________________
૨૯૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ સાત વરસ પર્વત સતત ઉપચારો ને ઔષધો કરવા છતાં રોગે જરાય મચક ન આપતા વૈદ્યો કંટાળી ખસી ગયા કે “હવે આનો કોઈ ઉપાય અમારી પાસે નથી.” અંતે રાજાએ ઘોષણા કરાવી કે યુવરાજને જે નિરોગી કરશે તેને હું અડધું રાજય આપીશ.”
તે નગરમાં યશોદત્ત નામના શેઠ રહેતા. તેમની પુત્રી શીલાદિ ગુણસમ્પન્ન અને અતિ પવિત્ર હતી. તેણે પટનો સ્પર્શ કરી ઘોષણા સ્વીકારી લીધી. રાજપુરુષો સાથે તે રાજમહેલે આવી અને રાજકુમારને પોતાના હાથથી સ્પર્શ કરતાં જ તેનો રોગ આશ્ચર્યકારી રીતે નાશ પામ્યો. પછી તો રાજાએ આગ્રહ કરી પુત્ર માટે શેઠ પાસે તેની પુત્રીનું માંગું કર્યું ને ધામધૂમથી બંનેને પરણાવ્યા. પુત્રને સમારોહપૂર્વક રાજગાદી પર બેસાડી શરીરની નશ્વરતા જાણી રાજાએ દીક્ષા લીધી ને શ્રેય સાધ્યું.
એકવાર તે નગરમાં પોટિલાચાર્ય શિષ્યાદિ પરિવાર સાથે પધાર્યા. નવા રાજા રાણી આદિ સાથે તેમને વાંદવા આવ્યો. પ્રવચનને અંતે તેણે જ્ઞાની ગુરુ મહારાજને પોતાનો પૂર્વભવ પૂછ્યો. તેઓશ્રીએ કહ્યું –
વસંતપુર નગરમાં દેવદત્ત નામે વેપારી વસે. તેને ધનેશ્વર વિગેરે ચાર પુત્રો, પણ એ ચાર ચાર મિથ્યાત્વી. એ અવસરે મૃગપુર નગરમાં જિનદત્ત નામના વ્યાપારી શ્રાવકને મૃગસુંદરી નામની એક દીકરી, તેણે એવો અભિગ્રહ (પ્રતિજ્ઞા) લીધેલ કે “જિનેશ્વરદેવની પૂજા કરી, મુનિરાજને દાન આપી પછી જમવું. રાત્રે કાંઈ પણ ખાવું નહીં.'
અહીં પેલો દેવદત્ત શેઠનો મિથ્યાત્વી દીકરો ધનેશ્વર વ્યાપાર અર્થે મૃગપુર આવ્યો. યોગાનુયોગ જિનદત્તની દીકરી મૃગસુંદરીને જોઈ એને પરણવાની અભિલાષા જાગી. પરંતુ આ વાત પણ એટલી જ પ્રસિદ્ધ હતી કે - “આ કન્યા મિથ્યાત્વીને કદી પરણે નહીં ને બાપ પરણાવે પણ નહીં.” એમ વિચારી તે કપટી (ખોટો) શ્રાવક થયો. જૈનત્વની બનાવટી છાપ ઊભી કરી-જિનદત્ત શેઠ પર ધર્મનો પ્રભાવ જમાવી અંતે તેણે શેઠને રાજી કરી લીધા ને મૃગસુંદરીને પરણી ઘરે આવ્યો.
ઘરે આવ્યા પછી ઈર્ષ્યાળુ શ્રેષ્ઠીપુત્રે મૃગસુંદરીને જિનપૂજાનો નિષેધ કર્યો. પૂજા વિના તેને જમવાનું નહોતું. ત્રણ દિવસ તેના ઉપવાસમાં વીત્યા. ચોથા દિવસે તેને ત્યાં મુનિરાજ વહોરવા આવી ચડ્યા, તેણીએ તેમને પોતાના અભિગ્રહની વાત જણાવી પૂછયું કે હવે મારે કેવી રીતે નિર્વાહ કરવો?” ગુરુ મહારાજ ગીતાર્થ હતા. તેણે લાભાલાભનો વિચાર કરી કહ્યું. બહેન ! તું ચૂલા ઉપર ચંદરવો બાંધ અને ભાવથી પાંચ તીર્થોની સ્તુતિ કર ને નિત્ય ગુરુ મહારાજને દાન આપ, તેથી તારો અભિગ્રહ પૂરો થશે. (થયો માનજે) તેણે તે પ્રમાણે કર્યું. પણ તેના સસરા-સાસુએ ધનેશ્વરને કહ્યું કે - “તું આ કેવી વહુ લાવ્યો છે! બધું કરીને થાકી તો હવે તેણે ચૂલા ઉપર કાંઈક કામણ કર્યું લાગે છે. ધનેશ્વરે જોયું તો તેને બળતરા થઈ ને તેણે ચંદરવો ઉતારી ચૂલામાં બાળી નાંખ્યો. મૃગાએ બીજો બાંધ્યો, ધનેશ્વરે તે પણ બાળી નાંખ્યો.
આમ સાતવાર બાંધેલા સાતે ચંદરવા ધનેશ્વરે બાળ્યાં. સસરાએ એકવાર મૃગસુંદરીને પૂછ્યું “વહુ, તે આ શું માંડ્યું છે? શા માટે ઉલ્લોચ બાંધે છે?' મૃગાએ કહ્યું – “બાપુ! જીવદયા