________________
૨૬૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ નીતિકારો કહે છે કે -મિત્રની પાસે સત્ય કહેવું, સ્ત્રીની આગળ પ્રિય કહેવું, શત્રુ સમક્ષ ખોટું પણ ગળે ઉતરે એવું અને મધુર કહેવું તથા સ્વામી પાસે અનુકૂળ અને સત્ય બોલવું. તે બાબત નીચે પ્રમાણે વાર્તા છે.
દિલ્હી શહેરમાં એક માણસિંહ નામે શેઠ વસે. તે સત્યવાદી અને સાચા વ્યવહારવાળા હોઈ તેમની કીર્તિ બાદશાહના દરબાર સુધી પહોંચી. એકવાર બાદશાહે શેઠને દરબારમાં બોલાવ્યા અને પૂછ્યું - “શેઠ! તમારી પાસે કેટલુંક ધન હશે?” શેઠે કહ્યું - “જહાંપનાહ! મને પૂરો ખ્યાલ નથી. ઘેર જઈ ચોપડા જોઈ લેખું કરતાં ખબર પડે.' બાદશાહે કહ્યું – “સારું લેખું કરી અમને જણાવજો.' માહણસિંહે ઘેર આવી વ્યવસ્થિત લેખું કર્યું અને પછી બાદશાહ પાસે આવી અરજ કરી ! ‘હજુર ! મારી પાસે ચોરાસી હજાર મુદ્રા છે.' બાદશાહે વિચાર્યું લોકો તો આટલું બધું દ્રવ્ય નહોતા કહેતા. મેં પણ આટલું નહોતું ધાર્યું પણ આણે તો ખચકાટ વગર હતી તે સાચી વાત જણાવી. માણસ સાચો ને ધરાયેલો છે માટે ખજાનચીને યોગ્ય છે, “એમ વિચારી માહણસિંહને તે જ વખતે કોષાધ્યક્ષ બનાવ્યો. સારાંશ એ છે કે સત્યથી સર્વત્ર સમ્પન્ન થવાય છે.
અસત્ય રીતે વર્તવા કે બોલાવથી દંભનું આચરણ થાય છે. તેથી કીર્તિ અને લક્ષ્મીનો નાશ થાય છે, માટે વિવેકીએ દંભ છોડવો. આ પ્રસંગે ધર્મબુદ્ધિની કથા કહેવાય છે.
ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિની કથા બીમપુર નગરના નિવાસી પાપબુદ્ધિ ને ધર્મબુદ્ધિ નામના બે મિત્રો કમાવા માટે દેશાંતર ગયા. ત્યાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી તેઓ ઉતાવળે ઉતાવળે પાછા ફરી રહ્યા. કેમકે તેમને જલ્દી ઘરે પહોંચવાની તાલાવેલી લાગી હતી. કહ્યું છે કે – “દેશાંતરથી વિદ્યા ઉપાર્જન કરી ઘરે પાછા ફરતા વિદ્યાર્થીઓને તેમજ ધન ઉપાર્જન કરી પાછા ઘરે ફરતા વ્યવસાયીઓને એક ગાઉ પંથ પણ જાણે સો યોજન જેવડો લાગે છે.” તેઓ ધન લઈ ચાલતા ચાલતા પોતાના ગામની સમીપ આવી જતાં વિચારવા લાગ્યા - “એકસાથે આટલું દ્રવ્ય લઈ ઘરે જશું, તો નકામા લોકોની આંખે ચડશું. માટે હમણાં થોડું સાથે લઈએ ને બાકીનું આટલામાં દાટી દઈએ.' બંનેએ સહમત થઈ ગામ બહાર બધું ધન દાટી દીધું ને થોડુંક લઈ ઘરે આવ્યા. નીતિમાં કહે છે કે – “ડાહ્યા માણસે કોઈને પોતાનું ધન બતાવવું નહીં. કેમકે ધન જોઈને તો મોટા મુનિ-મહાત્માઓનું મન પણ ચંચળ થઈ ઊઠે છે.” એમ પણ કહેવામાં આવ્યું છે કે “જેમ પાણીમાં માંસ પડે તો માછલું ખાઈ જાય, પૃથ્વી પર પડે તો પ્રાણી ખાઈ જાય અને આકાશમાં ફેંકાય તો સમળી કે ગીધ ખાઈ જાય તેમ ધનવાનનું ધન પણ પૃથ્વી, પાણી કે આકાશમાં સુરક્ષિત નથી.”
ઘરે આવી બંને મિત્રો પોતપોતાને કામે લાગ્યા. થોડા સમય પછી પાપબુદ્ધિ રાત્રે ઉઠી સીમાડાના વનમાં આવ્યો. ને ગુપચુપ ખાડો ખોદી બધું ધન ઉપાડી ગયો. ધનની જગ્યાએ કાંકરા