________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૮૯
મોટાં પરાક્રમો વિશ્વવિખ્યાત છે. આપના એક એક અદના સેવકે પણ સમકિત, વ્રત, નિયમ અને શ્રુતથી પરિપૂર્ણ આત્માઓને પણ એવા પાડ્યા છે કે તેઓ આજ સુધી આપના ચરણદાસ બની રહ્યાં છે, આવા દાસની સંખ્યાનો પાર નથી.
જીવાનુશાસનની વૃત્તિમાં તેમની નોંધ લેતા લખવામાં આવ્યું છે કે ‘મોહના પ્રભાવથી અનંત શ્રુતકેવલી આત્માઓ પૂર્વગત શ્રુતને ભૂલી મોહને આધીન થઈ મૃત્યુ પામી અનંતકાયમાં ઉપજ્યા છે, જ્યાં અનંતકાળની સ્વકાયસ્થિતિ હોય છે. માટે હે મહારાજા ! આપ જરાય અકળાતા નહીં, આ બિચારી રોહિણી તો બાઈ માણસ છે ને તેને સરળતાથી હું જીતી શકું છું.' અને મોહરાજાની આશિષ લઈ વિકથા ચાલીને અવસર પામી રોહિણીના મુખમાં પેસી ચિત્તમાં સ્થિર થઈ. તરત રોહિણીની સ્થિરતા ચંચળતામાં ફેરવાઈ ગઈ. આત્મસાધનની જગ્યાએ પરછિદ્ર જોતી થઈ, જ્યારે જુઓ ત્યારે ચોરો માંડી વિકથા કરવામાં પડી હોય. ગમે તેની વાત વિકથાની લઈને બેસે. એવી તો રસપૂર્વક સરસ વાત કરે કે બાઈઓ ધર્મકથા છોડીને પણ રોહિણીની વિકથા સાંભળે ! ધીરે ધીરે ઉપાશ્રયમાં રોહિણી વિકથા કરનાર તરીકે જાણીતી થઈ ગઈ. સાધુ મહારાજ તેમજ સાધ્વીજી આદિએ આ જાણી તેને એકવાર કહ્યું - ‘રોહિણી ! તને આ શોભતું નથી. તારા જેવી તત્ત્વજ્ઞાની અને સુજાણ વિકથા-પરકથા અને નિંદા કરવા બેસશે તો સામાન્ય જનનું શું થાશે? કોઈનું પણ ઘસાતું બોલવું સારું નથી. તેથી અહીં પણ કશો લાભ નથી મળતો ને વ્યર્થ જ પરલોકની પીડા ઊભી થાય છે. કહ્યું છે કે
यदीच्छसि वशीकर्तुं, जगदेकेन कर्मणा । परापवादशस्येभ्य-श्चरंती गां निवारय ॥ १ ॥
--
અર્થ જો એકજ કાર્યથી જગતને વશ કરવાની ઇચ્છા હોય તો તેનો એક સરળ ઉપાય છે કે તું પરાપવાદ (પરનિંદા)રૂપ અનાજને ખાતી તારી વાણીરૂપ ગાયનું નિવારણ કર.
આ રોહિણીથી સહન ન થયું. આ સાધુ મહારાજો વળી ઠપકો આપે છે ? હું તો ઉપાશ્રયની શોભા છું. મને જ હલકી પાડે છે.’ આમ રોહિણી ક્રોધિત થઈ અને તેને મોહરાજાનું મૃદુ સૈન્ય ચારે તરફથી ઘેરીને ઉભું રહ્યું. તેણે વિકથાની ઘણી પ્રશંસા કરી. પછી તો રોહિણી વિકથામાં પાવરધી બની, તેમાં એટલી તલ્લીન બની કે તેણે ગુરુસેવા અને સ્વાધ્યાય-ધ્યાન, પઠનપાઠન બધું જતું કર્યું.
એકવાર રાજારાણીનો રસાલો રાજમાર્ગેથી જતો હતો. રોહિણી પણ કશેક જઈ પાછી આવતી હતી. તેણે તરત રાણીના દોષ કહેવા માંડ્યા ને આક્ષેપો પણ કર્યા. આ વાત રાણીની અંગત દાસી કાનોકાન સાંભળી ગઈ. તેણે રાજા-રાણીને આ વાત કહી. રાજાએ તરત શેઠને બોલાવી પૂછ્યું - ‘તમારી દીકરીએ રાજરાણીનું કુશીલ ક્યાં જોયું ને કેમ કરી જાણ્યું ?' આનો વ્યવસ્થિત ઉત્તર જોઈશે.' શેઠે કહ્યું - ‘રાજાજી ! મારી આ દીકરીનો આવો દુષ્ટ સ્વભાવ જ થઈ ગયો છે, ઘણા યત્નો કર્યાં, પણ બધું નકામું ! આ સાંભળી રાજાને ક્રોધ ચડ્યો ને તેમણે તરત આજ્ઞા