________________
૨૭૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ સિદ્ધાંતમાં કહ્યું છે કે - “શિયળથી જ વ્રત, દાન, તપ અને નિયમ આદિ સારી રીતે ભલે પ્રકારે આચરેલા થાય છે.”
સામંતોએ કહ્યું – “બીજું તો ઠીક પણ મહારાણી વિના માંગલિક વિધિ શી રીતે સંપન્ન થશે? રાણી વગરના રાજા તે વળી ક્યાંય જોયા સાંભળ્યા છે?' રાજાએ કહ્યું –
જોયા-સાંભળ્યા ના હોય તો હવે જોઈ-સાંભળી લેજો. ગાંગેય (ભીષ્મ પિતામહ)ને કેમ ભૂલી ગયા? તેઓ તો બાલ્યકાળથી આજન્મ કુમાર હતા, આ સાંભળી સામંતો પણ તેમની દઢતાની અનુમોદના કરતાં શ્રદ્ધાથી ઝુકી પડ્યા. સહુથી પરિવરેલા ગુર્જરપતિ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા પાસે આવ્યા અને તેમની પાસે બ્રહ્મચર્યવ્રત ઉચ્ચર્યું. આચાર્યદેવે રાજાને રાજર્ષિ કહી સંબોધ્યા. આરતિ-મંગળદીવા આદિ પ્રસંગ માટે મંત્રીસામંતોએ મહારાણીની સુવર્ણમૂર્તિ બનાવી હતી ને પ્રસંગે રાજાની બાજુમાં બેસાડતા હતા.
આ પ્રમાણે માણસના આત્મામાં નિયંત્રણની મહાશક્તિ રહેલી છે, માણસ નિર્ણય કરી અમલમાં મૂકી શકે છે, માટે તેની દેવો કરતાં વધારે મહત્તા અંકાઈ છે.
કોઈ વળી ધર્મ અને કામને જ સેવે છે, પણ દ્રવ્યોપાર્જનમાં નાસીપાસ જ થાય છે. યા તો ધનોપાર્જનની જરાય દરકાર કરતા નથી. પરિણામે તેમની માનહાનિ, ઘરમાં સદાય ક્લેશ અને ઉતરી ન શકે તેવું દેવું થાય છે. માટે ગૃહસ્થ ધર્મની સુવિધા અને ચિત્તની સમાધિમાં ઉપયોગી નાણાનું લક્ષ્ય પણ રાખવું જોઈશે. ગૃહસ્થનાં બધા કાર્યો પ્રાયઃ પૈસાથી જ થાય છે. માટે ચતુર માણસે યત્નપૂર્વક બધા પુરુષાર્થનો વિચાર કરવો. આ બાબત નીચે પ્રમાણે વાર્તા સંભળાય છે.
ધનદત્તશેઠની વાર્તા એક ધનદત્ત નામનો મિથ્યાત્વી શેઠ હતો. ધર્મબુદ્ધિથી પાત્રાપાત્રની વિચારણા વિના જે બ્રાહ્મણ હોય તેને દાન આપતો. જ્ઞાતિને જમાડતો. કન્યાદાન-ગાયદાન ભૂમિદાન ઇત્યાદિ દાનમાં તેણે લાખ રૂપિયા ખર્ચી નાખ્યાં. જેવી ધર્મની ઘેલછા હતી તેવી જ તેનામાં કામુકવૃત્તિ પણ હતી. તેથી તેમાં પણ સારો એવો ખર્ચ થતો રહેતો. ત્યારે આ તરફ કમાણીમાં ને આવકમાં તેણે જરાય ધ્યાન ન આપ્યું. પરિણામે થોડા જ સમયમાં તેનું ધન સાફ થતાં તે નિધન થઈ ગયો. નિર્ધનનું કોણ? એ તો ડગલે ને પગલે અપમાન પામતો ગયો ને મેણા સાંભળતો રહ્યો. છેવટે કંટાળીને તે પોતે કરેલો ધર્મ વેચવા નિકળ્યો, પરદેશ જતાં ભાતામાં સાથવો લીધો ને આગળ વધ્યો. કોઈ ઉપવનમાં તે સાથવાના લાડુ કરી જમવા બેઠો ત્યાં માસક્ષમણની ઘોર તપસ્યા કરનાર એક મહાતપસ્વી મુનિ આવી ચડ્યા. મુનિના તપથી ત્યાંની વનદેવતા પણ ઘણી ભક્તિ રાખતી હતી. તે તપસ્વીને જોતાં જ ધનદત્તને કોઈ એવો અપૂર્વ ઉલ્લાસ જાગ્યો કે તેણે તે લાડવા તપસ્વીને વહોરાવી દીધા ને આગળ ચાલી તેના કોઈ સગાના ઘરે ગયો.
તપસ્વી મુનિના સંયોગની પણ તેણે વાત કરી. “દરિદ્રાવસ્થાને લીધે પૂર્વે કરેલા દાનપુણ્ય