે શ્રાવકના વ્રત ગ્રહણ કરતાં સચિત્તનો તેમજ અદત્તાદાન (ત્રીજું વ્રત)નો સર્વથા ત્યાગ કર્યો હતો. પરિણામે તેઓ બીજાએ આપેલા પ્રાસુક આહાર પાણીથી જીવિકા ચલાવતા હતા. એકદા તેઓ ગંગાનદીના કાંઠે જતા હતા ત્યાં ગ્રીષ્મકાળને લીધે તેમને અસહ્ય તરસ લાગી. નિયમની દઢતાને કારણે તેમણે ગંગાના પાણીનો સ્પર્શ પણ કર્યો નહીં. સચિત્ત અને પાછું કોઈએ નહીં આપેલું એમ બે દોષ જોઈ તેમણે તે ગ્રહણ તો ન કર્યું પણ તેમણે એવી ભાવના ભાવી કે “આ જળના જીવો અમારા કુટુંબી જ છે માટે તેમનો નાશ કેવી રીતે કરાય?” અને આ ઉત્તમ ભાવના ભાવતાં જ તે સર્વેએ ગંગાની ધખતી રેતીમાં જ અણસણ લીધા ને મૃત્યુ પામી બ્રહ્મદેવલોકમાં સામાનિક (ઇન્દ્ર જેવા) દેવ થયા.