________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
ધર્મરાજાની કથા કમલપુર નગરના નરેશ મહારાજા કમલસેન એકવાર સભામાં બેઠા હતા. ત્યાં કોઈ એક પ્રખર નિમિત્તવેત્તાએ આવીને ભારે હૈયે જણાવ્યું - “મહારાજા! ઉપરા ઉપર બાર વર્ષનો દુષ્કાળ પડશે.” સાંભળી સહુ ચિંતિત થયા. નિમિત્તિયા પાસે જ્ઞાન હતું પણ ઉપાય તો હતો જ નહીં. તેના ગયા પછી પણ રાજા-પ્રજા નિત્ય ચિંતાતુર રહેવા લાગ્યા. સમય વીતતો હતો. તેમાં અષાઢ મહિનો લાગતાં જોરદાર વરસાદ થયો. કહ્યું છે કે –
तावनीतिपरा नराधिपतयस्तावत्प्रजाः सुस्थिताः । तावन्मित्रकलत्रपुत्रपितरस्तावन्मुनीनां तपः ॥ तावन्नीतिसुरीति-कीर्तिविमलास्तावच्च देवार्चनं ।
यावत् स प्रतिवत्सरं जलधरः क्षोणीतले वर्षति ॥ १ ॥
અર્થ:- જયાં સુધી પ્રતિવર્ષ આ પૃથ્વી પર જળધર વર્ષે છે, ત્યાં સુધી રાજાઓ નીતિમાં તત્પર હોય છે, પ્રજા સ્વસ્થ રહે છે, મિત્ર, પત્ની, પુત્ર અને પિતા ત્યાં સુધી જ સગપણનો સંબંધ સાચવે છે. ત્યાં સુધી મુનિઓનું તપ રહે છે ત્યાં સુધી જ નીતિ, રીતિ ને ઉજ્જવળ કીર્તિ દેખાય છે ને દેવપૂજા આદિ થાય છે.
સમયે સમયે સારો વરસાદ પડવાથી લોકોમાં આનંદ અને ઉત્સાહનો પાર ન રહ્યો. ભય અને ચિંતાની જગ્યાએ આનંદ અને ઉમંગ. લોકો નિમિત્તવેત્તાની મશ્કરી કરવા લાગ્યા. આમ કેટલોક સમય વીત્યા પછી ત્યાં યુગંધર નામના પ્રતાપી ગુરુમહારાજ પધાર્યા. તેઓ ચાર જ્ઞાનના ધારક પરમ તેજસ્વી મુનિરાજ હતા, રાજા-પ્રજા સર્વે તેમને નમસ્કાર કરવામાં ગૌરવ માનતા ને બધાં કાર્ય પડતાં મૂકી તેમનો ઉપદેશ સાંભળતા. રાજાએ પૂછ્યું – “કૃપાલ ! અમારા ગામના નિમિત્તવેત્તાનું કથન કદી ખોટું પડતું નથી. તો તે આ વખતે કેમ ખોટું પડ્યું?
જ્ઞાની ગુરુમહારાજે કહ્યું - “રાજન ! પુરિમતાલ નગરે કોઈ પ્રવરદેવ નામનો ગૃહસ્થ રહેતો. કોઈ પાપના ઉદયે તેનો પરિવાર નષ્ટભ્રષ્ટ થઈ ગયો. કોઈ ક્યાં ને કોઈ ક્યાં? જેવી દરિદ્રતા એક તરફ, બીજી તરફ લોલુપતા પણ તેવી જ. તેમાં પાછું વિરતિ અર્થાત્ વ્રત પચ્ચખ્ખાણનું નામે ય નહીં. જ્યારે ત્યારે જે તે ખાધા કરે તેના પરિણામે તેને કોઢનો રોગ થયો. કોઈ બોલાવે નહીં. જયાં જાય ત્યાં અનાદર પામે. બધેથી કંટાળી ધર્મમાર્ગે વળ્યો. ધર્મ કોઈને કુકરાવતો નથી. સહુને અપનાવે છે ને બધાં પ્રશ્નોનો ઉકેલ આપે છે. કોઈ જ્ઞાનવાન મુનિને તેણે પૂછ્યું કે – “હું તો ઘણો સ્વસ્થ અને સારો હતો. મને આ રોગ શાથી થયો ? જોતજોતામાં મારી દશા બેસી ગઈ.” ગુરુ મહારાજે કહ્યું – “વત્સ ! લોલુપતાને લઈ જ્યાં ત્યાં તેં ખાધા કર્યું. રાતદિવસ કશું જ જોયું નહીં. ખાવાની ન ખાવાની કોઈ રેખા જ નહીં. અવિરતિને વળી સંતોષ કેવો ? એનું આ પરિણામ છે.”